ગાંધીનગરના માણસામાં ચોર ઘરમાં ચોરી કરી ઝોકું મારવા ગયો પરંતુ ઉઠ્યો પોલીસના સામે

| Updated: January 13, 2022 3:07 pm

ગાંધીનગરના માણસામાં એક વિચિત્ર ઘટના બનવા પામી હતી. માણસા નગર પાસેના એક મકાનમાં ઘૂસેલા ચોરને ચોરી દરમિયાન એક ધાબળો મળતા તે તેમાં લપેટીને સુઈ ગયો હતો અને જયારે તેની આંખ ખુલી ત્યારે તેની સામે તે ઘરના માલિક, સ્થાનિકો અને પોલીસકર્મીઓ જોવા મળ્યા હતા. 

વિષ્ણુ દંતાણી નામનો ચોર મંગળવારે રાત્રે રિદ્રોલ ગામમાં કથિત રીતે ઘરમાં ઘુસ્યો હતો. 25 વર્ષીય યુવકે કબાટોમાં તોડફોડ કરી હતી અને 7 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. કિંમતી સામાનની શોધ દરમિયાન તેને એક ધાબળો પણ મળ્યો હતો. લગભગ એક અઠવાડિયાથી તે બરાબર સૂતો ન હોવાથી, દંતાણીએ ધાબળો લઇ પોતાની જાતને લપેટી લીધો અને ચોરી કરીને જતા પહેલા તેણે થોડી વાર સુઈ જવાનું નક્કી કર્યું. 

માણસા પોલીસમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ, આ ઘર ઘાટલોડિયાના 61 વર્ષીય વિષ્ણુ પટેલનું છે. મંગળવારે મોડી રાત્રે તેને તેના પિતરાઈ ભાઈ કનુ પટેલનો ફોન આવ્યો કે કોઈ ઘરમાં ઘૂસી ગયું છે. જ્યારે કનુ અને અન્ય સ્થાનિક લોકો ઘરમાં પ્રવેશ્યા ત્યારે તેઓએ દંતાણીને તેની બાજુમાં કિંમતી સામાન સાથે સૂતેલો જોયો. જેથી તેઓએ મુખ્ય દરવાજો બહારથી બંધ કરીને પટેલ અને પોલીસને બોલાવ્યા. જ્યારે દંતાણી જાગ્યો ત્યારે તે સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા ઘેરાયેલો જોવા મળ્યો હતો. 

મંગળવારે રાત્રે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું. માણસા તાલુકાના બદપુરા ગામના રહેવાસી દંતાણીએ પોલીસને જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી તે સારી રીતે ઊંઘતો ન હતો. જ્યારે તેને ધાબળો મળ્યો ત્યારે તે કિંમતી વસ્તુઓની શોધ કરી રહ્યો હતો. ઠંડી હોવાથી તેણે પોતાની જાતને તેમાં લપેટી લીધી. તેને પટેલના ઘરમાં એટલું આરામદાયક લાગ્યું કે તે સૂઈ ગયો.  જોકે ત્યારબાદ માણસા પોલીસે દંતાણી સામે ઘરફોડ ચોરી અને ફોજદારી પેશકદમીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.            

Your email address will not be published. Required fields are marked *