ખેડા અને વલસાડમાં વાતાવરણનો મિજાજ બદલાયો, અમરેલીમાં વીજળી પડતા એકનું મોત

| Updated: April 21, 2022 3:56 pm

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી આપી છે. આગાહી પ્રમાણે આજે સવારે ખેડા અને વલસાડમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ કમોસમી વરસાદને પગલે કેરીના પારને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી બાજુ અમરેલીના દરિયાકાંઠે વીજળી પડતા એકનું મોત થયું હતું.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, વલસાડમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વલસાડના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તો બીજી બાજુ ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણનો‌ મિજાજ બદલાયો છે. ગઇકાલે બુધવારે બપોર બાદ આકાશમાં વાદળો છવાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ હતી. તો બીજા દિવસે વહેલી પરોઢિયે જિલ્લાના અમુક સ્થળો ઉપર છુટો-છવાયા જગ્યાએ માવઠું થતાં ખેડૂતોના જીવ અદ્ધર થયા છે. ઠાસરા, ડાકોર તેમજ અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. ઉનાળામાં વરસાદી છાંટાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે આવા વાતાવરણના કારણે બાફ અને અસહ્ય ઉકળાટથી જિલ્લાવાસીઓ ત્રસ્ત બન્યા છે.

અમરેલી જિલ્લાના દરિયાઈ કાંઠે વીજળીના કડાકા ભડાકા થયા હતા. પરતું વરસાદ ખાબક્યો ન હતો. તો બીજી બાજુ રાજુલા નજીક આવેલા પીપાવાવ નજીક માછીમારી કરી રહેલા 35 વર્ષીય ભરતભાઇ સોલંકી નામના માછીમાર પર વીજળી પડતાં તેમનું ઘટના સ્થળે મોત થયું હતું.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યના વાતાવરણમાં ભર ઉનાળે પલ્ટો આવ્યો છે અને 20-21 એપ્રિલે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છુટાછવાયા વરસાદ કે છાંટા પડી રહ્યા છે, જે અન્વયે આજે સવારથી જ ભાવનગર શહેર-જિલ્લામાં વાતાવરણ માં પલ્ટો આવ્યો છે આકાશ વાદળો આચ્છાદિત બનવા સાથે ધૂળીયુ વાતાવરણ સર્જાયું છે આજે શહેર-જિલ્લામાં હળવા ઝાંપટા વરસે તેવી શક્યતા છે, ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝરમર છાંટા પડ્યાં હોવાનાં વાવડ સાંપડી રહ્યાં છે વાતાવરણ માં આવેલ પલ્ટાને પગલે ફરી એકવાર ખેડૂતાના જીવ પડીકે બંધાયા છે કારણકે કેરી સહિતનાં બાગાયત પાક ઉપરાંત ઉનાળુ મોલાત પશુચારો સાથે શાકભાજીની તૈયાર ફસલને આ માવઠા અગર પલ્ટાયેલ હવામાનની વ્યાપક પ્રમાણમાં અસરો થવાની સંભાવના છે, એ ઉપરાંત જો વરસાદ થાય તો ખેત ફસલોને ભારે નુકસાન થશે, એજ રીતે પશુચારાનો મોટો જથ્થો પણ ખુલ્લા વાડી-ખેતરોમાં પડ્યો હોય જો સાધારણ વરસાદ કે છાંટા પડે તો પણ આ પશુચારાને નુકશાન થશે અને આજ સવારથી જ વાદળો છવાયા હોય જેને પગલે લોકો ને બળબળતા તાપથી મુક્તિ ચોક્કસ મળી છે પરંતુ એ ભેજનું પ્રમાણ વધતા બફારો અસહ્ય થઈ રહ્યો છે.

Your email address will not be published.