ગુજરાતના પદમડુંગરી ઇકો ટુરિઝમને ‘પ્લાસ્ટિક ફ્રી’ બનાવવા આદિવાસી મહિલાઓની અનોખી પહેલ

| Updated: April 19, 2022 4:50 pm

આરોગ્યના જોખમો અંગેની જાગૃતિને કારણે પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ ઓછો થઇ રહ્યો છે. ગુજરાત વન વિભાગ દ્વારા હવે પદમડુંગરી ઇકો ટુરિઝમ સેન્ટરને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઇકો ટુરિઝમ સાઇટ’ બનાવવા માટે મિનરલ વોટર બોટલનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

વ્યારા ડિવિઝનની ઉનાઈ ફોરેસ્ટ રેન્જે થોડા મહિના પહેલા સ્થાનિક આદિવાસીઓ દ્વારા સંચાલિત પદમડુંગરી કેમ્પ સાઇટ પર આ પહેલની શરુઆત કરી હતી. ‘ગ્લાસ વોટર બોટલ’ પ્લાન્ટ સ્થાપવાનો આશય પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ બંધ કરવાનો અને જંગલો અને નદીઓને બિન-બાયોડિગ્રેડેબલ વસ્તુઓથી મુક્ત રાખવાનો છે. પદમડુંગરી ગામમાં રહેતા સરલાબેન ચૌધરી મહિલાઓની ટીમનાં લીડર છે અને પ્લાન્ટનું સંચાલન કરે છે.

વ્યારા વિભાગના નાયબ વન સંરક્ષક આનંદ કુમારે જણાવ્યું હતું કે શરૂઆતમાં, ગ્લાસ વોટર બોટલ પ્લાન્ટનો હેતુ પદમડુંગરી ઇકો-ટૂરિઝમ સાઇટના મુલાકાતીઓને પીવાનું પાણી પૂરું પાડવાનો હતો. પરંતુ હવે તેને પ્રવાસીઓ અને હોટેલીયર્સ તરફથી પણ ભારે પ્રતિસાદ મળ્યો છે. અમને સુરતની જાણીતી હોટેલો તરફથી મોટો ઓર્ડર મળ્યો છે અને અમે સુરતમાં સ્માર્ટ સિટીઝ પરની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ માટે ચાર દિવસમાં 11,000 પાણીની બોટલો સપ્લાય કરી છે.

કેમ્પસાઇટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની કોઇ વસ્તુઓ ન જાય તે માટે ઇકોટુરિઝમ સેન્ટર પર કડક તકેદારી રાખવામાં આવે છે. આ માટે એન્ટ્રી પર એક ખાસ ‘પ્લાસ્ટિક ચેકિંગ પોઈન્ટ’ ઉભો કરવામાં આવ્યો છે અને સ્થાનિક સ્ટાફ દ્વારા મુલાકાતીઓની બેગની તપાસ કર્યા પછી જ ટિકિટ આપવામાં આવે છે. પ્રવેશ ટિકિટ અપાયા બાદ સ્ટાફ બરોબર ચેક કરે છે કે કેમ્પસાઇટની અંદર પ્લાસ્ટિકની વસ્તુઓ જાય નહીં. જે મુલાકાતીઓ કેમ્પ સાઈટની અંદર પ્લાસ્ટિક લઈ જવાનો આગ્રહ રાખે છે, તેમને ટિકિટ અપાતી નથી.

કમનસીબે પ્લાસ્ટિક આજે આપણા જીવનનો એક ભાગ બની ગયું છે. તેનાં યોગ્ય વિકલ્પ ન હોઇ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો લગભગ અશક્ય હતો. તેથી પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ન કરવા માંગતા મુલાકાતીઓ માટે ઇકો ફ્રેન્ડલી કાચની પાણીની બોટલનો વિચાર આવ્યો હતો.

પદમડુંગરી ઈકો ટુરિઝમ સેન્ટર વ્યારા વન વિભાગની ઉનાઈ રેન્જમાં અંબિકા નદીના કિનારે આવેલું છે. આ ઇકો-ટૂરિઝમ સેન્ટર રાજ્યના સૌથી જૂના અને સૌથી મોટા કેન્દ્રોમાંનું એક છે. પાણીને નદીમાંથી સીધું પમ્પ કરવામાં આવે છે અને અત્યાધુનિક ટેકનોલોજી વડે શુદ્ધ કરવામાં આવે છે. તે પાણીનો કુદરતી રીતે ખનિજ-સમૃદ્ધ સ્ત્રોત છે જેથી કૃત્રિમ રીતે ખનિજો ઉમેરવાની જરુર રહેતી નથી. વિષાણુંઓને દૂર કરવા માટે પાણીને ફિલ્ટર અને ટ્રીટ કરવામાં આવે છે. તે હાલની પ્રચલિત અને નકામી મનાતી આરઓ પદ્ધતિથી અલગ છે.

