છેલ્લા 25 વર્ષમાં ગુજરાતની કઈ મોટી કંપનીઓની ચઢતી થઈ, કોની પડતી થઈ?

| Updated: July 2, 2021 4:34 pm

પચ્ચીસ વર્ષ પહેલાં હું જ્યારે ઇકોનોમિક ટાઇમ્સમાં પત્રકાર હતો, ત્યારે અમે ગુજરાતના ટોચના 50 કોર્પોરેટ જાયન્ટ્સની યાદી તૈયાર કરી હતી. સામાન્ય રીતે આવી યાદી નેશનલ લેવલ પર બનતી હોય છે, પરંતુ અમે સૌપ્રથમ વખત ગુજરાત અને મહારાષ્ટ્ર માટે રાજ્ય લેવલની યાદી તૈયાર કરી હતી. કારણ કે એક સમયે તે એવા રાજ્યો હતા જ્યાં શેરબજાર પર લિસ્ટેડ કંપનીઓ મોટા પ્રમાણમાં હતી. મારા માટે તો આવી યાદી બનાવવાનું મુખ્ય કારણ એ જ હતું કે તેનાથી રાજ્યના ઔદ્યોગિક વિકાસનું ખરું ચિત્ર સામે આવે અને એવી કંપનીઓને સમાચારમાં સ્થાન મળે.

એ યાદી પર આજે નજર નાખીએ તો તે પૈકીની અડધો અડધ કંપનીઓ ઇતિહાસની ગર્તામાં ધકેલાઈ ચૂકી છે. આજની પેઢીને તો કદાચ ખબર પણ નહીં હોય કે ગુજરાતના આર્થિક વિકાસમાં એ કંપનીઓનો કેટલો મોટો ફાળો હતો. એ યાદીમાં ટોચના ક્રમે વેચાણ, નફો અને બજારમાં પ્રભાવની દૃષ્ટિએ આઈપીસીએલ (ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ) હતી, જેને વર્ષ ર૦૦રમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હસ્તગત કરી લીધી હતી અને પાંચ વર્ષ બાદ તેને રિલાયન્સ સાથે મર્જ કરી દીધી હતી.

માણસની જેમ કંપની પણ મોટી થાય અને મૃત્યુ પામતી હોય છે. વયવૃદ્ધિની સાથે બિનકાર્યક્ષમતા આવે છે અને તેમાંથી બહાર આવવાનું કામ મુશ્કેલ હોય છે. આવા સમયે કોઈ મજબૂત પ્રતિસ્પર્ધી કંપની ખરીદી લે તો આવી કંપનીઓ માટે મૃત્યુનો આ સરળ માર્ગ ગણાય છે, કારણ કે ધિરાણકારો, કર્મચારીઓ, વેન્ડર્સ અને શેર હોલ્ડર્સને ઘણી તકલીફ પહોંચતી હોય છે.

ગુજરાતની ટોચની 50 કંપનીઓ પૈકી ઘણી કંપનીઓ માટે અસ્તિત્વ ટકાવી રાખવાનું મુશ્કેલ બન્યું હતું. 1995માં છઠ્ઠા ક્રમે રહેનારી અમદાવાદ ઇલેક્ટ્રિસિટી 1997માં ટોરેન્ટ પાવર સાથે મર્જ થઇ. એ પહેલા એમને બોમ્બે ડાઈંગ તરફથી પણ ઓફર મળી હતી. 20મા ક્રમે રહેનારી લાલભાઈ ગ્રૂપની એનાગ્રામ ફાઇનાન્સને પણ આઇસીઆઈસીઆઈએ ટૂંક સમયમાં હસ્તગત કરી લીધી હતી. 1990ના દાયકામાં ગુજરાતની ઘણી ટોચની કંપનીઓ, ખાસ કરીને વડોદરાની કંપનીઓને મલ્ટિનેશનલ કંપનીઓએ ટેક ઓવર કરી લીધી હતી કારણ કે અર્થતંત્ર ખુલ્લું મૂકાયું હતું. ફેગ પ્રિસિઝન બેરિંગ્સ (29માં ક્રમની) હવે શેફલર ઇન્ડિયા બની હતી. 34મા ક્રમે રહેનારી એબીએ ઇન્ડસ્ટ્રીઝ બેયરનો હિસ્સો બની હતી. 28મા ક્રમે રહેનારી બેટરી ઉત્પાદક લખનપાલ નેશનલ હવે પેનાસોનિક એનર્જી ઇન્ડિયા બની હતી. આ બધી કંપનીઓ એવી હતી જ્યાં પ્રમોટરોએ ગ્લોબલ સ્પર્ધાનો સામનો કરવાના બદલે પોતાનો હિસ્સો વેચી નાખવાનું પસંદ કર્યું હતું.

