આજે તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારની જામીન અરજી અંગે ચુકાદાની શક્યતા

| Updated: July 29, 2022 2:41 pm

અમદાવાદની સેશન્સ કોર્ટ 2002ના રમખાણોના કેસોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાના આરોપમાં પકડાયેલા સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમારની જામીન અરજીઓ પણ આજે આદેશ આપશે તેમ મનાય છે. એડિશનલ જજ ડી.ડી. ઠક્કર તેમની જામીન અરજી પર સુનાવણી કરી આદેશ આપે તેવી સંભાવના છે.

ગુરુવારે કોર્ટે આ આદેશ શુક્રવાર સુધી મુલતવી રાખ્યો હતો. સરકારે આ કેસની તપાસ કરવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચી છે.સેતલવાડ અને શ્રીકુમાર ઉપરાંત ભૂતપૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ પણ આ કેસના આરોપી છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે, જેમણે તેમની સામે ભારતીય દંડસંહિતા (આઇપીસી) કલમ 468 (છેતરપિંડી કરવાના હેતુથી બનાવટ કરવી) અને 194 (બનાવટી પુરાવા આપવા) હેઠળ તેમની સામે પ્રથમ માહિતી અહેવાલ (એફઆઇઆર) દાખલ કરી હતી.

આ સોગંદનામામાં સિટે આરોપ મૂક્યો છે કે તેઓ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારને અસ્થિર કરવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઇશારે આચરવામાં આવેલા મોટા કાવતરાનો ભાગ હતા.

તેમનો આરોપ છે કે 2002ની ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના પછી તરત જ પટેલના કહેવા પર સેતલવાડને 30 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. શ્રીકુમાર એક અસંતુષ્ટ સરકારી અધિકારી હતા, જેમણે સમગ્ર રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અમલદારશાહી અને પોલીસ તંત્રને નુકસાન પહોંચાડવા માટે પ્રક્રિયાનો દૂરુપયોગ કર્યો હોવાનો દાવો એસઆઇટીએ કર્યો હતો.

2002ના ગુજરાત રમખાણો દરમિયાન માર્યા ગયેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદએહસાન જાફરીની વિધવા ઝાકિયા જાફરીની અરજીને સુપ્રીમ કોર્ટે ગયા મહિને ફગાવી દીધા પછી સેતલવાડ, શ્રીકુમાર અને ભટ્ટ સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી. તેમની અરજીમાં ગોધરા પછીના રમખાણો પાછળ મોટા ષડયંત્રનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

સિટે 8 ફેબ્રુઆરી 2012ના રોજ  વડાપ્રધાન મોદી અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સહિત 63 અન્યોને ક્લીન ચિટ આપતા ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો અને કહ્યુ હતું કે તેમની સામે કોઈ કાર્યવાહી કરી શકાય તેવા પુરાવા નથી. સુપ્રીમ કોર્ટે આ વર્ષે 24 જુને મોદી અને અન્ય 63 લોકોને સિટે આપેલી ક્લીન ચિટને સમર્થન આપ્યું હતું.

Your email address will not be published.