GST વિભાગના દરોડામાં રૂ. 1741 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, બેની ધરપકડ

| Updated: July 9, 2021 9:33 pm

સ્ટેટ જીએસટી વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગે ગુજરાતમાં 71 જગ્યાઓ પર સર્ચ અને દરોડાની કાર્યવાહી કર્યા બાદ ત્રણ અલગ અલગ જગ્યાએ બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)નું મોટું કૌભાંડ પકડી પાડ્યું છે.

ટેક્સ સત્તાવાળાઓએ બનાવટી બિલ બનાવીને તેને કમિશન બેઝ પર વેચવાનું કૌભાંડ ચલાવવા બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. ત્રણ કેસમાં કુલ બોગસ બિલિંગ અથવા બનાવટી લેવડદેવડની રકમ રૂ. 1741 કરોડ હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત તેમાં ગેરકાયદે આઇટીસીની રકમ રૂ. 319 કરોડ હતી તેમ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રથમ કિસ્સો માધવ કોપર લિમિટેડનો છે. ભાવનગર સ્થિત આ કંપની પર ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા હતા. આ કંપની બનાવટી બિલિંગનો ઉપયોગ કરીને આઇટીસી મેળવતી હોવાની પાકી માહિતી હતી. તેઓ જે ખરીદી દેખાડતા હતા તે હકીકતમાં થઈ જ ન હતી. કંપનીએ જ્યાં ખરીદી થઈ હોવાનું દેખાડ્યું હતું ત્યાં સમાંતર સર્ચ પણ કરવામાં આવી હતી. આ કંપનીએ રૂ.425 કરોડની બોગસ ખરીદી દેખાડી હતી અને 75 કરોડના ગેરકાયદે આઇટીસીનો દાવો કર્યો હતો.

માધવ કોપરમાં હજુ વધારે તપાસ ચાલુ છે. ભાવનગરમાં 42, અમદાવાદમાં 17, ગાંધીનગરમાં પાંચ, સુરતમાં ચાર અને રાજકોટમાં બે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. ડિપાર્ટમેન્ટે મીનાબેન રંગસિંહ રાઠોડ (પ્રાંતિજ), અફઝલ સવજાણી (ભાવનગર)ના ઘર પર દરોડા પાડ્યા હતા. તેઓ બોગસ બિલ સાથે સંકળાયેલા હતા.

અધિકારીએ જણાવ્યું કે આ લોકો લોન લેવા માટે લોકોને લલચાવતા હતા. મીનાબેને 32 વ્યક્તિના કેવાયસી ડોક્યુમેન્ટ મેળવ્યા હતા. તેમાંથી 24ના ડોક્યુમેન્ટના આધારે જીએસટી રજિસ્ટ્રેશન નંબર મેળવાયા હતા. તેમણે આ જીએસટી નંબરોના આધારે 577 કરોડ રૂપિયાના બિલ બનાવ્યા હતા તથા 109 કરોડની આઇટીસીનો ક્લેમ કર્યો હતો. અફઝલ સવજાણીએ 739 કરોડ રૂપિયાના બનાવટી ટ્રાન્ઝેક્શન કર્યા હતા અને 135 કરોડની ગેરકાયદે આઇટીસી ક્લેમ કરી હતી.

Your email address will not be published. Required fields are marked *