જમાલપુર શાક માર્કેટ બહાર વેપારીના ટ્રકમાંથી 24 કિલો મરચાની ચોરી

| Updated: April 15, 2022 9:22 pm

જમાલપુર શાકમાર્કેટ પાસે આવેલી ટ્રકમાંથી મરચા ભરેલા થેલાની ચોરી કરનાર બે શખ્સો પકડાઇ ગયા હતા. બે થેલા લઇને બે શખ્સો ભાગી ગયા હતા. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં શાકભાજી સહિત મોંઘવારીએ માઝા મુકી છે. લુંબી પણ 400 રુપિયે કીલો થઇ જતાં અનેક રાજ્યોમાં લીબું ચોરીની ઘટનાઓ પણ બની છે. તેવામાં મરચા ચોરીની ઘટના અમદાવાદમાં બનતા લોકો કેટલા આર્થિક ભીસમાં છે તેનો ચિતાર સ્પષ્ટ થાય છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, ખેડા જિલ્લાના વસો તાલુકાના મિતરાલ ગામે અઝહરુદ્દીન નજીરમીયા ભટ્ટી (ઉ.27) રહે છે. અને પોતાની અશોક લેલેન્ડ દોસ્ત વાહન રાખી ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 14 મી એપ્રિલના રોજ રાત્રીના સાડા નવ વાગ્યે પોતાની ગાડી લઇ પીપળજ ચોકડી મરચાના પોટલા ભરી જમાલપુર શાક માર્કેટ વેચાણ કરવા માટે નિકળ્યા હતા. રાત્રે સાડા 11 વાગ્યે જમાલપુર શાકમાર્કેટ ખાતે પહોચ્યા હતા. દરમિયાનમાં ગાડીના પાછળના ભાગે બે શખ્સો ચઢ્યા હતા અને ગાડીમાંથી 12- 12 કિલોના બે પોટલા આશરે 2 હજાર રુપિયાના નીચે ફેક્યા હતા. જેથી અઝહરુદ્દીન પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યો હતો અને આ દરમિયાન બે પોટલા લઇ બે માણસો ભાગવા જતાં હતા આ દરમિયાન બુમો પાડી પોટલું પકડી લેતા ઝપાઝપી થઇ હતી.

આમ બુમા બુમ થતા અન્ય લોકો આવી ગયા અને નીચે પોટલું ફેંકીને ઝપાઝપી કરતા બે શખ્સો ભાગી ગયા પરંતુ ગાડીમાં ચઢીને બેઠેલા બે શખ્સો પકડાઇ ગયા હતા. આ અંગે પોલીસ કન્ટ્રોલ રુમમાં ફોન કર્યો હતો. પોલીસે આવી પુછપરછ કરતા કરણ બ્રીજેશ ગુપ્તા(રહે. કેલિકોમીલના છાપરા, દાણીલીમડા), જાવેદ ઉર્ફે બોબડાકાલુમીયા શેખ(રહે. દાણીલીમડા) હોવાનું બહાર આવ્યું હતુ. નવધણ ઉર્ફે ભજીયો અને સમીર ઉર્ફે તોતુ અકબર સૈયાદ(રહે. દાણીલીમડા) ભાગવામાં સફળ રહ્યા હતા. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.