સુરતમાં ગટરમાં સોનાની રગસ શોધવા ઉતરેલા બે યુવાનોએ સોના જેવું જીવન ગુમાવ્યું

| Updated: April 7, 2022 8:10 pm

સુરતના સીટી વિસ્તારમાં આવેલી સોનાની ભઠ્ઠીઓમાંથી નીકળતો કચરો ગટરમાં નાખવામાં આવતો હોય છે ત્યારે કેટલાક યુવાનો આ ગટરમાં ઉતરીને આ કચરામાંથી સોનાની રગસ (પાવડર ) શોધવાનું કામ કરતા હોય છે. આ યુવાનો ગટરમાંથી કાઢવામાં આવતા કચરામાંથી સોનુ શોધી કમાણી કરતા હોય છે ત્યારે આવીજ કમાણી કરવા ઉતરેલા બે યુવાનોના શ્વાસ રૂંધાઇ જવાને લઇને ગટરમાં ફસાઈ જવા પામ્યા હતા. જોકે ફાયર વિભાગે બંનેયુવાનોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યા સારવાર દરમિયાન બંને યુવાનોના કરુણ મોત થયા હતા. આ ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસ અને મનપા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના સીટી વિસ્તાર એટલે કે અંબાજી રોડ વિસ્તારમાં સૌથી વધારે સોનાની ભઠ્ઠીથીઓ આવેલી છે. સુરત શહેરમાં કેટલાક યુવાનો આ સોનાની ભઠ્ઠીઓ અને હીરા બજાર વિસ્તારમાંથી નીકળતો કચરો એકત્ર કરી તેમાંથી સોનાની રગસ અને હીરા શોધીને તેનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. સોનુ ગાળવાનું સૌથી વધારે કામ સુરતના અંબાજી રોડ પર થતું હોવાને કારણે રાત્રી દરમિયાન કેટલાક યુવાનો આ વિસ્તારમાં ડ્રેનેજમાં રહેલો કચરો એકત્ર કરી તેને સાફ કરી સોનુ મેળવતા હોય છે. ગતરોજ રાત્રે બે યુવાનો સોનું શોધવા માટે ગટરમાં ઉતર્યા હતા. રાત્રે બે વાગે ઉતરેલા બન્ને યુવાનોએ ત્રણ વાગ્યાની આજુબાજુ ગટરમાંથી કચરો તો બહાર કાઢયો પણ બન્ને યુવકો બહાર નીકળી ન શકતા બુમાબુમ કરવા લાગ્યા હતા. જેને લઇને સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી. વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક રેસ્ક્યુ કર્યું હતું. બંને યુવાનોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંને યુવાનનું મોત થયું હતું. જેને પગલે વર્ષોથી ગટરમાં ઉતરી આ પ્રકારે કચરો એકત્ર કરી તેમાંથી સોનુ મેળવી તેનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસે અને મહાનગરપાલિકાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(અહેવાલ : મયુર મિસ્ત્રી)

Your email address will not be published.