વટવામાં ગરબા રમતા પગ અડી ગયો, જેનો પગ વાગ્યો તેની હત્યા કરાઇ

| Updated: May 13, 2022 1:29 pm

વટવામાં ગરબા રમતા રમતા પગ એક યુવકને અડી ગયો હોવાથી ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા શખ્સે યુવકનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હતો. પોલીસ હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી હતી. મૃતકની પત્નીએ 20 દિવસ પહેલા બાળકીને જન્મ આપ્યો હતો અને ઘરમાં ખુશીનો માહોલ હતો જોકે તે માતમમાં ફેરવાઇ ગયો હતો.

વટવા વિસ્તારમાં આવેલા મોટા ઠાકોર વાસમાં રહેતા અજય ઠાકોર તેના ભાઈ પરિવાર સાથે રહે છે. તેઓ સંબંધીઓ સાથે પડોસમાં રેહતા ભરત ભાઈ ઠાકોરની દીકરીના લગ્ન પ્રસંગના ગરબામાં ગયા હતા. ઠાકોર વાસમાં રહેતા મહેશ ઠાકોર પણ ગરબા ગાવા આવ્યા હતા. જ્યાં અજયનો પગ મહેશને લાગ્યો હતો જેને લઇને મહેશે અજયને ગાળો બોલી હતી અને ગરબા પૂર્ણ થયા બાદ મારી નાખવાની ઘમકી આપી હતી. ગરબા પૂર્ણ થયા બાદ અજય પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રાત્રીના 1.30 વાગ્યાના સુમારે જોગણી માતાના મંદિર પાસે મહેશે અજય સાથે ઝઘડો કર્યો હતો. બંને વચ્ચે મારા મારી થઇ હતી. મહેશે અજયનું ગળું દબાવી દીધું હતું.

આ સમયે કહ્યું હતુ કે, આજે તો તને જીવતો નહીં જવા દઉં. જીગ્નેશ અને દીપેશ વચ્ચે આવી તેને બચાવી લીધો હતો પરંતુ અજય ત્યાં બેભાન થઇ નીચે પટકાયો હતો. બાદમાં સારવાર માટે તેને એલજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે વટવા પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં આરોપી મહેશ બેચરજી ઠાકોરની ધરપકડ કરી હતી.

Your email address will not be published.