સુરતમાં પોન્ઝી સ્કીમમાં રોકાણકારોના અઢી કરોડ સલવાયાઃ કંપની રફુચક્કર

| Updated: April 12, 2022 10:59 am

સુરતઃ સુરતીઓ લહેરી લાલા છે, પણ બીજા પર વિશ્વાસ પણ ઝડપથી મૂકી દે છે. બેઠી આવક મેળવવાની લ્હાયમાં તેઓ વિવિધ પ્રકારની છેતરપિંડીભરી યોજનાઓનો ભોગ બને છે. તેના લીધે ગલીએ-ગલીએ પોન્ઝી સ્કીમ નીકળી છે. આવું જ એક પોન્ઝી સ્કીમમાં રોકાણકારોના અઢી કરોડ રૂપિયા સલવાયા છે. આ તો પ્રાથમિક આંકડો છે, રકમ વધી પણ શકે છે.

પુણા વિસ્તારમાં માઇસ્ટોન સોફવેલ સોલ્યુશન્સ દ્વારા વેપારીને ફોરેક્સ તથા શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને રોકાણ કરાયા બાદ કંપનીએ ઉઠમણુ કર્યાની ફરિયાદ પોલીસ કમિશ્નર સમક્ષ નોંધાઈ છે. કંપનીએ એક વેપારી અને તેના મિત્રો તથા સગાસંબંધીઓનું મળીને અઢી કરોડ રૂપિયાનું ઉઠમણું કર્યું છે.

પુણાના ચામુંડા નગરમાં રહેતા જયંતિભાઈ રોકડ તેમના બીજા મિત્ર દ્વારા રાજુ પટેલ નામની વ્યક્તિના પરિચયમાં આવ્યા હતા. રાજુ પટેલ પોતે સ્ટોક માર્કેટ તથા ફોરેક્સમાં જાતે પૈસા રોકીને ખૂબ જ કમાતો હોવાનો તેમને વિશ્વાસ અપાવ્યો હતો. તેથી તેણે પોતે બનાવેલી કંપનીમાં રોકાણ કરવા અને ઊંચા કમિશનની લાલચ આપી હતી.

રાજુ પટેલે જયંતિભાઈનો ભરોસો એટલી હદ સુધી જીત્યો હતો કે તેમણે પોતે તો રોકાણ કર્યુ, પરંતુ પોતાના મિત્રો, સગાસંબંધીઓ દ્વારા પણ તેની કંપનીમાં રોકાણ કરાવ્યું. આ બધાએ ભેગા થઈ રાજુ પટેલની કંપની માઇસ્ટોન સોફવેલ સોલ્યુશન્સમાં અઢી કરોડનું રોકાણ કર્યું હતું. થોડા સમય સુધી નાણા નિયમિત મળતા જયંતિભાઈને તેમના પર વિશ્વાસ બેઠો હતો. તેના પગલે તે બીજી વ્યક્તિઓ પાસે પણ રોકાણ કરાવવા માંડ્યા હતા. તેઓને પણ થોડા સમય સુધી નિયમિત રીતે વળતર મળતું રહ્યું હતું.

જો કે પછી નાણા આવતા બંધ થતા જયંતિભાઈએ રાજુ પટેલનો સંપર્ક કર્યો તો કોઈ જવાબ જ મળ્યો ન હતો. તેના પગલે તેઓ રાજુ પટેલની ઓફિસે ગયા હતા તો ઓફિસ બંધ હતી. તે સમયે તેમને ખબર પડી કે તે પોતાની વેબસાઇટ અને ઓફિસ બંને બંધ કરીને નાસી ગયા છે. આમ જયંતિભાઈને તે સમયે સમજ્યા કે આ તો રીતસરની તેમની સાથે છેતરપિંડી થઈ છે. જો કે આ તો ફક્ત એક જ છેતરપિંડીની વાત છે. સુરતમાં હવે આ પ્રકારની છેતરપિંડીના બનાવ રોજબરોજ આવતા રહે છે.

Your email address will not be published.