ત્યાર પછી તો એક સમયે ધમધોકાર ચાલનારી કંપનીઓ પણ માંદી પડી અને તેમનો દર્દનાક અંત આવ્યો. તેમાંથી ઘણી કંપનીઓ ટેક્સ્ટાઈલ્સના વ્યવસાય સાથે સંકળાયેલી હતી, જે 1990ના દાયકાની શરૂઆતથી જ ફરીથી બેઠી થઈ હતી. એમાં કેટલીક ફાર્મા અને કેમિકલ કંપનીઓ હતી. જેમ કે, 23મા ક્રમે રહેનારી કોર હેલ્થકેર અને 11મા ક્રમે રહેનારી મારડિયા કેમિકલ્સ મેનેજમેન્ટની અવઢવ કે અનિશ્ચિતતાના કારણે ભાંગી પડી.

છેલ્લા બે દાયકાની અશાંતિમાંથી બચીને જે કંપનીઓ ઉભરી આવી એમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત કંપનીઓ જીએસએફસી, જીએનએફસી અને ગુજરાત આલ્કલિઝ એન્ડ કેમિકલ્સનો સમાવેશ થાય છે. 1995માં જીએસએફસી ટોચની 50 કંપનીઓની યાદીમાં બીજા ક્રમે હતી. તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1482 કરોડનું અને માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 1097 કરોડનું હતું. આજે તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 7499 કરોડનું અને માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 4500 કરોડ છે.

વધારે રસપ્રદ વાત એ છે કે જે કંપનીઓ છેલ્લા 25 વર્ષમાં સમૃદ્ધ થઈ છે, તેમાં ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ, જે રૂ. 538 કરોડનું માર્કેટ કેપ ધરાવતી હતી, તે 1995માં 13માં ક્રમે આવી ગઈ હતી. આજે તેની માર્કેટ કેપ રૂ. 47,000 કરોડની છે. સન ફાર્મા રૂ. 347 કરોડની માર્કેટ કેપ ધરાવતી હતી અને આ યાદીમાં 39મા સ્થાને હતી. આજે તેની માર્કેટ કેપ રૂ. 161,000 કરોડથી પણ વધારે છે. ઓછું ધ્યાન ખેંચનારી કંપનીઓ પૈકી 15મા ક્રમે રહેનારી એલ્કોન એન્જિનિયરિંગની માર્કેટ વેલ્યૂ 1995માં માત્ર રૂ. 25 કરોડની હતી. આજે તે વધીને રૂ. 1400 કરોડ થઈ છે.

છેલ્લા 25 વર્ષની મોટી સાફલ્યગાથાઓ ફાર્મા સેક્ટરમાં જોવા મળી. કેડિલા હેલ્થકેર 1995માં શેરબજાર પર લિસ્ટેડ ન હતી. આજે તે રૂ. 65000 કરોડથી વધારે માર્કેટ કેપ સાથે ગુજરાતની ટોચની કંપની છે. ત્યાર બાદ અદાણી જૂથની એકમાત્ર કંપની ગુજરાતની ટોચની 50 કોર્પોરેટ જાયન્ટ્સ પૈકી એક હતી અદાણી એક્સપોર્ટ્સ જે રૂ. 275 કરોડના માર્કેટ કેપ સાથે ચોથા ક્રમે હતી. આજે અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી ગ્રીન, અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસનો સમાવેશ થાય છે. ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી આજે કંપનીઓમાં પોતાના હોલ્ડિંગના આધારે સૌથી ધનવાન વ્યક્તિ તરીકે મુકેશ અંબાણી પછી બીજા ક્રમે છે.

Your email address will not be published.