ગુજરાતી ધંધાકીય કુનેહ થકી બન્યા ગૌતમ અદાણી બન્યાં સૌથી ધનિક એશિયન

| Updated: December 1, 2021 1:28 pm

ગૌતમ અદાણી ધંધાકીય કુનેહ થકી એશિયાના સૌથી ધનિક બન્યાં છે. સામાન્ય પરિવારમાં જન્મેલ ગૌતમ અદાણી ફસ્ટૅ જનરેશન બિલિયોનેર છે. આમ જોવા જઇએ તો ગૌતમ અદાણીએ સ્વાશ્રય થકી સિદ્ધિ અને સંપત્તિને પ્રાપ્ત કરી છે. ગૌતમ અદાણી આમ તો કોલેજ ડ્રોપ આઉટ પણ ભાવિમાં કયા સેક્ટર થકી સમૃદ્ધ થવાશે તેનો રોડમેપ એમના મનમાં સતત રચાતો રહેતો.

એવું કહેવાય છે કે, જ્યારે શાળાના એક પ્રવાસમાં તેઓ કંડલા પોર્ટ ગયા હતા. કંડલા પોર્ટની ધમધમતી પ્રવૃતિ તેમના મનમાં અંકિત થઇ ગઈ હતી. કંડલા પોર્ટ જેવું બંદર પોતાનું હોય તો કેવું? આ પ્રશ્નએ  તેમને ધંધા-ઉઘોગ તરફી જવાનો પાયો નાખ્યો. કોને ખબર બે દસકા બાદ મુ્ન્દ્રા પોર્ટના તેઓ માલિક બનશે. જે ક્ષેત્ર ભાવિમાં પાયાનું બનશે તેમાં ગૌતમ અદાણીએ ઝંપલાવ્યું.

1995માં ગૌતમ અદાણીને મુન્દ્રા બંદરનો કોન્ટ્રાક્ટ મળ્યો. મુન્દ્રા પોર્ટ એ સ્પેશિયલ ઇકોનોમિ ઝોન એટલે કે સેઝ બન્યું. આજે મુન્દ્રા, અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે APSEZ તરીકે ઓળખાય છે, જે દેશનું સૌથી મોટું ખાનગી બંદર છે.  ઊર્જાનું ક્ષેત્ર પણ તેમના આયોજનમાં મહત્વનું રહ્યું. 1990ના આર્થિક સુધારા બાદ દેશમાં ઔઘોગિક અને ઘરેલું વપરાશમાં વીજળીની માંગ વધશે એ વાતને સમયસર પારખીને 1996માં અદાણી પાવર લિમિટેડની સ્થાપના કરી.

ગૌતમ અદાણીની હંમેશા અન્યો કરતાં આગળ વિચારવું, જોખમ લઇ પહેલ કરવાની માનસિકતાના કારણે દેશની પાયાની આવશ્યકતા પણ પૂર્ણ થઇ છે. ગૌતમ અદાણીએ ધાર્યુ હોત તો પોતાના કૌટુંબીક કાપડના વ્યવસાયમાં જોડાયા હોત. પણ આ તો ગૌતમ અદાણી. ભાવિની નાડ પારખી સિમાચિન્હ કરવાની મેખ ધરાવી પોતે અબજોપતિ બન્યા. સાથે દેશને ખાનગી પોર્ટ, ઊર્જા ક્ષેત્રે સિમાચિન્હ કાર્ય કર્યું છે.

21મી સદીના આરંભે એક સમય એવો હતો કે જ્યારે ઘર વપરાશના ગેસ સિલિન્ડર માટે રાહ જોવાતી. લગભગ 10 દિવસનો વેઇટીંગ પિરિયડ હતો. ગૌતમ અદાણીને આ સમસ્યામાં એક તક દેખાઇ. પોતાના સ્વપ્ન અને ધંધાકીય વ્યૂહ લઇને ઘરે-ઘરે જો પાઇપ લાઇનથી ગેસ પહોંચાડાય તો સમય અને કેરોસીન જેવાં ઇંધણની બચત થાય, પ્રદૂષણને નાથી શકાય. બસ પછી તો ગૌતમ અદાણીએ શહેરોમાં ઘરે-ઘરે પાઇપલાઇન થકી ગેસ પહોંચાડીને રાંધણ ગેસ ક્ષેત્રે ક્રાન્તિ આણી છે.

