ઇલેક્શન પહેલા બદલીઓ, અધિકારીઓના પોસ્ટીંગ પાછળ કામગીરીની અસર

| Updated: April 2, 2022 7:54 pm

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઇલેક્શનની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. તેને લઇને જ ઇલેક્શનમાં અગત્યની કામગીરી કરતા એવા આઇપીએસ અધિકારીઓની સામૂહિક બદલી કરી દેવામાં આવી છે. 57 આઇપીએસ અધિકારીઓની બદલી કરાઇ જ્યારે 20 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં 9 ડીવાયએસપીઓ વેઇટીંગ ફોર પોસ્ટીંગ પર હતી તેમને પણ પ્રમોશન સાથે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. અમદાવાદના 5 ડીસીપીને સારી કામગીરી બદલ જિલ્લા એસપી તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. રાજ્યમાં દારુ જુગારની પ્રવૃતિઓ અટકાવવામાં નિષ્ફળ હોવાનું પુરવાર થતાં આખરે કડક છબી ધરાવતા આઇપીએસ નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનિટરીંગ સેલમાં મુકવામાં આવ્યા છે. જોકે અમુક અધિકારીઓ રાજકીય પીઠબળ ધરાવતા હોવાથી તેમને જિલ્લા એસીપી તરીકે મુકાયા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. બદલીઓમાં પાટીદાર ફેકટર પણ કામ કર્યું હોવાની ચર્ચા રાજકીય બેડામાં થઇ રહી છે.

રાજ્યમાં ઇલેક્શન પહેલા થયેલા આઇપીએસ અધિકારીઓમાં ફેરફારો પર તમામ લોકોની નજર હતી. જોકે બદલીઓની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. તેવામાં આઇબીમાં ફરજ બજાવતા વિશાલ વાઘેલાની કામગીરી જોઇ તેમને સાબરકાંઠા જિલ્લા એસપી, ભાવનગર એસપી જયપાલસિંહની પણ સારી કામગીરી કરતા તેમને રાજકોટ રુરલ એસપી, ગોધરા એસપી લીના પાટીલ વિવાદોથી દુર રહ્યા જિલ્લો સારો ચલાવ્યો તેથી ભરુચ એસપી તરીકે, સ્વેતા શ્રીમાળી અંગત કારણોસર સાઇટ પોસ્ટીંગ હતા. બાદમાં તેમને વેસ્ટર્ન રેલવેમાં મુક્યા, મહેન્દ્ર બગરીયા સુરેન્દ્રનગર જિલ્લો સારી રીતે ચલાવતા ઇસ્ટ કચ્છ એસપી તરીકે મુક્યા, દ્વારકા એસપી સુનિલ જોશી ઇન્વેસ્ટીગેશન અને સારી છાપ ધરાવતા હોવાથી તેમને અમદાવાદ ઓપરેશન સુપ્રિટેન્ડન્ટ તરીકે મુક્યા, દાહોદ એસપી હીતેશ જોયસરે સારી રીતે જિલ્લો ચલાવતા તેમને સુરત રુરલ એસપી મુકાયા, તરુણ દુગ્ગલ બનાસકાઠા એસપી તરીકે સારી કામગીરી કરી હોવાથી તેમને ગાંધીનગર મુકવામાં આવ્યા, આર વી ચુડાસમાં લાંબા સમયથી ભરુચ એસપી તરીકે રહ્યા હતા તેથી તેમને સાઇડ પોસ્ટીંગ એસઆરપીમાં મુકવામાં આવ્યા હતા.

રાજશ સુસરા તાજેતરમાં સુરતમાં ઇન્ચાર્જ ડીસીપી તરીકે ફરજ બજાવી ચુક્યા હોવાથી તેમને પણ સુરત લઇ જવામાં આવ્યા હતા. તાપી એસપી સુજાતા મજબુદારની જિલ્લામાં નબળી કામગીરી અને લાંબા સમયથી અમદાવાદ નજીક આવવું હોવાથી તેમને કરાઇ એકેડમીમાં મુકાયા હતા. વડોદરા રુરલ એસપી સુધીર દેસાઇ સમયે જિલ્લામાં તેમના નજીકના પીઆઇની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી અને તે વિવાદના કારણે તેમને જિલ્લાની જગ્યાએ રાજકોટ ઝોન-2 ડીસીપી તરીકે મુકવામાં આવ્યા હતા.

