ટાઇમ મેગેઝિન દ્વારા 2022ના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને એડવોકેટ કરુણા નંદીનું નામ સામેલ કરવામાં આવ્યું છે.
આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, ટેનિસ આઇકોન રાફેલ નડાલ, એપલના સીઇઓ ટિમ કૂક અને મીડિયા મોગલ ઓપ્રાહ વિન્ફ્રેનો સમાવેશ થાય છે.
ટાઇમમાં અદાણીની પ્રોફાઇલમાં કહેવાયું છે કે, અદાણીનો એક સમયનો રિજિયોનલ બિઝનેસ હવે એરપોર્ટ, ખાનગી બંદર, સૌર અને થર્મલ પાવર અને કન્ઝ્યુમર ગુડ્સમાં ફેલાયેલો છે. અદાણી ગ્રુપ હવે વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં રાષ્ટ્રીય સ્તરે છવાયેલું છે.જોકે અદાણી લોકોની નજરથી દૂર રહે છે, ચૂપચાપ પોતાનું સામ્રાજ્ય બનાવે છે.

ટાઇમ મેગેઝીન નંદી અંગે કહે છે કે, તે માત્ર એક એડવોકેટ જ નથી, પરંતુ એક પબ્લિક એકટિવિસ્ટ પણ છે જે પરિવર્તન લાવવા માટે કોર્ટરૂમની અંદર અને બહાર પોતાનો અવાજ કુશળતા અને બહાદુરીથી ઉઠાવે છે. નંદી મહિલાઓના અધિકારોનાં હિમાયતી છે અને તેમણે બળાત્કાર વિરોધી કાયદાઓમાં સુધારાની માગણી કરી છે. તેમણે કામનાં સ્થળે થતી જાતીય સતામણીને લગતા કેસો લડ્યા છે. તાજેતરમાં તેમણે ભારતના બળાત્કાર સંબંધી કાયદાને પડકાર્યો હતો જેમાં વૈવાહિક બળાત્કારને કાનૂની મુક્તિ આપવામાં આવી છે.
ટાઇમની યાદીમાં એશિયન ફેડરેશન અગેઇન્સ્ટ ઇનવોલિયન્ટરી ડિસએપિરિયન્સીસનાં ચેરપર્સન ખુર્રમ પરવેઝ પણ સામેલ છે.