નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મંગળવારે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર સહિત સમગ્ર દેશમાં 50 સ્થળોએ ચાઇનીઝ મોબાઇલ કંપનીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. તેમા વિવો સહિતની બીજી ચાઇનીઝ બ્રાન્ડ્સનો પણ સમાવેશ થાય છે. ઇડી દ્વારા આ કંપનીઓ પર મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઇ આ કેસમાં પહેલાથી જ તપાસ કરી રહી છે.
ચીનની મોબાઇલ કંપનીઓ ભારતના આવકવેરા ખાતા, ઇડી અને સીબીઆઇના રાડાર પર છે. અગાઉ તપાસ એજન્સીએ ફેમા હેઠળ શાઓમીની સંપત્તિની જપ્તીનો આદેશ આપ્યો હતો. તેની સામે કર્ણાટક હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો. ઇડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કંપનીઓના સંકુલોમાં દરોડા પાડ્યા છે. તપાસ એજન્સી હાલમાં વિવો અને તેની સાથે જોડાયેલી કંપનીઓને ત્યાં લગભગ 50 જેટલા સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે.
ગયા ડિસેમ્બરમાં આવકવેરા વિભાગે વિવો અને અન્ય ચાઇનીઝ મોબાઇલ બનાવતી અન્ય કંપનીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે આરોપ લગાવ્યો હતો કે 500 કરોડથી વધુની આવક ખોટી રીતે જાહેર કરવામાં આવી છે. કંપનીઓ દ્વારા રોયલ્ટીના નામે રૂપિયાની ઉચાપત કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇડીએ ફેમા કેસમાં શાઓમી ઇન્ડિયાના ભૂતપૂર્વ વડા મનુ જૈનની પણ પૂછપરછ કરી હતી. ઇડીએ શાઓમીના 5000 કરોડથી પણ વધુ રકમના બેન્ક ખાતા જપ્ત કર્યા હતા. કર્ણાટક હાઇકોર્ટે આ આદેશ સામે સ્ટે આપ્યો હતો. શાઓમીએ આરોપ મૂક્યો હતો કે તેના પર ટોચના અધિકારીઓનું દબાણ છે, પણ ઇડીના અધિકારીઓએ આ વાતને નકારી કાઢી હતી.
ઉલ્લેખનીય છે કે ચીન સાથે સરહદી વિવાદ થયા પછી ભારતમાં કામ કરતી ચાઇનીઝ કંપનીઓને લઈને સરકાર વધુ સાવધ બની ગઈ છે. સરકાર દેશમાં કાર્યરત ચાઇનીઝ કંપનીઓ પર ચાંપતી નજર રાખી રહી છે અને તેના દરેકે દરેક વ્યવહાર પણ ચાંપતી નજર હોય છે. આ ઉપરાંત ચાઇનીઝ કંપનીઓ પણ ભારતમાં કેટલાય સ્થળોએ નિયમોને બાજુએ મૂકીને કારોબાર કરતી હોવાના અહેવાલો પણ છે. તેના લીધે સરકારે ખાસ કરીને ચાઇનીઝ કંપનીઓના સંદર્ભમાં નિયમનતંત્રને વધારે કડક બનાવ્યું છે, આમ જે ચાઇનીઝ કંપનીઓ માટે સરકાર અગાઉ લાલ જાજમ બિછાવતી હતી તે જ સરકાર હવે તેમને રેડ સિગ્નલ દેખાડે છે.