શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા હોવાનું નકારી શકાય તેમ નથી. શહેરના રામોલ વિસ્તારમાં એક જ દિવસમાં 200 મીટર વિસ્તારમાં બે હત્યાના બનાવ બન્યા છે. શહેરમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર છે અને શહેરમાં ક્રાઇમ રેટ વધતા ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં રામોલ વિસ્તારમાં બે યુવકોને છરીના ઘા મારી હત્યા કરવામા આવી છે. મરનાર અને મારનાર નશા કરીને બેફામ બની હત્યાનો ખેલ ખેલ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. રામોલ પોલીસે બે હત્યાના ગુના નોધી તપાસ હાથ ધરી છે.
શહેરમાં દિવસે દિવસે ગુનાહિત પ્રવૃતિ વધી રહી છે. શહેરના રામોલ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ન્યુ લક્ષ્મીનગર ખાતે કલ્પેશ સરદભાઇ હેગડે (ઉ.23) રહેતો હતો. ગુરુવારે સવારે આસપાસના લોકો કલ્પેશના ઘરમાં જતાં તે લોહી લુહાણ હાલતમાં પથારી પર પડ્યો હતો. ઘટનાની જાણ રામોલ પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસની પ્રાથમીક તપાસ બાદ જણાવ્યુ હતુ કે, કલ્પેશને શરીર પર છ ઘા છરીના માર્યા હતા અને માથામાં બોથડ પદાર્થ માર્યો હતો. લોહી વધુ વહી જતાં તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સવારે 9.30 વાગ્યે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દરમિયાનમાં મરનાર કલ્પેસના ઘરની સામેના 200 મીટરની ખુલ્લી જગ્યામાંથી બીજા એક યુવકની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં બપોરે 12.30 વાગ્યે ફરી રામોલ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. તપાસ કરતા રણજીતભાઇ નામના યુપીના યુવકની હત્યા કરવામાં આવી હતી. તેને પણ 17 જેટલા છરીના ઉપરા છાપરી ઘા મારવામાં આવ્યા હતા. તેને પણ ગંભીર ઇજાઓ અને લોહી વહી જવાના કારણે તેનું પણ મોત નિપજ્યું હતુ.
બંને યુવકોને છરીના ઘા મારવામાં આવ્યા હતા આસાપાસના લોકોની પુછપરછ કરતા બહાર આવ્યું હતુ કે, બંનેની હત્યા અશ્વિન વિજય નામના યુવકે કરી હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. બંનેને છરીના જ ઘા માર્યા હતા. આ અંગે રામોલ પીઆઇએ જણાવ્યું હતુ કે, આરોપી અને મરનાર મિત્રો છે. નશાની હાલતમાં આ હત્યા કરી હોવાનું આસપાસના લોકોની પુછપરછમાં બહાર આવ્યું છે. બધા નશેડી હોવાનુ પણ આસપાસના લોકોએ જણાવ્યુ હતુ.
નશાની વસ્તુઓ નામની પ્રતિબંધીત, શહેરમાં બેફામ વેચાણ
શહેરમાં નશા યુક્ત તમામ વસ્તુઓ મળતી હોવાનું નકારી શકાય તેમ નથી. ગૃહવિભાગ અને રાજ્ય પોલીસ સહિત શહેર પોલીસ મોટી મોટી બડાઇઓ મારે કે રાજ્ય સહિત શહેરમાં નશાની વસ્તુઓ મળતી નથી પરંતુ તે ફક્ત કાગળ પરની વાતો છે. કેમકે, રામોલમાં થયેલી બે-બે હત્યાઓ તેનું પરિણામ છે. મરનાર અને મારનાર નશો કરવાની આદત ધરાવતા હતા અને સાથે બેસી જ નશો કરતા હતા. દરમિયાનમા ઝઘડો થતો અને નશાની હાલતમાં જ એક નહી પણ બે હત્યા કરી નાખી હોવાનું પોલીસની પ્રાથમીક પુછપરછમાં બહાર આવ્યું છે.