રાજકોટ રુરલ ડીએસપી બલરામ મિણાની કામગીરી સારી હતી તેને ધ્યાને લઇને તેમને દાહોદ જિલ્લા એસપી તરીકે મુકવામાં આવ્યા હતા. કરણરાજ વાઘેલા વડોદરા ઝોન-3 ડીસીપી હતા તેમની કામગીરીને ધ્યાને લઇ તેમને બોટાદ એસપી તરીકે મુક્યા હતા. હિમકર સિંઘ નર્મદામાં સારી કામગીરી કરી હોવાથી તેમને ફરી એક વાર અમરેલી જિલ્લામાં મુક્યા હતા. ગીર સોમનાથ જિલ્લા એસપી રાહુલ ત્રીપાઠીની પણ કામગીરી સારી હોવાથી તેમને મોરબી જિલ્લા એસપી મુક્યા હતા. જેલ સુપ્રિટેન્ડન્ટ રોહન આનંદની સરકાર તરફથી વફાદારીને ધ્યાને લઇ તેમને વડોદરા રુરલ જિલ્લામાં મુકવમાં આવ્યા હતા. ગાંધીનગર એસપી મયુર ચાવડા રાજકીય જ્ઞાન ધરાવતા હોવાથી તેમને આઇબીમાં ઇલેક્શન સમય પુરતા લઇ જવાયા હોવાની ચર્ચા છે. પાટણ એસપી અક્ષયરાજ મકવાણાની કામગીરી અને રાજકીય પીઠબળના કારણે તેમને બનાસકાંઠા એસપી તરીકે મુકાયાની ચર્ચા છે.

મોરબી એસપી એસ આર ઓડેદરાની નબળી કામગીરી હોવાથી જિલ્લામાંથી તેમને સીઆઇડી ક્રાઇમમાં મુકવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના ડીસીપી અચલ ત્યાગીની કામગીરી સારી અને સારી છાપના કારણે તેમને મહેસાણા એસપી તરીકે મુકયા હતા. સુરત ટ્રાફિક ડીસીપી પ્રસાંતને નર્મદા એસપી તરીકે મુક્યા હતા. અમદાવાદના ડીસીપી પ્રેમસુખ ડેલુંને જામનગર એસપી તરીકે મુક્યા હતા. અમદાવાદના ડીસીપી ઝોન 1 ડો. રવિન્દ્ર પટેલ તેમના પિતા પણ પૂર્વ પોલીસ ઓફિસર હોવાથી તેમની સાખ કામ લગાવી તેમને ભાવનગર એસપી તરીકે મુક્યા હોવાની ચર્ચા છે. નીતેશ પાન્ડેયને દ્વારકા એસપી તરીકે મુક્યા હતા.

સુરત ક્રાઇમ ડીસીપી રાહુલ પટેલની સારી કામગીરી હોવાથી તેમને તાપી એસપી તરીકે મુકવામાં આવ્યા હતા. ઇન્ટેલીજન્સ બ્યુરોમાં ફરજ બજાવતા હીમાંશુ સોલંકીની સારી કામગીરીને ધ્યાને લઇ પંચમહાલ એસપી તરીકે મુક્યા હતા. અમદાવાદ ઝોન- 2 ડીસીપી વિજય પટેલની સારી કામગીરીને ધ્યાને લઇ તેમને પાટણ એસપી તરીકે મુકવામાં આવ્યા હતા. અમદાવાદ ઝોન-4 ડીસીપી રાજેશ ગઢીયાની કામગીરી પણ સારી હોવાના કારણે તેમને ખેડા એસપી તરીકે મુકવામાં આવ્યા હતા. કરાઇ એકેડમીમાં ફરજ બજવાતા હરેશ દુધાત રાજકીય વગથી સુરેન્દ્રનગર પોસ્ટીંગ મળ્યું હોવાની ચર્ચા છે.

