અમદાવાદઃ સૌરાષ્ટ્રવાસીઓ માટે દક્ષિણ ગુજરાતનું આવાગમન હવે વધારે સરળ બન્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો જોડતા અત્યંત ટૂંકા માર્ગના છ લેઇનના હાઇવેનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે લોકાર્પણ કર્યુ હતું.
મુખ્યમંત્રીએ બગોદરા-તારાપુર-વાસદ વચ્ચેના 54 કિલોમીટરના 649 કરોડના ખર્ચે તૈયાર થયેલા હાઇવેનું લોકાર્પણ કરતા સૌરાષ્ટ્રવાસીઓ માટે આ હાઇવે દક્ષિણ ગુજરાતનું પ્રવેશદ્વાર બનશે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગે આ બગોદરા-તારાપુર-વાસદના સમગ્ર માર્ગને છ લેનનો કરવાનો પ્રોજેક્ટ બે ભાગમાં પૂરો કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ પ્રોજેકટના પહેલા તબક્કામાં તારાપુર-વાસદનો માર્ગ છ લેનનો કરવાની કામગીરી ઓક્ટોબર 2021માં પૂરી થઈ ગઈ હતી. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માર્ગ અને મકાન વિભાગના પ્રધાન પુર્ણેશ મોદીની હાજરીમાં આ માર્ગ પેકેજની 649 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 54 કિલોમીટરના તબક્કાનું લોકાર્પણ કર્યુ હતું. આ સાથે કુલ 1,654 કરોડના ખર્ચે આ 101 કિ.મી.થી પણ લાંબો છ લેનનો હાઇવે તૈયાર થઈ ગયો છે.
આ હાઇવેને સૌરાષ્ટ્રવાસીઓ માટે ફક્ત દક્ષિણ ગુજરાતનું પ્રવેશદ્વાર જ નથી તેના માટે સમૃદ્ધિનો પણ માર્ગ છે. ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા અને નિર્દેશનમાં ગુજરાત વિકાસના નવા સીમાચિન્હો સર કરી રહ્યું છે. વડાપ્રધાને વિકાસની નીતિ શરૂ કર્યા પછી છેવાડાના અને અંતરિયાળ વિસ્તારોમાં પણ ગામોના લોકોને રોડ-રસ્તા અને પાણી, શિક્ષણ તથા આરોગ્યની સગવડો મળી છે. સરકારે વિકાસની પ્રાથમિક શરત શિક્ષણ, આરોગ્ય અને રસ્તાને અગ્રતા આપી છે.
ગ્રામીણ માર્ગોને પણ પાકા માર્ગની સગવડ પૂરી પાડવા પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનામાં 13,700 કરોડના ગ્રામીણ માર્ગોના 4,086 કરોડના કામો બે દાયકામાં પૂરા થયા છે. રાજકોટ- અમદાવાદ વચ્ચે છ લેનનો હાઇવે બની રહ્યો છે અને સરખેજ-ગાંધીનગર હાઇવે સંપૂર્ણપણે છ લેનનો બનાવવામાં આવી ચૂક્યો છે. દરેક ગ્રામીણ વિસ્તારને માર્ગ જોડાણ પૂરુ પાડવામાં આવી રહ્યું છે.
માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે વાસદથી તારાપુર 47 કિલોમીટર અને તારાપુરથી બગોદરા 54 કિલોમીટર એમ બે ભાગમાં કુલ 101 કિલોમીટરનો રોડ કરોડો રૂપિયાના ખર્ચે બન્યો છે. આ રસ્તો દક્ષિણ અને મધ્ય ગુજરાતના લાખો નાગરિકોની અવરજવર માટે સેતુરુપ સાબિત થશે. આ માર્ગના લીધે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતને જોડતો માર્ગ પરિવહન સરળ બનશે. આ રસ્તા પર ત્રણ મોટા પુલ, એક રેલવે ઓવરબ્રીજ, એક નાનો પુલ અને 14 અંડરપાસ, 19 કિલોમીટર સર્વિસ રોડ, એક ટોલ પ્લાઝા તેમજ અત્યાધુનિક એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ છે. આ ઉપરાંત 32 બસ સ્ટેન્ડ, હાઇટેક કેમેરા સાથે સર્વેલન્સ, સિસ્ટમ, સ્પીડ ડિસ્પ્લે તેમજ વેરિયેબલ મેસેજ ડિસ્પ્લે સિસ્ટમનો ઉપયોગ પણ આ છ માર્ગીય રસ્તા માટે કરવામાં આવ્યો છે.