1988ના ગૌતમ અદાણીના આરંભના વર્ષોમાં અદાણી એન્ટરપ્રાઇઝ થકી અદાણીએ કોમોડિટી બિઝનેસ કર્યો હતો. અદાણી સ્ટોર્સ પણ રાજ્યના શહેરોમાં ખુલ્યાં હતા જે બાદમાં દેશના રિલાયન્સ અને ટાટા જેવાં કોર્પોરેટ કંપનીઓએ પણ ઝંપલાવ્યું હતુ. ગ્લાસગો પર્યાવરણ સમિટ બાદ ગૌતમ અદાણી ગ્રીન એનર્જીને પોતાના નેક્સ્ટ મિશન તરીકે સ્વીકારી મોસમ પરિવર્તન ક્ષેત્રે પણ ઐતિહાસિક સિદ્ધિ મેળવશે.  

ગૌતમ અદાણી – ઉઘોગ સાહસિકથી ગ્લોબલ બિઝનેસમેન 

18 વર્ષની ઉંમરે ગૌતમ અદાણી મુંબઇ પોતાનું નસીબ ચમકાવવા ગયા હતા. પોતાની સાથે સો રૂપિયા મૂડી તરીકે લઇ ગયા. તેમના મનમાં આ મૂડી થકી ધંધો કરીશું તેવું હતુ. આરંભમાં ગૌતમ અદાણીએ હિરાનો વ્યવસાય કરતી કંપની મહિન્દ્રા બ્રધર્સમાં કામ કર્યું હતુ. હિરાના ધંધા થકી વેપારના પાઠ શીખ્યા. 20 વર્ષની  ઉંમરે તો ગૌતમ અદાણી જીવનમાં પહેલી વાર મિલિયોનર બનો ગયા.

બસ આ જ સમયે મોટાભાઇએ પીવીસીની ફેકટરી નાંખી અને ગૌતમ અદાણી અમદાવાદ પરત આવ્યા. પીવીસીના ધંધા અર્થે તેઓ કોરિયા ગયા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ધંધો કરાવાના શમણા બંધાયા. 1988માં ગૌતમ અદાણીએ આયાત-નિકાસની ભાવિ શક્યતાને જોતા અદાણી એક્સપોર્ટ લિમિટેડની કંપની સ્થાપી.

આરંભમાં અદાણી એક્સપોર્ટ એગ્રીકલ્ચર કોમોડિટીના વેપારમાં જોડાયેલી હતી, ત્યાર બાદ ગૌતમ અદાણીના પીવીસીના ધંધાનો વ્યાપ 100 દેશો સુધી વિસ્તાર્યો. આ ધંધા થકી ગૌતમ અદાણી આંતરરાષ્ટ્રીય બિઝનેસના પાઠ શીખ્યા . જેના થકી આજે તેઓ ગ્લોબલ બિઝનેસ આઇકોન બન્યાં. 

સમાજની નીષ્ઠા નીભાવતા ઉઘોગપતિ એટલે ગૌતમ અદાણી 

જેમનું નામ ગૌતમ છે તો એમના દિલમાં કરૂણા હોય એ સ્વાભાવિક છે. દેશ 2020માં કોરોનાથી પ્રભાવિત હતો ત્યારે ગૌતમ અદાણીએ PM CARE FUNDSમાં  રુ. 100 કરોડ આપી કોરોના સામેના જંગમાં મહત્વની ભુમિકા અદા કરી હતી. આ કપરા સમયે વિશ્વ જ્યારે કોરોનાગ્રસ્ત હતુ. ત્યારે મહામંદીની શંકાઓ સેવાતી. પણ ગરવા ગુજરાતી ગૌતમ અદાણી પોતાની બિઝનેસ કુનેહ થકી એક પછી એક સફળતાના માઇલ્સ સ્ટોનને આંબતા જતા રહ્યાં.

હાલ અદાણીનો સ્ટોક આસમાને છે. શેર માર્કેટમાં અદાણી ગેસ, અદાણી પોર્ટ અને અદાણી ગ્રીન કંપનીના શેરોએ બજારમાં ધૂમ મચાવી છે. શેરોની વેલ્યૂના કારણે અદાણીની નેટવર્થમાં વધારો નોંધાતો જાય છે. હાલ બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્ષ પ્રમાણે ગૌતમ અદાણીની નેટવર્થ 84.4 અબજ ડોલરની છે.

વર્ષ-2021ની વાત કરીએ તો અદાણીની નેટવર્થ મુકેશ અંબાણી કરતાં અઢી ગણી વધી છે. નાણાંની વાત કરીએ તો ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીની 14.3 અબજ ડોલરની સંપત્તિની સરખામણીએ વાર્ષિક ધોરણે 55 અબજ ડોલરનો વધારો કર્યો છે. એપ્રિલ-2020થી ગૌતમ અદાણીની નેટવર્થમાં વધારો થવાની શરુઆત થઇ હતી જેણે આજે ઇતિહાસ રચ્યો છે.

Your email address will not be published. Required fields are marked *