શેરબજાર ખૂલતા જ કડડભૂસઃ સેન્સેક્સ 1200 પોઇન્ટ ડાઉન

| Updated: April 18, 2022 10:27 am

અમદાવાદઃ નવા સપ્તાહના પ્રથમ દિવસે બીએસઇ ખૂલતા જ શેરબજાર કડડભૂસ થઈ ગયું હતું. બીએસઇ સેન્સેક્સમાં 1200થી પણ વધારે પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો અને એનએસઇ નિફ્ટી પણ લગભગ 300 પોઇન્ટ જેટલો ઘટ્યો હતો. બીએસઇ સેન્સેક્સ ખૂલતા જ હજાર પોઇન્ટ નીચો હતો.

યુક્રેન યુદ્ધ ચાલુ રહેવાના અને વિશ્વમાં ક્રૂડના ભાવ ઊંચા સ્તરે જળવાઈ રહેવાના હોવાના લીધે વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ ધીમી પડવાની સંભાવનાએ આ ઘટાડો નોંધાયો હતો. રશિયાએ હજી સુધી યુક્રેન યુદ્ધ ખતમ થવાના કોઈ સંકેત આપ્યા નથી અને નવેસરથી હુમલા થવા લાગ્યા છે. જ્યારે યુરોપ અને અમેરિકાએ તેના ફરતે પ્રતિબંધોનો ગાળિયો વધુ કસતા તથા યુક્રેનને વધુને વધુ પ્રમાણમાં શસ્ત્રો પૂરા પાડવા માંડતા યુદ્ધ પૂરુ થવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. આ સંજોગોમાં કોરોનાની અસરમાંથી બહાર આવેલા અર્થતંત્રો વૃદ્ધિની ગતિ પકડવાના હતા તે ચાલ ધીમી પડશે તેમ માનવામાં આવી રહ્યું છે. આમ દેશ અને વિશ્વ માટે આગામી સમયગાળો અનિશ્ચિતતાથી ભરેલો છે.

બીએસઇના 30 શેરમાંથી ફક્ત ચાર જ શેરમાં વૃદ્ધિની ચાલ જોવા મળતી હતી અને બાકીના 26 શેરમાં ઘટાડાનો ટ્રેન્ડ હતો. જ્યારે નિફ્ટીના 50માંથી ફક્ત સાત જ શેરમાં વૃદ્ધિની ચાલ જોવાતી હતી અને બાકીના 43 શેરમાં ઘટાડાની ચાલ હતી.

બીએસઇના 30 શેરનો સેન્સિટિવ ઇન્ડેક્સે એક સમયે 1112.12 પોઇન્ટ એટલે કે બે ટકાનો ઘટાડો નોંધાવતા નીચામાં 57,226.81 પોઇન્ટની સપાટી નોંધાવી હતી. જ્યારે નિફ્ટીએ નીચામાં 17190 પોઇન્ટ ટ્રેડ કરવાનું શરૂ કર્યુ હતું. આમ નિફટીએ 17,200ની સપાટી તોડી હતી. બેન્ક નિફ્ટી પણ 1.73 પોઇન્ટ ઘટીને 36,813 પર ટ્રેડ થતો હતો.

સેક્ટોરલ ઇન્ડેક્સમાં જોઈએ તો બેન્કિંગ, ઓટો, આઇટી અને ફાર્માસ્યુટિકલ જેવા સેક્ટરમાં મોટાપાયા પર ઘટાડો જોવા મળી રહ્યો છે. ફક્ત એફએમસીજી અને મેટલ્સ સેક્ટરમાં જ થોડી ઘણી તેજી જોવા મળતી હતી. આ ઉપરાંત મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં પણ મોટાપાયા પર ઘટાડો જોવા મળ્યો હતો.

શેરોમાં જોઈએ તો ઇન્ફોસિસે સાત ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો હતો. એચડીએફસી બેન્ક અઢી ટકા, એચડીએફસી લગભગ ત્રણ ટકા, વિપ્રો બે ટકા, એક્સિસ બેન્કમાં દોઢ ટકા અને આઇસીઆઇસીઆઇ બેન્કમાં એક ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

Your email address will not be published.