અમદવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે રૂ.450 કરોડના નવા રોડ બનાવવા તેમજ હયાત રોડને રિસરફેસ કરવાના કામ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓ તેમજ સત્તાધીશોની મહેરબાનીથી શહેરના તમામ રોડના કામો માત્ર 12થી 15 કોન્ટ્રાક્ટરોને ટેન્ડરના અંદાજ ભાવથી 20થી 25 ટકાના ઊંચા ભાવે કામ આપવામાં આવે છે પરંતુ તેમ છતાં વરસાદ આવે ત્યારે અમદાવાદમાં ઠેર ઠેર ભૂવા પડતાં તેમજ રોડ ધોવાઈ જવાની ફરિયાદ સામે આવે છે. કરોડોનો ખર્ચ કરવા છતા પણ શહેરીજનોએ ચોમાસામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નાગરિકોના પરસેવાની કમાણીના 450 કરોડ રૂપિયાના રોડ બનાવે છે છતાં કેટલાય રોડ ધોવાઈ જાય છે.
એએમસી દ્વારા વર્ષ 2020-21માં 400 કરોડથી વધુના રોડના 377 કામો માત્ર 13 કોન્ટ્રાક્ટરો વચ્ચે વહેંચી દેવાયા છે. આ વર્ષે 447 કરોડના કામો મંજુર કરાયા પણ 325 કરોડના રોડના કામ હજી પેન્ડિંગ છે.
અમદાવાદ મ્યુનિ.ના નિયમ મુજબ સામાન્ય રીતે ચોમાસાની સિઝન શરૂ થતાં પહેલાં 15 જૂન સુધી રોડ બનાવવાના તેમજ રોડ રિસરફેસ કરવાની કમાગીરી પૂર્ણ કરવાની હોય છે પણ 20 જૂન થઈ ગઈ છે તેમ છતાં કેટલાક રોડના કામ પૂર્ણ થયા નથી. ચોમાસુ બેસી ગયું તેમ છતાં સરેરાશ 20થી 50 ટકા સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. હાલમાં શહેરમાં 100 ફૂટના 30 જેટલા રોડના કામ ચાલી રહ્યા છે. જેમાંથી 28 રોડના કામ માત્ર આર. કે.સી ઇન્ફ્રાબિલ્ટ પ્રા.લિમીટેડને આપવામાં આવ્યા છે. આ કોન્ટ્રાક્ટરને 168 કરોડના કામ આપવામાં આવ્યા છે.
આ અંગે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ મૂક્યો છે કે, ” મોટી રકમના ટેન્ડર એક જ કોન્ટ્રાકટરને આપવામાં આવ્યા છે.આ કામ આપવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાય છે જેથી તેમણે આ અંગે તપાસની માંગણી પણ કરી છે તેમજ સત્તાધીશો દ્વારા 90 ટકા રોડના કામ પૂર્ણ થયા હોવાના દાવાને પણ પોકળ ગણાવ્યો છે. શહેરમાં 150 રોડના કામ બાકી હોવાના આક્ષેપ પણ કર્યા છે.”
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષ 2020-21માં પણ 400 કરોડના 374 રોડના કામની માનીતા 13 કોન્ટ્રાક્ટરોને લાહણી કરવામાં આવી હતી.
2020-21માં અપાયેલા રોડના કામો
કોન્ટ્રાક્ટરનું નામ | કેટલા કામ આપ્યા |
એપેક્ષ કંસ્ટ્રકશન | 28 રોડ |
મારુતિ ઇન્ફ્રાક્રીએશન | 70 રોડ |
દિશા કંસ્ટ્રકશન | 22 રોડ |
મેસર્સ એલ.જી. ચૌધરી | 36 રોડ |
નરનારાયણ ઇન્ફ્રા સ્ટ્રકચર પ્રા.લી | 97 રોડ |
આર.કે.સી.ઇન્ફ્રાબિલ્ટ | 21 રોડ |
એન સી સી ઇન્ફ્રાસ્પેસ | 48 રોડ |
સહજ પ્રોજેક્ટ પ્રા.લી | 1 રોડ |
જય કોર્પોરેશન | 1 રોડ |
રોલર સેન્ટર | 28 રોડ |
વિમલ કંસ્ટ્રકશન | 11 રોડ |
રચના કંસ્ટ્રકશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર | 6 રોડ |
ભગીરથ એસોસિએટ્સ | 5 રોડ |
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષમાં રૂ. 447.93 કરોડના 316 રોડ બનાવવાના તેમજ રિસરફેસ કરવાના કામ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાંથી રૂ. 122 કરોડના ખર્ચે માત્ર 179 જ રોડનું કામ પૂર્ણ થયેલ છે. રૂ. 325 કરોડના ખર્ચે 137 રોડનું કામ હજુ પણ શરૂ થયું નથી અથવા તો પ્રગતિમાં છે. રોડ પ્રોજેક્ટના 242 કરોડના 40 રોડ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાંથી 42 કરોડના 8 રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. 20 કરોડના કામ હજુ બાકી છે.
ઝોનદીઠ રોડના કામો (રકમ કરોડમાં)
ઝોન | મંજુર રોડ | રકમ | પૂર્ણ કામ | રકમ |
પશ્ચિમ | 51 રોડ | 32.58 | 41 રોડ | 13.75 |
ઉ.પશ્ચિમ | 33 રોડ | 47.20 | 11 રોડ | 13.71 |
દ. પશ્ચિમ | 58 રોડ | 59.56 | 6 રોડ | 4.34 |
પૂર્વ | 35 રોડ | 26.37 | 24 રોડ | 14.74 |
દક્ષિણ | 48 રોડ | 16.25 | 44 રોડ | 13.91 |
મધ્ય | 10 રોડ | 2.40 | 10 રોડ | 2.40 |
ઉત્તર | 41 રોડ | 20.85 | 36 | 17.28 |
રોડ પ્રોજેક્ટ | 40 રોડ | 242.72 | 8 રોડ | 42.66 |
ટોટલ | 316 રોડ | 447.93 | 179 રોડ | 122.12 |
અહેવાલ: લક્ષ્મી પટેલ
આ પણ વાંચો: સ્વચ્છતા કર્મચારીઓ અને ગંદકી કરનારાઓ પર નજર રાખવા એએમસી ટૂંક સમયમાં લોન્ચ કરશે એપ