અંબિકાનાં પાણીને ત્રણ તબક્કામાં ગાળવામાં આવે છે. દરેક તબક્કામાં અલગ રીતે શુદ્ધિકરણ કરાય છે. જેમ કે ભૌતિક શુદ્ધિકરણ, રાસાયણિક શુદ્ધિકરણ અને જૈવિક શુદ્ધિકરણ. શુદ્ધ કરેલા પાણીમાં પછી થોડી માત્રામાં હર્બલ અર્ક જેમ કે તુલસી ઉમેરવામાં આવે છે. આ વનસ્પતિ અર્ક એવી રીતે બનાવવામાં આવે છે કે તેનો ઘાસ જેવો સ્વાદ અને બિનજરુરી તત્વોને છોડીને તેના શુદ્ધ સ્વરૂપમાં સ્વાદને બહાર કાઢે છે.

પાણીને તે પછી સારી રીતે સાફ કરેલી અને સેનિટાઈઝ કરેલી કાચની બોટલોમાં ભરવામાં આવે છે. કાચની બોટલોનું એક આગવું આકર્ષણ હોય છે જે પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ ઓછો કરવામાં મદદરુપ થાય છે.

બોટલિંગ પ્લાન્ટથી પેકેજ્ડ પાણીના વિતરણ સુધીની કામગીરી સ્થાનિક લોકો સંભાળે છે.લાંબા ગાળે પ્લાન્ટ ટકી રહે તે જરૂરી છે કારણ કે તે સ્થાનિક લોકોને રોજગારી આપે છે. કાચની પાણીની બોટલો પદમડુંગરી ઈકોટુરિઝમ સેન્ટરમાં પ્લાસ્ટિકની પાણીની બોટલના ભાવે વેચવામાં આવે છે.

વ્યારા ડિવિઝનનાં ઉનાઈ ફોરેસ્ટ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રુચિ દવે કહે છે કે,પદમડુંગરી ઈકો-ટૂરિઝમ સેન્ટરને ખરા અર્થમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન’ બનાવવા માટેની અનેક યોજનાઓનો આ એક ભાગ છે. આ સ્થળને આરામદાયક બનાવવા માટે મૂળભૂત જરૂરી ફેરફારો સિવાય, કોઈ મોટા ફેરફારો કરવામાં આવ્યા નથી. કેમ્પ સાઇટ આસપાસના લીલાછમ જંગલો સાથે જાણે એકરુપ થઇ જાય છે.

વ્યારાના જંગલો અને જૈવવિવિધતા વિશે લોકોને જાણકારી મળે તે માટે એન્ટ્રી પર એક ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવાયું છે. જેમાં વન્યજીવન અને સંસ્કૃતિના નમૂનાઓ અને માહિતી બોર્ડ છે. તે વ્યારા ડિવિઝનમાં વન વિભાગની કામગીરી અને યોજનાઓ પણ દર્શાવે છે.

અહીં મુલાકાતીઓ તંબુ અથવા કોટેજમાં રહી શકે છે. ગ્રુપમાં આવતાં લોકો માટે ડૉર્મિટરીની વ્યવસ્થા છે.કેન્ટીનમાં માત્ર સ્થાનિક આદિવાસી વાનગીઓ પીરસવામાં આવે છે.

પદમડુંગરી ઈકોટુરિઝમ સેન્ટરમાં કેક્ટસ હાઉસ અને ઓર્કિડ હાઉસ પણ છે. કેક્ટસ હાઉસમાં વિવિધ પ્રકારના કેક્ટસ અને સુક્યુલન્ટ્સ છે જ્યારે ઓર્કિડ હાઉસમાં મોટી સંખ્યામાં દેશી તેમજ વિદેશી ઓર્કિડ છે. ઇકો ટુરિઝમ સેન્ટરમાં ભારતની સૌપ્રથમ વોક-ઇન ઇન્સેક્ટ ઓબ્ઝર્વેટરી છે જ્યાં મુલાકાતીઓ સુંદર પતંગિયા, ડ્રેગનફ્લાય, ફાયરફ્લાય, બીટલ, ડેમસેફ્લાય, મેન્ટીસને નજીકથી જોઇ શકે છે.

કેમ્પ સાઇટની પાછળ આવેલાં આરોગ્ય વનમાં વિવિધ ઔષધીય વનસ્પતિઓ વિશે જાણકારી મળે છે. આરોગ્ય વનમાં ખાસ પ્રકારનાં છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.અહીં આકર્ષાઇને આવતાં પતંગિયા, મધમાખી, ભમરાં અને ભમરીઓને જોવા એક રોમાંચક અનુભવ છે.

કેમ્પ સાઈટમાં થોડા દુર્લભ વૃક્ષો વાવવામાં આવ્યા છે. પદમડુંગરી ઇકોટુરિઝમ સેન્ટર આસપાસના જંગલોમાં બર્ડવૉચિંગ, ટ્રી સ્પોટિંગ, સ્ટાર ગેઝિંગ, રેપ્ટાઇલ ટ્રેલ્સ, બટરફ્લાય વૉચ જેવી ગાઇડેડે ટુરની સુવિધાઓ આપે છે.કેમ્પસાઇટમાં ઝિપલાઇન, તીરંદાજી અને ટ્રી વૉકિંગ જેવી એડવેન્ચર એકટિવિટી તેમજ નૌકાવિહાર, સાઇકલિંગ અને ઇ-બાઇક પણ છે.

Your email address will not be published.