આ છે સુરતની સિવિલ હોસ્પિટલઃ જ્યાં દર્દીઓની ‘ખબરઅંતર’ કૂતરા લે છે

| Updated: May 4, 2022 3:25 pm

સુરતઃ લોકો વ્યક્તિગત સ્તરે શ્વાનને પાળે છે, પણ અહીં તો સુરતની પોલીસે નહી પણ સુરતની સિવિલ હોસ્પિટલે શ્વાનને પાળ્યો હોય તેમ લાગે છે. સુરતની સિવિલ હોસ્પિટલની સ્થિતિ એવી છે કે ત્યાં દર્દીઓની ખબરઅંતર લેવા ડોક્ટર નહી શ્વાન આંટા મારે છે.

આ જોતાં લાગે છે કે સુરત સિવિલ હોસ્પિટલ જાણે વિવાદનો પર્યાય બની ગઈ છે. હોસ્પિટલ કોઈને કોઈ વિવાદમાં સંપડાય છે ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલ વધુ એક વિવાદમાં આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલના બીજા માળ પર દર્દીઓ સારવાર લઈ રહ્યાં હોય તે વોર્ડમાં શ્વાન ફરી રહ્યો હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સુરતની સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી. સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કહેવાનું કારણ એ છે કે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો એક તરફ હોસ્પિટલની સુરક્ષાના દાવા કરે છે તો બીજી તરફ હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા ના હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે સુરત સિવિલ હોસ્પિટલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, એક શ્વાન સિવિલ હોસ્પિટલના બીજા માળે દર્દીઓ જે રૂમમાં સારવાર લઇ રહ્યા છે તે હોલમાં ફરી રહ્યો છે.

આ વાતની જાણ દર્દીના સગા સંબંધીને થઇ હોવાના કારણે તેમણે સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો. દર્દીના સગા-સંબંધી દ્વારા શ્વાનને હોલની બહાર કાઢવામાં આવ્યો હતો. વિડીયોમાં જોઇ શકાય છે કે, પહેલા જ્યારે વિડીયો ઉતારનાર વ્યક્તિ શ્વાનને ભગાડવાનો પ્રયાસ કરે છે ત્યારે શ્વાન દર્દીના બેડની નીચે ચાલ્યો જાય છે અને ત્યારબાદ તે વ્યક્તિ શ્વાનને ભગાડવામાં સફળ થાય છે. જ્યારે વિડીયો ઉતારનાર વોર્ડમાં હાજર રહેલા આરોગ્યકર્મીને સવાલ કરે છે કે, બીજા માળ પર શ્વાન ચડી જાય છે ત્યારે આરોગ્યકર્મી દ્વારા મોઢું હલાવીને માત્ર હા એમ કહેવામાં આવે છે.

આ ઘટના ખૂબ જ ગંભીર કહેવાય કારણ કે સારવાર લઈ રહેલા દર્દીઓની આસપાસ જ શ્વાન ફરતા હોય તો દર્દીઓના આરોગ્ય લઈને પણ સવાલ ઉભા થાય છે. ત્યારે સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારીને લઇને આગામી દિવસોમાં હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જવાબદાર લોકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે આગામી દિવસોમાં જ જોવાનું રહેશે..

અહેવાલઃ મયૂર મિસ્ત્રી

Your email address will not be published.