બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન એપ્રિલ 2022ના અંતમાં ભારતની મુલાકાતનું આયોજન કરે તેવી શક્યતા છે. છેલ્લા વર્ષે ભારતની મુલાકાત રદ કરાયા બાદ, હવે યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારત આવવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.
મુખ્ય અતિથિ તરીકે આ વર્ષે જાન્યુઆરીમાં પ્રજાસત્તાક દિવસની પરેડ માટે પીએમ બોરિસ જોનસન ભારતની મુલાકાતે પહોંચવાના હતા, પરંતુ કોવિડ -19 પરિસ્થિતિને જોતા તેમની મુલાકાત રદ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, પ્રધાનમંત્રી બોરિસ જોનસનની ભારત મુલાકાત દરમિયાન, ભારત-યુકે વચ્ચે ચાલી રહેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના વાટાઘાટા તેમજ દ્વિપક્ષીય સંબંધોના ઉન્નતીકરણ અને તેને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
પ્રજાસત્તાક દિવસે પ્રધાનમંત્રી જોનસન ભારતની રદ કરાયેલી મુલાકાત સિવાય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કોવિડ-19ની ગંભીર પરિસ્થિતિને કારણે ગયા વર્ષે મે મહિનામાં જી7 સમિટ માટે તેમની યુકેની મુલાકાત રદ કરવી પડી હતી. જો કે, નવેમ્બર 2021માં બંને નેતાઓ ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સમાં મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, યુકેના વિદેશ સચિવ લિઝ ટ્રુસ ભારતની મુલાકાતે આવ્યા હતા અને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી હતી. તેમની મુલાકાત દરમિયાન, લિઝ ટ્રુસે જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેંટનો સોદો ખૂબ ઝડપથી ફાઇનલ થઈ શકે છે. મજબૂત ભારત અને મજબૂત યુકેથી માત્ર બે દેશોને નહીં, પરંતુ આખા વિશ્વ માટે ફાયદાકારક બનશે.
લિઝ ટ્રુસ સાથેની દ્વિપક્ષીય વાતચીત દરમિયાન, વિદેશ મંત્રી એસ જયશંકરે, મે 2021માં વર્ચ્યુઅલ દ્વિપક્ષીય સમિટ દરમિયાન અપનાવવામાં આવેલા “રોડમેપ 2030” અંતર્ગત દ્વિપક્ષીય સંબંધો અને “વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી”ને મજબૂત કરવાની પ્રગતિ અને અમલીકરણ પર કામ કરવાનો પુનરોચ્ચાર કર્યો હતો.