શ્રીનગરમાં ત્રાસવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્યઃ શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકની હત્યા કરી

| Updated: October 7, 2021 2:15 pm

જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદીઓએ ફરી માથું ઉંચક્યું છે. એક દિવસ પહેલાં જ ત્રણ વ્યક્તિઓને ઠાર માર્યા પછી ત્રાસવાદીઓએ શ્રીનગરની એક શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકને મારી નાખ્યા છે. તેના કારણે લોકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તે છે.

જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસમાં સાતથી વધુ લોકો માર્યા ગયા છે. બુધવારે ધ રેઝિસ્ટન્સ ફોર્સ (ટીઆરએફ) નામના ત્રાસવાદી સંગઠને હુમલો કર્યો હતો અને નિર્દોષ લોકોને મારી નાખ્યા હતા.

પોલીસે જણાવ્યા પ્રમાણે દીપક ચંદ નામના જમ્મુ સ્થિત એક હિંદુ શિક્ષક અને સુપેન્દર કૌર નામના શીખ પ્રિન્સિપાલને ત્રાસવાદીઓએ મારી નાખ્યા છે. તેઓ શ્રીનગર પાસે સંગમની એક હાયર સેકન્ડરી સ્કૂલમાં ભણાવતા હતા. હાલમાં ક્લાસિસ ઓનલાઈન હોવાથી આ હુમલા વખતે શાળામાં કોઈ વિદ્યાર્થી ન હતા.

લગભગ 11.15 વાગ્યે ત્રાસવાદીઓએ બંનેને ગોળી મારી હતી તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોની તપાસ ચાલુ કરવામાં આવી છે.

ટીઆરએફ સંગઠનનું સંચાલન કરાચીથી કરવામાં આવે છે. ટૂંક સમયમાં તેમના સરહદ પારના સંબંધોને ખુલ્લા પાડવામાં આવશે તેમ જમ્મુ અને કાશ્મીર પોલીસના વડા દિલબાગ સિંઘે જણાવ્યું હતું. મૃતકો કોઈ સંગઠન સાથે સંકળાયેલા ન હતા.

ત્રાસવાદીઓએ મંગળવારે મખન લાલ બિંદરુ નામના એક 70 વર્ષીય બિઝનેસમેન અને ફાર્મસીના માલિકને મારી નાખ્યા હતા જેના ઉગ્ર પ્રતિભાવ આવ્યા છે.

Your email address will not be published. Required fields are marked *