બળબળતા ઉનાળા વચ્ચે 16 રાજ્યોમાં બેથી દસ કલાક વીજકાપ

| Updated: April 29, 2022 1:08 pm

નવી દિલ્હીઃ દેશમાં બળબળતા ઉનાળા લીધે વીજ માંગ ટોચે છે ત્યારે 16 રાજ્યમાં બેથી દસ કલાક વીજ કાપ જોવા મળી રહ્યો છે. એકબાજુએ વીજ માંગ ટોચ પર છે ત્યારે દેશના એક ચતુર્થાંશ વીજમથક બંધ છે. આના લીધે 16 રાજ્યોમાં દસ કલાક સુધી વીજકાપ શરૂ થઈ ગયો છે.

સરકારી રેકોર્ડ મુજબ સમગ્ર દેશમાં દસ હજાર મેગાવોટ એટલે કે 15 કરોડ યુનિટનો કાપ મૂકવો પડી રહ્યો છે. વાસ્તવમાં વીજળીની આ અછત દેખાય છે તેના કરતાં પણ વધારે છે. એકલા ઉત્તરપ્રદેશમાં જ ત્રણ હજાર મેગાવોટનો વીજકાપ જોવા મળી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં વીજ માંગ 23 હજાર મેગાવોટની છે અને સામે વીજ પુરવઠો 20 હજાર મેગાવોટનો જ છે.

દેશમાં વીજ કાપનું મુખ્ય કારણ ચોથા ભાગના જેટલા વીજ પ્લાન્ટ બંધ થવાનું છે. તેમા પણ 50 ટકા જેટલા પ્લાન્ટ કોલસાની કમીના લીધે બંધ છે. વીજ ક્ષેત્રના નિષ્ણાતે જણાવ્યું હતું કે દેશમાં વીજળીનું ઉત્પાદન લગભગ ચાર લાખ મેગાવોટ છે. તેમા રીન્યુએબલ ઊર્જાનો હિસ્સો 1.10 લાખ મેગાવોટ છે. તેમા સૌર અને પવન ઊર્જા તથા હાઇડ્રોનો સમાવેશ થાય છે. હવે જે બાકી 2.89 લાખ મેગાવોટ વીજળી પૂરી પાડવાની છે તેમા 72,074 મેગાવોટનું વીજ ઉત્પાદન કરતાં પ્લાન્ટ બંધ છે. તેમા 38,826 મેગાવોટનું વીજ ઉત્પાદન થઈ શકે છે, પણ તેમા ઇંધણના અભાવે ઉત્પાદન થઈ શકતું નથી. જ્યારે 9,745 મેગાવોટના પ્લાન્ટમાં શેડ્યુલ્ડ શટડાઉન છે. 23,503 મેગાવોટના પ્લાન્ટ અન્ય કારણોથી બંધ પડેલા છે.

ઉર્જા મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં 18 ટકા પિટહેટ પ્લાન્ટ કોલસાની ખાણના મુખ પર જ છે. તેમા નિર્ધારિત કરેલા માપદંડના 78 ટકા જ કોલસો છે. જ્યારે કોલસાની ખાણથી દૂર 147 વીજમથકમાં તેના નિયત માપદંડની તુલનાએ 25 ટકા જ કોલસો છે. જો આ વીજળીઘરોની પાસે નિર્ધારિત માપદંડ મુજબ કોલસાનો 100 ટકા સ્ટોક હોત તો પિટહેટ પ્લાન્ટ 17 દિવસ અને નોન પિટહેટ પ્લાન્ટ 26 દિવસ ચાલી શકે છે. દેશના કુલ 173 વીજમથકમાંથી 106 પ્લાન્ટ્સમાં કોલસો શૂન્યથી 25 ટકાની વચ્ચે જ છે.

વાસ્તવમાં કોલસા આધારિત વીજમથક વીજળીના ઉત્પાદનને કોલસાના જથ્થા મુજબ શેડ્યુલ કરે છે. સ્ટોક પૂરો થાય તો કોલસો પણ પૂરો થાય છે.

કોલ ઇન્ડિયાએ પણ સ્વીકાર્યુ છે કે તે વીજમથકોને રોજ 16.4 લાખ ટન કોલસાનો પુરવઠો પૂરો પાડી રહ્યુ છે. તેની સામે કોલસાની દૈનિક માંગ 22 લાખ ટન પહોંચી ચૂકી છે. રેલવેએ જણાવ્યું હતું કે એક સપ્તાહમાં કોલસા સપ્લાયમાં દસ ટકા વધારો થયો છે. માલગાડીના લીધે ખાણથી પ્લાન્ટ સુધી પહોંચવાનો સમય 12થી 36 ટકા ઘટ્યો છે.

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી પ્રહાદ જોશીએ જણાવ્યું હતું કે દેશભરમાં થર્મલ પ્લાન્ટ્સ પાસે 2.20 કરોડ ટન કોલસો છે, જે દસ દિવસ માટે ચાલે તેમ છે. આ સંજોગોમાં વીજમથકોએ પૂરી ક્ષમતા સાથે ઉત્પાદન કરવું જોઈએ. સીસીએલના મેનેજિંગ ડિરેક્ટર પી.એમ. પ્રસાદે જણાવ્યું હતું કે પ્લાન્ટને રોજ 2.2 લાખ ટન કોલસો આપવામાં આવશે.

Your email address will not be published.