નરેશ પટેલના રાજકીય ભાવિનો આધાર પ્રશાંત કિશોર સાથેની બેઠક પર

| Updated: April 23, 2022 10:30 am

વી દિલ્હીઃ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના રાજકારણના પ્રવેશનો આધાર આજે હવે કોંગ્રેસના મુખ્ય ચૂંટણી વ્યૂહબાજ પ્રશાંત કિશોર સાથેની બેઠક પર છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ અને નરેશ પટેલ સાથે વાટાઘાટ ચાલી રહી છે, પણ હજી સુધી વાટ અટકેલી છે. વાત સાવ ત્યાં સુધી છે કે કોંગ્રેસમાં હાર્દિક પટેલે કહેવું પડ્યું કે કોંગ્રેસ અનિર્ણાયકતાનો ભોગ બનેલી છે. તે કોઈપણ વાતે ઝડપથી નિર્ણય લઈ શકતી નથી.

કોંગ્રેસ નરેશ પટેલને આવકારવા તો તૈયાર છે, પરંતુ નરેશ પટેલ સીધા મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનવાની વાત કરે છે. આ વાત હાઇકમાન્ડને ગળે ઉતરતી નથી, તેઓને ડર છે કે ક્યાંક નરેશ પટેલને જો સીધા મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવામાં આવે તો પછી કોંગ્રેસના બાકી રહી ગયેલા અને અત્યાર સુધી કોંગ્રેસને વફાદાર રહેલી વોટબેન્કમાં મોટું ગાબડું પડી શકે છે. વાત બસ આ મુદ્દે અટવાયેલી છે.

છતાં પણ કોંગ્રેસ નરેશ પટેલ જેવા મોટા માથાને જવા દેવા પણ માંગતી નથી. આ મુદ્દે હવે કોંગ્રેસે સમગ્ર બાજી તેના ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોરના હાથમાં સોંપી છે. તાજેતરમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુના સ્વરૂપમાં મોટુ માથુ આપમા ભળતા કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં આમ પણ મોટો ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં હવે વધુ મોટો ફટકો કોંગ્રેસ સહન કરવા માંગતું નથી.

આજે નરેશ પટેલ અને કોંગ્રેસના આ વ્યૂહકાર પ્રશાંત કિશોર વચ્ચેની બેઠક પર નરેશ પટેલના રાજકીય ભાવિનો આધાર છે. પ્રશાંત કિશોર માટે પણ મોટો પડકાર છે કે તેઓ કોંગ્રેસના નેતૃત્વની લાઇન પર રહીને નરેશ પટેલ જેવા મોટામાથાને પક્ષમાં લાવવા કેટલી હદ સુધી મનાવી શકે છે. જ્યારે નરેશ પટેલ માટે પણ તે મહત્ત્વની વાત છે કે તે પોતાની માંગને લઈને કોંગ્રેસ મોવડીમંડળને કેટલી હદ સુધી સંમત કરી શકે છે. કોંગ્રેસ મોવડીમંડળ પાસે તે તેમની માંગ કેટલી હદ સુધી મનાવી શકે છે તે આ બેઠકનું પરિણામ નક્કી કરી આપશે. આજનો દિવસ કોંગ્રેસની ગુજરાતની ચૂંટણીની ભાવિ દિશા અને નરેશ પટેલના રાજકીય ભાવિ બંને માટે મહત્વનો રહેશે.

આમ આજના દિવસમાં યોજાનારી આ બેઠકનું જે પણ પરિણામ હશે તે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં સમગ્ર ગુજરાત પર તો નહી પણ મોટાભાગે સૌરાષ્ટ્રમાં તેનો ફેર પડી શકે છે. ભાજપના આગેવાન દિલીપ સંઘાણીએ તો કહી દીધું છે કે નરેશ પટેલની ઇચ્છા હોય ત્યાં જાય તેમને કોઈ ફેર પડતો નથી. તેમનો કહેવાનું તાત્પર્ય એ હતું કે જેનું જે ગોત્ર હોય તે ત્યાં જાય. અમને અમારા કામ પર વિશ્વાસ છે.

Your email address will not be published.