સુરત રુરલ એસપી ઉષા રાડા સમયમાં સુરત રુરલમાં અનેક એસએમસીની રેડો થઇ તેના કારણે તેમને જિલ્લા એસપી તરીકે ખસેડી સુરત સીટીમાં મુક્યા હતા. મહેસાણા પાર્થરાજ સિંહ ગોહિલ જિલ્લા એવરેજ કામગીરી હોવાથી તેમને રાજકોટ ક્રાઇમ બ્રાંચ ડીસીપી તરીકે મુક્યા હતા. કચ્છ ઇસ્ટ એસપી મયુર પાટીલથી સિનયર અધિકારીઓ નારાજ અને કામગારી નબળી હોવાથી તેમને ગાંધીનગર આઇબીમાં સાઇડ પોસ્ટ પર મુકાયા હતા.

વડોદરા ક્રાઇમ બ્રાંચ જયદીપસિંહ જાડેજાની કામગીરી એવરેજ હોવાથી તેમને અમદાવાદ ઝોન-2 ડીસીપી તરીકે મુકવામાં આવ્યા હતા. સુરત આઇબીમાં ફરજ બજાવતા ઉમેશ પટેલને આઇબીમાં જ વડોદરા ખસેડવામાં આવ્યા હતા. બોટાદ એસપી હર્ષદ મહેતાની કામગીરી નબળી હોવાથી તેમને સુરતમાં ડીસીપી તરીકે ખસેડાયા હતા. હેતલ પટેલની કામગીરી નબળી હોવાથી તેમને એસઆરપી ગ્રુપ 10માથી એસઆરપી ગ્રુપ 11માં મુકવામાં આવ્યા હતા. જ્યારે પ્રમોશન સાથે પોસ્ટીંગ આપનાર અધિકારીઓમાં ભરત કુમાર રાઠોડ અને હરેશ મેવાડાને આઇબીમાં મુક્યા હતા.

પ્રફુલ વાણીયા, કલ્પેશ ચાવડા, તેજસ પટેલ, કોમલ વ્યાસ, શ્રેયા પરમાર અને મંજીતા વણઝારાને એસઆરપીમાં સાઇડ પોસ્ટ કરાયા હતા. ખેડા ઇન્ચાર્જ એસપી તરીકે વિવાદમાં આવેલા અર્પિતા પટેલ પણ સ્ટેટ ટ્રાફિક બ્રાંચમાં મુકાયા હતા. સ્ટેટ મોનિટરીંગ સેલમાં ફરજ બજાવી ચુકેલા જ્યોતી પટેલ પણ ટેકનીકલ સર્વિસમાં સાઇડ પોસ્ટીંગમાં મુકાયા હતા.

નિરજ બડગુજ્જરને પ્રમોશન સાથે પોસ્ટિંગ અપાશે

સિનિયર આઇપીએસ નિરજ બડગુજ્જર સાબરકાંઠા એસપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમનું પ્રમોશન આવતુ હોવાથી તેમને પોસ્ટીંગમાં વેઇટીંગ અપાયુ છે. તેમના સ્થાને ગાંધીનગર સીઆઇડીમાં ફરજ બજાવતા વિશાલ વાઘેલાને મુકવામાં આવ્યા છે.

અમરેલી એસપીને આમ તો ડિગ્રેડ કરાયા, પરંતુ દારુ જુગાર પર કન્ટ્રોલ ન આવતા SMC મુકાયા

રાજ્યમાં દારુ જુગારની પ્રવૃતિઓ વહિવટદારોના ઇશારે બેફામ ચાલી રહી છે. તેને અટકાવવામાં તમામ એજન્સીઓ અને પોલીસ અધિકારીઓ નિષ્ફળ રહ્યા હતા. તેને અટકાવવા માટે આખરે સરકારે કડક છાપ ધરાવતા સિનિયર આઇપીએસ અઘિકારી નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનિટરીંગ સેલમાં મુક્યા હતા. જોકે જિલ્લામાંથી સિનિયર આઇપીએસ અધિકારી નિર્લિપ્ત રાયને બ્રાંચમાં મુકતા તેમને ડિગ્રેડ કરાયાની ચર્ચા પણ છે.

