જામનગરમાં રસોઇયાના કસ્ટોડિયલ ડેથ અંગે હવાઇદળના ત્રણ કર્મચારીને આજીવન કેદની સજા

| Updated: May 14, 2022 1:31 pm

અમદાવાદઃ સ્પેશ્યલ કોર્ટે ગુરુવારે ભારતીય હવાઇદળના ત્રણ કર્મચારીઓને રસોઈયાના મોત બદલ દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના 27 વર્ષ પહેલા બની હતી. કોર્ટે નિવૃત્ત ગ્રુપ કેપ્ટન અનૂપ સૂદ, નિવૃત્ત સાર્જન્ટ અનિલ કે એન અને સર્વિંગ સાર્જન્ટ મહેન્દ્રસિંઘ શેરાવતને આજીવન કેદની સજા ફટકારી છે.

ઘટના નવેમ્બર 1995માં બની હતી, જ્યારે રસોઇયા ગિરિજા રાવત પર એરફોર્સની સીએસડી મેસમાંથી દારૂની 94 બોટલ ચોરાવવાનો આરોપ મૂકાયો હતો. હવાઇદળના સત્તાવાળાઓએ જામનગર પોલીસ સમક્ષ તેની ફરિયાદ પણ નોંધાવી હતી.

તે સમયના જામનગર એરફોર્સ સ્ટેશનના એર કોમોડોરે આ કેસની આંતરિક તપાસના આદેશ પણ આપ્યા હતા. આ સંદર્ભમાં આઇએએફના બે ઓફિસરોએ રાવતના નિવાસ્થાનની તલાશી લીધી હતી અને તેને અટકાયતમાં લીધો હતો. તેને પૂછપરછ માટે મેઇન ગાર્ડ રૂમમાં લઈ જવાયો હતો અને તેને અટકાયતમાં લેવાયો હતો. પછીના દિવસે રાવતને સવારે હોસ્પિટલ લઈ જવાયો હતો અને ત્યાં તેને મૃત્યુ પામેલો જાહેર કરાયો હતો.

તેના પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું કે તેને આંતરિક અને બાહ્ય ઇજા થઈ છે. રાવતની વિધવા શકુંતલા દેવીએ સ્થાનિક પોલીસ સમક્ષ હવાઇદળના કર્મચારીઓ સામે એફઆઇઆર નોંધાવી હતી. તેઓએ તેમના પર તેમના પતિનું ખૂન કરવાનો આરોપ મૂક્યો હતો. તેના પગલે તપાસ શરૂ કરાઈ હતી અને સાત ઓફિસરો સામે તહોમતનામુ ફાઇલ કરાયું હતું.

તેના પછી તેમની વિધવાએ તપાસને ટ્રાન્સફર કરાવવા ગુજરાત હાઇકોર્ટનો સંપર્ક સાધ્યો હતો. આ તપાસ પછી સીબીઆઇને સોંપાઈ હતી. કેન્દ્રીય એજન્સીએ પછી આઠ આરોપી સામે પૂરક પુરાવા ફાઇલ કર્યા હતા. તેમા ત્રણ ઓફિસરોને સજા થઈ અને એક આરોપી જે.એસ. સિદ્ધુ ફરાર છે તથા બીજા ચાર ઓફિસરોને છોડી દેવાયા હતા.

સૂદ, અનિલ અને શેરાવતને સજા કરતા કોર્ટે જણાવ્યું હતું કે દારૂની ફક્ત થોડી બોટલો માટે આ રીતે કોઈ વ્યક્તિને પૂછપરછ માટે લઈને તેનું મોત નીપજાવવા બદલ આરોપીઓ દોષિત ઠરે છે. આટલા ઊંચા સ્તરની વ્યક્તિ પાસે તો આ પ્રકારના વ્યવહારની આશા ન જ રાખી શકાય. દોષિતો પીડિતને કસ્ટડીમાં ટોર્ચર કરીને મોત નીપજાવવા બદલ ગુનેગાર છે. તેઓ પોતે પણ આ પ્રકારની કબૂલાત કરી ચૂક્યા છે. કોર્ટે આ ઉપરાંત દરેક આરોપીને દસ હજારનો દંડ ફટકાર્યો હતો અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને તેનું વળતર તેની વિધવાને આપવા જણાવ્યું હતું.

Your email address will not be published.