અમદાવાદમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે વર્લ્ડ બેન્ક ત્રણ હજાર કરોડની લોન આપશે

| Updated: April 7, 2022 2:32 pm

ગુજરાતમાં વિવિધ યોજનાઓની પ્રગતિ નીહાળવા વર્લ્ડ બેન્કની ટીમ રાજ્યમાં 13 એપ્રિલ સુધી રહેશે

– જુલાઈ સુધીમાં બધી પ્રક્રિયાઓ પૂરી કરીને અમદાવાદ મહાનગર પાલિકાને લોન આપવામાં આવશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓ, રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાની બેઠક યોજાઈ

– દેશમાં વિકસતા શહેરો માટે વર્લ્ડ બેન્ક દ્વારા આ પ્રોગ્રામ હેઠળ અપાતી લોનમાં ગુજરાતમાં અમદાવાદની પસંદગી

– વર્લ્ડ બેન્કની લોનમાંથી વિવિધ માળખાકીય સુવિધાઓના વિસ્તરણ-નવીનીકરણ, નવિનીકરણ, નવનિર્માણ અને ટેકનોલોજી અપગ્રેડેશનના કામો હાથ ધરાશે

અમદાવાદઃ અમદાવાદ મહાનગરને ગુજરાત રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ વર્લ્ડ બેન્ક દ્વારા અંદાજે ત્રણ હજાર કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે.. દેશના વિકસતા શહેરો માટે વર્લ્ડ બેન્ક દ્વારા આ પ્રોગ્રામ હેઠળ વિવિધ માળખાકીય સુવિધાઓના વિકાસ કામો માટે લોન આપવામાં આવે છે.

ગુજરાતમાં અમદાવાદને પ્રથમ પસંદગી તરીકે વર્લ્ડ બેન્ક દ્વારા આ લોન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ પદ હેઠળ ગાંધીનગરમાં આ સંદર્ભમાં વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓ સાથે શહેરી વિકાસ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા, વર્લ્ડ બેન્કના પ્રતિનિધિ, મેસ્કરીન બરહાને, રોલેન્ડ વ્હાઇટ તથા હર્ષ ગોયલ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્રસચિવ મુકેશ કુમાર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લોચન શહેરાએ આ બેઠકમાં ભાગ લીધો હતો.વર્લ્ડ બેન્કની આ ટીમ 13 એપ્રિલ સુધી અમદાવાદમાં છે તે દરમ્યાન મહાપાલિકાના આ પ્રોજેકટ્સના અહેવાલો મેળવશે અને ત્યારબાદ તેના આધારે  આગામી જુલાઇ-ર૦રર સુધીમાં લોન અંગેની પ્રક્રિયાઓ પૂર્ણ કરી અમદાવાદ મહાપાલિકાને આ લોન અપાશે.

રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ કાર્યક્રમ હેઠળ સસ્ટેનેબલ અને સમયાનુકૂળ વિકાસ કામોને ભવિષ્યના લાંબા ગાળાના આયોજન સાથે હાથ ધરવા સાથે સંબંધિત મહાનગરપાલિકાઓને વર્લ્ડ બેન્ક દ્વારા લોન આપવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા જુદા-જુદા પ્રોજેક્ટ્સની રૂપરેખા સાથેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરની આગામી 2050ના વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ્સ હાથ પર ધરવામાં આવ્યા છે. વર્લ્ડ બેન્ક દ્વારા આપવામાં આવનારી લોન હેઠળ હાથ ધરવામાં આવનારા કામોમાં હયાત એસ.ટી.પીની ક્ષમતામાં વધારો અને ટેકનોલોજી અપગ્રેડેશન, નવા એસ.ટી.પી.ના નિર્માણ, ઇન્ડસ્ટ્રીયલ રિયુઝ માટે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ, હયાત મુખ્ય ડ્રેનેજ લાઇનોના રિહેબિલિટેશન અને નવા માઇક્રો ટનિલંગ લાઇનોના કામ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ તેમજ તળાવોનો વિકાસ કરવો તથા તેની સારસંભાળની સાથે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનના કામોનો સમાવેશ થાય છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ કામો ત્વરાએ શરૂ કરી સમયસર પૂરા કરવા માટે બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. વર્લ્ડ બેન્કની ટીમના પ્રતિનિધિઓ ગુજરાતના વિકાસ અને હેરિટેજ સિટી અમદાવાદના અદ્યતન વિકાસથી પ્રભાવિત થયા હતા. વર્લ્ડ બેન્કની ટીમના પ્રતિનિધિઓ ગુજરાતના વિકાસ અને હેરિટેજ સિટી અમદાવાદના અદ્યતન વિકાસથી પ્રભાવિત થયા હતા.

Your email address will not be published.