પ્રમોટેડ તમામ અધિકારીઓને મોટે ભાગે સાઇડ પોસ્ટીંગ અપાયા

પ્રમોશન લઇ આવેલા 20 જેટલા અધિકારીઓને મોટે ભાગે સાઇટ પોસ્ટિંગમાં મુકાયા છે. સુરત અને અમદાવાદમાં સૌથી વધુ પ્રમોટેડ અધિકારીઓને મુકવામાં આવ્યા છે. સુરત ક્રાઇમ ડીસીપી તરીકે મહિલા અધિકારી રુપલ મકવાણા, હરેશ મેવાડાને સુરત આઇબીમાં, રાજદીપ નકુમને સુરત એસઓજીના ડીસીપી, અમીત વાનાણીને સુરત સીટીમાં મુકવામાં આવ્યા હતા. જ્યારે કાનન દેસાઇને અમદાવાદ હેડ ક્વાર્ટર, ભક્તી ઠાકરને ટ્રાફિક ડીસીપી એડમન અને નિતા દેસાઇને ટ્રાફિક ડીસીપી તરીકે મુકવામાં આવ્યા છે.

સિનિયર આઇપીએસ અધિકારીઓની ટુંક સમયમાં મોટી બદલીઓ થશે

રાજ્યમાં થયેલા 57 એસપી કક્ષાના અને 20 અધિકારીઓને પ્રમોશન સાથે પોસ્ટીંગ આપવામાં આવ્યા હતા પરંતુ એક પણ સિનિયર ઓફિસરની બદલી કરાઇ ન હતી. જેથી ટુંક સમયમાં સિનિયર આઇપીએસ ઓફિસરોની બદલી કરવામાં આવશે.

અમુક અધિકારીઓની જીદના કારણે બદલીમાં મુશ્કેલીઓ

રાજ્યની એક રેંજમાં આવેલા એક અધિકારી પોતે કોણ પણ શહેરમાં પોલીસ કમિશનર તરીકે પોસ્ટીંગ લેવા માટે એટલી હદે ઉત્સાહમાં છે કે, તેઓને સરકાર કમિશનર તરીકે ન મુકે તો તેઓ તેમની રેંજ છોડવા ઇચ્છતા નથી અને તેના માટે તેઓ દિલ્હી સુધી દબાણ કરી રહ્યા હોવાની ચર્ચા છે.

રાજકોટ કમિશનર, બરોડા રેન્જ સહિતની મહત્વની અનેક જગ્યાઓ ખાલી

રાજકોટ કમિશનર મનોજ અગ્રવાલની કમીશનકાંડમાં બદલી થઇ ગઇ છે તેમના સ્થાને હજુ સુધી સરકાર કોઇની નિમણૂંકનો નિર્ણય લઇ શકી નથી. તેથી તે જગ્યા પણ ચાર્જમાં ચાલી રહી છે. તેવામાં બરોડા રેન્જ પણ છેલ્લા કેટલાય સમયથી ખાલી હોવાથી તે પણ ચાર્જમાં ચાલી રહી છે.

રાજકોટ સિવાય વધુ એક કમિશનર બદલાય તેવી શક્યતા

રાજકોટ કમિશનરની જગ્યા તો ખાલી જ છે પરંતુ તે સિવાય વધુ એક પોલીસ કમિશનરની બદલી પણ નિશ્ચિત હોવાની ચર્ચા ચાલી રહી છે. આ અધિકારી ક્રાઇમ રેડ કન્ટ્રોલ કરવામાં અને દારુ જુગારની બદી રોકવામાં નિષ્ફળ નિવડ્યા છે. તેમના વહિવટ પણ પીઆઇ કક્ષાના અધિકારીઓ કરી રહ્યા હોવાથી છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે.

Your email address will not be published.