સત્યાગ્રહ છાવણીની મહિલાએ દહેજ મામલે પતિ સામે મોરચો માંડ્યો

| Updated: July 5, 2021 9:16 pm

અમદાવાદની સૌથી પોશ સોસાયટીઓ પૈકીની એક સત્યાગ્રહ છાવણી (સેટેલાઈટ)માં રહેતી એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ દહેજ માટે શારિરીક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ મુક્યો છે અને પોલીસ ફરિયાદ નોંધાવી છે. નેહા પટેલ નામની મહિલાએ તેના પતિ ભાવિશ પટેલ, સસરા કિર્તી પટેલ અને નણંદ કિંજલ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયા પ્રમાણે નેહા અને ભાવિશના લગ્ન 2008માં થયા હતા અને તેમને બે બાળકો છે. નેહાનો આરોપ છે કે તેના પતિ નાણાકીય રીતે સદ્ધર હોવા છતાં નેહાના પિતાએ ભાવિશના પરિવારજનોને જુદા જુદા ઇન્સ્ટોલમેન્ટમાં એક કરોડ રૂપિયા આપ્યા હતા. તથા 500 ગ્રામ ગોલ્ડ જ્વેલરી પણ આપી હતી.
એફઆઇઆરમાં નેહાએ આરોપ મૂક્યો છે કે તેમના ત્રીજા બાળકના જન્મ પછી તરત તેના પતિ અને બીજા આરોપીઓએ નાની નાની બાબતોમાં તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું તથા તેની પાસેથી કારની ચાવી આંચકી લીધી હતી. આ કાર દ્વારા તે બાળકોને શાળાએ મૂકવા જતી હતી.
એફઆઇઆરમાં આરોપ મુકાયો છે કે આરોપીઓ નાણાકીય રીતે સક્ષમ હોવા છતાં તેઓ નેહાના પુત્રની ચેસ ક્લાસની ફી ચુકવવા તૈયાર ન હતા.
પોલીસે જણાવ્યા પ્રમાણે ફરિયાદીનું કહેવું છે કે તેનો પતિ કેમિકલ ફેક્ટરી ચલાવે છે. તેણે કહ્યું હતું કે જો નેહાને કાર જોઈતી હોય તો તેણે તેના પિયરથી નાણાં લઈ આવવા જોઈએ.
નેહાએ કહ્યું છે કે 2008થી 2011 વચ્ચે તે સ્વામીનારાયણ સંસ્કાર ફાર્મસી કોલેજમાં કામ કરતી હતી ત્યારે તેના સસરા તેનો બધો પગાર લઈ લેતા હતા.

વાઈબ્સ ઓફ ઇન્ડિયાએ ભાવિશ અને તેના પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ વાત કરવા માટે રાજી થયા ન હતા. તેમની સાથે વાત થશે તો આ અહેવાલને અપડેટ કરવામાં આવશે.

Your email address will not be published. Required fields are marked *