રાત બની લોહીયાળ : બનાસકાંઠામાં એક જ રાતમાં હત્યાની બે ઘટના

| Updated: October 8, 2021 4:00 pm

બનાસકાંઠાના ડીસા શહેરમાં બે અલગ અલગ જગ્યાએ બે હત્યાની ઘટનાઓ સામે આવી છે. સાંઈબાબા મંદિરમાં ખાટલામાં સૂતેલા ચોકીદારની અજાણ્યા શખ્સે હત્યા કરી હતી. જ્યારે ભણસાલી હોસ્પિટલના ક્વાર્ટરમાં પણ એક મહિલાની હત્યાની ઘટના સામે આવી હતી. એક જ રાત્રીમાં બે હત્યાની ઘટના સામે આવતા પોલીસ પેટ્રોલિંગને લઈને લોકોએ સવાલો ઉઠાવ્યા છે. 

ડીસા શહેરના ભરચક વિસ્તારમાં એક જ રાતમાં બે અલગ અલગ જગ્યાએ બે હત્યા થઈ હોવાની ઘટનાઓ બની હતી. ડીસાના સાઈ મંદિરમાં ચોકીદાર તરીકે કામ કરતા કટ્ટીભાઈ હમીરજી વજીર મંદિરના કુટીરમાં ખાટલામાં સુતા હતા તે દરમિયાન મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ તેમને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ધા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે જ્યારે મંદિરમાં પૂજારીને જાણ થતાં જ તેઓએ મંદિરના સંચાલક સહિત પોલીસને જાણ કરી હતી.

આ ઉપરાંત મંદિરને અડીને આવેલા ભણસાલી હોસ્પિટલના ક્વાર્ટરમાં પણ બીજા માળે રહેતા અને નર્સિંગનું કામ કરતાં કિરણભાઈ મકવાણાની પત્ની પાયલબેન મકવાણા ઘરે એકલા હતા તે સમયે કોઈ અજાણ્યો શખ્સ તેમની હત્યા કરી ફરાર થઇ ગયો હતો. મોડી રાત્રીએ જ્યારે હોસ્પિટલમાં કામ પતાવીને ઘરે પરત આવતા કિરણભાઈને તેમની પત્નીની હત્યા થઇ હોવાની જાણ થઈ હતી. બનાવને પગલે ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હાલ બન્ને સ્થળ પરના સીસીટીવી મેળવી ક્યાં કારણોસર અને કોણે હત્યા કરી છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

( અહેવાલ : હરેશ ઠાકોર )

Your email address will not be published. Required fields are marked *