ઉદય માહુરકરના વીર સાવરકર પરના પુસ્તકનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન

| Updated: December 5, 2021 10:18 pm

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેન્દ્રીય માહિતી કમિશનર ઉદય માહુરકર અને લેખક ચિરાયુ પંડિત દ્વારા લેખિત પુસ્તક “વીર સાવરકર- ધ મેન હુ કુડ હેવ પ્રિવેન્ટેડ પાર્ટીશન (Veer Savarkar -The Man Who Could Have Prevented Partition)”નું વિમોચન કર્યું હતું.

પુસ્તકના વિમોચન બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “રાષ્ટ્ર પુરુષ વીર સાવરકર શસ્ત્ર અને શાસ્ત્ર એમ બંનેના ઉપાસક હતા.” તેમણે સાવરકરને બહુમુખી પ્રતિભા સાથેની જીવંત યુનિવર્સિટી સમાન ગણાવ્યા હતા.

મુખ્યમંત્રીએ વીર સાવરકરની વીરતાના કિસ્સા રજૂ કરતા જણાવ્યું કે, “શહીદવીર સાવરકરે જ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને આઝાદ ભારત માટેની પ્રથમ લડત ગણાવી હતી. “સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણીને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે કરવામાં આવે છે જેમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે સાવરકર ઉપર લખાયેલું આ પુસ્તક મહત્વનું બની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીર સાવરકરની સંઘર્ષ યાત્રા અને સ્વતંત્ર ભારતની ચળવળમાં તેમના અત્યંત મહત્ત્વના યોગદાનને ભાવિ પેઢી સમક્ષ મુકવા માટે અંદમાન-નિકોબાર એરપોર્ટને વીર સાવરકર એરપોર્ટ નામ આપ્યું છે. શહીદ વીર સાવરકર દ્વારા મા ભોમની રક્ષા કાજે શરૂ કરેલા સ્વાતંત્ર્ય ચળવળ બદલ અંગ્રેજોએ તેમને બે વખત જન્મટીપની સજા કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વીર સાવરકર ઉપરાંત શહીદ વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા સ્વાતંત્ર સેનાનીઓના બલિદાનોને ભાવિ પેઢી યાદ કરે અને તેમની શૌર્યગાથાઓ ભાવિ પેઢી સમક્ષ રજુ થાય તે માટે આ પ્રકારના પુસ્તકો આવશ્યક છે.

પુસ્તક વિમોચન પ્રસંગે સ્વતંત્ર સેનાની વિનાયક દામોદર સાવરકરના જીવન ચરિત્રને રજુ કરતી ટૂંકી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. કેન્દ્રીય માહિતી કમિશનર અને વીર સાવરકર પુસ્તકના મુખ્ય લેખક ઉદય માહુરકરે આ પુસ્તક વિષે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ભારતના વિભાજનને રોકવામાં વીર સાવરકરના વિચારો અને પ્રયાસોથી લોકોને માહિતગાર કર્યા હતા.

સાવરકર વિશેના પુસ્તકના વિમોચન પ્રસંગે સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, લાયન્સ ક્લબના પાસ્ટ ઇન્ટરનેશનલ ડિરેક્ટર પ્રવીણ છાજેડ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર જગદીશ ચંદ્ર અગ્રવાલ, અગ્રણી જયંતીભાઈ ભડેશીયા ઉપસ્થિત રહ્યા હતા.

Your email address will not be published.