નરેન્દ્ર મોદી સરકાર કેન્દ્રીય યોજનાઓમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે એસસી અને એસટી જેવી ખાસ ફાળવણી કરવાની યોજના બનાવી રહી છે. આ વર્ષના અંતમાં યોજાનારી હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સરકારે જયાં જ્યાં ઓબીસીની વસ્તી મોટા પ્રમાણમાં છે ત્યાં ત્યાં આ કવાયત હાથ ધરી છે.
ઓબીસીના કલ્યાણ અંગેની સંસદીય સમિતિની માગણીઓ પર કામ કરતા સામાજિક ન્યાય મંત્રાલયે નીતિ આયોગને પત્ર લખીને પૂછ્યું છે કે ઓબીસી માટે વિશેષ ફાળવણી માટેની કોઇ યોજના બનાવી શકાય ?
એક અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલો ગંભીર છે અને તેને નીતિ આયોગ અને પીએમઓ સમક્ષ ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યો છે અને તેના આધારે, નિર્ણય લેવામાં આવશે, વિશેષ અંગભૂત યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્યની યોજનાઓમાં ફક્ત એસસી અને એસટી માટે ફંડ ફાળવવામાં આવે છે.
આ સરકારી યોજનાઓ માટે ફાળવણીની અમુક ટકાવારી તેમના કલ્યાણ પરના ખર્ચ માટે અનામત રાખવામાં આવે છે, અને 41 મંત્રાલયો અને વિભાગો આ યોજનાનો અમલ કરી રહ્યા છે. વર્ષ 2022-23 માટે 1.15 લાખ કરોડ રૂપિયા માત્ર એસસીના કલ્યાણ માટે ફાળવવામાં આવ્યા છે.
વર્ષ 2018-19માં, સંસદની ઓબીસીના કલ્યાણ અંગેની સમિતિના એક અહેવાલમાં જણાવાયું હતું કે મંડલ પંચના અહેવાલ મુજબ જેની દેશની કુલ વસ્તીના 52 ટકા અને 2004-05 દરમિયાન હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ મુજબ 41 ટકા છે તે અન્ય ઓબીસીના કલ્યાણ માટે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના કુલ ફંડમાંથી 18-20 ટકા જેટલું ઓછું ફંડ હાલમાં ફાળવવામાં આવી રહ્યું છે.
અહેવાલમાં એમ પણ જણાવાયું હતું કે ઓબીસીમાં ગરીબી અને બેરોજગારીનો પ્રમાણ વધુ છે. તેમાં ભલામણ કરવામાં આવી હતી કે, ઓબીસીના કલ્યાણ માટે જરુરી કેન્દ્રીય ભંડોળની તાત્કાલિક ફાળવણી કરવામાં આવે.
આ સંદર્ભમાં સમિતિએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે ઓબીસીના કલ્યાણ અંગેની સમિતિએ 30.08.2013 ના રોજ સંસદમાં રજૂ કરેલા તેમના ત્રીજા અહેવાલ (પંદરમી લોકસભા) માં પણ આ મામલો ઉઠાવ્યો હતો.જો કે, ત્યારબાદ, દેશમાં ઓબીસીની એકંદર દુર્દશામાં બહુ સુધારો જોવા મળતો નથી.
આ અંગે ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે,જો એસસી અને એસટી માટે આવી યોજના છે, તો પછી તે ઓબીસી માટે કેમ ન હોવી જોઈએ? આવી યોજનાનો અમલ કરવામાં આવે તો તે સમુદાયના ઉત્થાનમાં મદદ કરશે.
1995થી ગુજરાતમાં સત્તા પર રહેલો ભાજપ ફરી સત્તા પર આવવા કમર કસી રહ્યો છે. એક અંદાજ મુજબ, મુસ્લિમ ઓબીસીને બાદ કરતાં રાજ્યની કુલ વસતીમાં ઓબીસી 35.6 ટકા હિસ્સો ધરાવે છે. હિમાચલ પ્રદેશમાં ઓબીસીની વસ્તી લગભગ 18 ટકા છે.
આ પણ વાંચો: પીએમ મોદીએ ખેડૂતોના સશક્તિકરણ માટે કેન્દ્રીય યોજનાઓની પ્રશંસા કરી