રાજ્ય સરકારની અનોખી પહેલઃ સાણંદમાં શ્રમયોગીઓ માટે શ્રમનિકેતન બનાવવામાં આવશે

| Updated: June 17, 2022 2:12 pm

ગાંધીનગરઃ રાજ્યમાં બહારના શ્રમિકો રોજગાર અર્થે આવે છે. તેમને રોજગાર તો મળી જાય છે, પરંતુ તેમની સૌથી મોટી સમસ્યા રહેવાની હોય છે. તેમણે વસવાટ માટે ઊંચું ભાડું ચૂકવવું પડે છે. તેના લીધે તેમની કમાણીનો મોટો હિસ્સો તેમા ખર્ચાઈ જાય છે. રાજ્ય સરકારે શ્રમિકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ શ્રમયોગીઓ માટે શ્રમનિકેતન બનાવવાનો નિર્ણય લીધો છે.

રાજ્યની વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં શ્રમનિકેતન બનાવવામાં આવશે. જો કે ઔદ્યોગિક વસાહતમાં કામદારોની સંખ્યા 15 હજારથી વધારે હોય ત્યાં આ શ્રમનિકેતન બનાવવામાં આવશે. શ્રમયોગીઓના જીવનધોરણને ધ્યાનમાં લેતા તેમના રહેવાની મુશ્કેલી નીવારી શકાશે.

ગુજરાતમાં આવા પ્રથમ શ્રમનિકેતનનો પ્રારંભ કરવા માટે સાણંદ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને વેલફેર કમિશ્નર ઉપરાંત શ્રમયોગી કલ્યાણ બોર્ડ વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં કરાર થયા હતા. 4,183 ચોરસ મીટરમાં નિર્માણ પામનારી આ શ્રમનિકેતન હોસ્ટેલ સાત માળની હશે. આ શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર મલ્ટી પરપઝ, ડાઇનિંગ હોલ જેવું અધ્યતન સગવડ ધરાવતું હશે. આ શ્રમનિકેતન હોસ્ટેલ દસ કરોડ રૂપિયાના ખર્ચે પીપીપીના ધોરણે બનશે અને 28 મહિનામાં તેનું બાંધકામ પૂરું કરવામાં આવશે.

સાણંદ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના સહયોગથી નિર્માણ પામનારી આ હોસ્ટેલમાં અંદાજે હજારથી વધારે શ્રમયોગી રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ હોસ્ટેલમાં નિર્માણ પામનારા રૂમોમાં સિંગલ ઓક્યુપન્સી, ડબલ ઓક્યુપન્સી, 4,8,12 અને 24 વ્યક્તિઓ રહી શકે તેવી રૂમો બનાવવામાં આવશે. આમ અહીં શ્રમયોગીઓ ઉપરાંત તેમના આશ્રિતો પણ રહી શકશે. કદાચ દેશના બીજા કોઈપણ રાજ્યમાં શ્રમયોગીઓ કે પ્રવાસી કામદારો માટે આ પ્રકારની પહેલ કરવામાં આવી નથી જે ગુજરાતે કરી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્રસચિવ ડો. શ્રીમતી અંજુ વર્મા, લેબર કમિશ્નર અનુપમ આનંદ હાજર રહ્યા હતા. આમ સમજૂતીપત્ર પર સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ અજીતભાઈ શાહ અને રાજ્ય સરકાર વતી વેલફેર કમિશ્નર દિગંત બ્રહ્મભટ્ટે સહીસિક્કા કર્યા હતા.

આગામી સમયમાં રાજ્યની વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં પણ આ જ મોડેલના પગલે ચાલીને શ્રમમિકેતન બનાવવામાં આવશે તેવો સૂચિતાર્થ સરકારે આપ્યો છે. આ રીતે પ્રવાસી કામદારોને પડતી રહેણાકની તકલીફને નીવારવામાં આવશે.

Your email address will not be published.