ઉડ્ડયન ઉદ્યોગની સ્થિતિ પૂર્વવત્ થઈઃ એરટ્રાફિક 2019ના સ્તરની નજીક

| Updated: July 3, 2022 8:20 pm

નવી દિલ્હીઃ દેશનો હવાઈ ઉડ્ડયન ઉદ્યોગ 2019ની પૂર્વવત્ સ્થિતિમાં આવી ગયો છે. એરટ્રાફિકમાં અગાઉના મહિનાની તુલનાએ 11 ટકાનો વધારો થતા મેં મહિનામાં કુલ 1.22 કરોડ લોકોએ સ્થાનિક સ્તરે હવાઇ પ્રવાસ કર્યો હતો, એમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને પૂરા પાડેલા આંકડામાં જણાવાયું હતું.

આ આંકડા દર્શાવે છે કે હવાઈ ઉડ્ડયન ઉદ્યોગની સ્થિતિ હવે પૂર્વવત્ થઈ ગઈ જ છે. આ પહેલા સ્થાનિક એરલાઇન્સે મે 2019માં 1.22 કરોડ પ્રવાસીઓ નોંધાવ્યા હતા. છેલ્લા એક મહિનામાં જ સ્થાનિક એરલાઇન્સ ઇન્ડિગોનો પેસેન્જર લોડ ફેક્ટર 81 ટકા વધ્યો હતો, જે એપ્રિલ 2022માં 78.7 ટકા હતો. સ્પાઇસજેટનો પેસેન્જર લોડ ફેક્ટર મે 2022માં વધીને 89.1 ટકા થયો હતો, જે અગાઉના મહિને 85.9 ટકા હતો.

ઇન્ડિગોએ અડધા ઉપરાંતના બજારહિસ્સા સાથે માર્કેટ લીડરશિપ જારી રાખી છે. જો કે એરલાઇનનો માર્કેટશેર એપ્રિલના 58.3 ટકાથી ઘટીને મેમાં 57.9 ટકા થયો હતો. જ્યારે સ્પાઇસજેટનો માર્કેટશેર અગાઉના મહિનાના 9.1 ટકાથી વધીને મેમાં 9.5 ટકા થયો હતો.

ડીજીસીએના જણાવ્યા મુજબ ગયા મહિના દરમિયાન એર એશિયા સૌથી સમયબદ્ધ વિમાની કંપની હતી. તેણે 90.8 ટકા પર્ફોર્મન્સ ઓનટાઇમ આપ્યુ હતુ. જ્યારે 87.5 ટકા સાથે વિસ્તારા બીજા ક્રમે હતી. કોવિડ-19ની અસર ઓસરવાની સાથે જ સ્થાનિક એરટ્રાફિકમાં સુધારો આવ્યો છે. મુંબઈ અને દિલ્હીમાં તાજેતરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. પણ તેની સાથે હોસ્પિટલાઇઝેશનમાં તેટલો ઉછાળો નોંધાયો નથી તે હકીકત છે.

રેટિંગ એજન્સી ઇકરાએ આ મહિને અગાઉ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ કુલ પેસેન્જર ટ્રાફિક રોગચાળાના પૂર્વેના સ્તર 96-76 ટકાએ પહોંચી જશે તેમ માનવામાં આવે છે. સ્થાનિક એરટ્રાફિક ઉપરાંત ઇન્ટરનેશનલ એરટ્રાફિકમાં પણ વધારો નોંધાયો છે. ભારતે બે વર્ષના સસ્પેન્શન પછી 27 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા પરનો પ્રતિબંધ ઉઠાવ્યો હતો. તેના લીધે ઇન્ટરનેશનલ ટ્રાફિક પણ રોગચાળા પૂર્વેની સ્થિતિના 72 ટકાના સ્તરે પહોંચી ગયો છે. આમ આગામી ક્વાર્ટરમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર ટ્રાફિકના મોરચે સ્થિતિ પૂર્વવત્ થઈ જશે તેમ મનાય છે. પેટ્રોલ-ડીઝલ અને એવિયેશન ફ્યુઅલના ઊંચા ભાવ છતાં પણ આ સ્થિતિમાં કોઈ ફેર નહી પડે તેમ ઇકરા માને છે.

Your email address will not be published.