શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના ખરાબ દિવસો પૂરા થવાનું નામ લઈ રહ્યા હોય તેમ લાગતું નથી. તેમના જ વિશ્વાસુ એકનાથ શિંદે તેમની સામે બળવો કરીને હવે મહારાષ્ટ્રની ગાદી પર બેસી ગયા છે. સત્તા સાથે લોકો જાય એમ શિંદેના ગઢ સમા વિસ્તાર થાણે નગરપાલિકાએ પણ હવે શિંદેને સાથ આપવાનો નિર્ણય લીધો છે. ઉદ્ધવ ઠાકરે માટે આ બહુ મોટો ફટકો માનવામાં આવે છે.
આ જોતા બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકોએ પણ ધીમે-ધીમે શિંદેના સમર્થનમાં આગળ આવી જાય તો કોઈને આશ્ચર્ય નહી થાય. આ સંજોગોમાં ધીમે-ધીમે સમગ્ર સંગઠન પર એકનાથ શિંદેનો સકંજો વધતો જશે અને ઉદ્ધવ ઠાકરે નિસહાય થઈને જોયા સિવાય કશું નહી કરી શકે.
હવે સુપ્રીમ કોર્ટ 12મી જુલાઈએ ઉદ્ધવ ઠાકરેની અરજીનો શું જવાબ આપે છે તેના પર બધાની નજર છે. જો કે હવે તેના લીધે કમસેકમ વર્તમાન સરકારનો કોઈ અસર થાય નહી તે સુનિશ્ચિત થઈ ચૂક્યુ છે. આશ્ચર્યની વાત એ છે કે શિવસેના જેવા પક્ષમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો પછી બીજા રાજકીય પક્ષોની તો વાત જ કઈ રીતે કરી શકાય.
ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી તો સરકાર તો ગઈ હવે તો શિવસેના પણ જઈ રહી છે. તે બાલ ઠાકરેની જેમ આક્રમક રીતે શિવસેના ચલાવી શકવા સમર્થ નથી તેવું ધીમે-ધીમે સાબિત થવા જઈ રહ્યુ છે. આમ સત્તા મેળવ્યા પછી શિંદેનું દબાણ જેમ-જેમ વધતુ જશે તેમ-તેમ ઉદ્ધવનો સાથ વધુને વધુ લોકો છોડતા જશે તે હકીકત છે.