યુગાન્ડાએ ઔદ્યોગિક વિકાસ માટે ગુજરાતના MSMEsની મદદ માંગી

| Updated: July 6, 2021 6:15 pm

આફ્રિકાના દેશ યુગાન્ડાએ ઔદ્યોગિક વિકાસ માટે ગુજરાતના એમએસએમઈ સેક્ટરની મદદ માંગી છે. ગુજરાતના નાના અને મધ્યમ સાહસો સાથે ભાગીદારી કરવામાં યુગાન્ડાએ રસ દેખાડ્યો છે. આ માટે યુગાન્ડાના ભારત ખાતેના રાજદૂત ગ્રેસ એકેલોએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી.
બેઠક દરમિયાન વિજય રૂપાણીએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં એમએસએમઈની ભૂમિકા વિશે જાણકારી આપી હતી. રાજ્ય સરકારના સત્તાવાર નિવેદન પ્રમાણે બંને દેશના નાના ઉદ્યોગો વચ્ચે સહકાર અંગે પણ વાતચીત થઈ હતી.
દરમિયાન રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું કે ગુજરાતે ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ સમજવા, ઔદ્યોગિક નીતિનો અભ્યાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળને આમંત્રણ આપ્યું છે.
ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું કે બંને પક્ષ વચ્ચે સહકાર માટે પાયાનું કામ ચાલુ છે. યુગાન્ડાના એક ઉચ્ચ સ્તરીય મિશને રાજકોટની મુલાકાત લીધી હતી. રાજકોટને ગુજરાતમાં મશીનરી ઉદ્યોગનું હબ ગણવામાં આવે છે.
રાજકોટની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન ડેલિગેશને મશીન ટૂલ્સ, સીએનસી મશીન્સ, પેકેજિંગ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા યુનિટ્સની મુલાકાત લીધી હતી, તેમ સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરાએ જણાવ્યું હતું.
હાલમાં આફ્રિકામાં મશીનરીની નિકાસ કરવા માટે ભારત અને ચીન વચ્ચે સ્પર્ધા ચાલુ છે.
તેજુરાએ જણાવ્યું કે આફ્રિકન ઉદ્યોગોને ફૂડ પ્રોસેસિંગ, પેકેજિંગ, ડેરી પ્રોડક્ટ્સ, નાના મશીન પાર્ટ્સના ઉત્પાદન વગેરેમાં રસ છે.

Your email address will not be published.