ગુમનામ દલિત વીરાંગનાઓને યાદ રાખવી કેમ જરુરી છે?

| Updated: April 23, 2022 10:21 am

બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિ તાજેતરમાં ઉજવાઇ હતી પરંતું તેમને માત્ર એક દલિત નેતા તરીકે ઓળખવા એ મોટો અન્યાય હશે. મહિલાઓના અધિકારો માટે પણ તેમણે જોરદાર લડત આપી હતી કેમકે તેઓ માનતા હતા કે સમાજમાં રાજકીય, આર્થિક અને સામાજિક સુધારો ત્યારે જ શક્ય છે જયારે પુરુષો અને સ્ત્રીઓને સમાન અધિકારો હોય.આ લેખ એવી તમામ વીરાંગનાઓને  શ્રદ્ધાંજલિ છે જેમના વિશે કોઇએ ખાસ સાંભળ્યું નથી અથવા તો તેમનાં વિશે લખવામાં આવ્યું નથી, પરંતુ આ તમામ મહિલાઓનું યોગદાન મહત્વપૂર્ણ છે. આ મહિલાઓને યોગ્ય સન્માન આપ્યા વિના અને તેમનો સ્વીકાર કર્યા વિના આંબેડકર જયંતિની ઉજવણી સાર્થક ગણી શકાય નહીં.

ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વર્ણનોમાં હાંસિયા રહેલી મહિલાઓના યોગદાનનો ઉલ્લેખ જોવા મળતો નથી. કારણકે તેમાં વર્ચસ્વ ધરાવતી જાતિઓને પ્રાધાન્ય આપવામાં આવે છે અથવા તો પુરુષ કેન્દ્રિત છે. સદીઓથી અજાણ એવી દલિત મહિલાઓ, તેમનાં સંઘર્ષ અને બહાદુરીની ગાથાને યાદ કરીએ તો જ દલિત મહિલાઓએ સદીઓથી જે ભેદભાવનો સામનો કર્યો છે તેને દૂર કરવામાં મદદ મળશે.રામાયણમાં સબરીની કથા સ્વીકૃતિ, નિઃસ્વાર્થતા અને બિનશરતી પ્રેમનું ઉદાહરણ છે. સબરીની કથાને ભજન અને કવિતાઓમાં પણ વર્ણવવામાં આવી છે.

ભક્તિ આંદોલનમાં સંત નિર્મલા અને સોયરાબાઈ જેવી મહાર જાતિની સ્ત્રીઓનો ઉદભવ થયો, જેમણે હિન્દુ રૂઢિચુસ્તતા પર સવાલ ઉઠાવ્યા. નાંગેલીએ ક્રૂર સ્તન કર(બ્રેસ્ટ ટેક્સ) પ્રથા સામે લડત ચલાવી. આ પ્રથા હેઠળ પોતાના સ્તનોને ઢાંકતી નીચલી જાતિની મહિલાઓ પર કર નાખવામાં આવ્યો હતો. આ પ્રથાનાં વિરોધમાં નાંગેલીએ તેના એક સ્તનને કાપીને કર વસૂલનારા સમક્ષ રજુ કર્યું હતું. જેનાથી આ સમુદાયની અન્ય મહિલાઓને તેમના સ્તનોને ઢાંકવાની પ્રેરણા આપી.સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન સમાજના દરેક વર્ગે સામાજિક અને રાજકીય મુક્તિ માટે પ્રયાસ કર્યો હતો.

તમિલનાડુના શિવગંગાની રાણી વેલુ નાચિયારની સેનાની કમાન સંભાળનાર કુયલી એક દલિત મહિલા હતી જેણે 1780ની આસપાસ અંગ્રેજો સામે લડત આપી હતી. અન્ય એક નીડર દલિત યોદ્ધા ઝાલકરીબાઈએ આઝાદીના પ્રથમ સંગ્રામ તરીકે ઓળખાતા 1857નાં વિપ્લવમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના સૌથી વિશ્વાસુ સાથીદાર અને સલાહકાર તરીકે મોટી ભૂમિકા ભજવી હતી. લખનઉના ઉજીરાવમાં જન્મેલી ઉદા દેવીએ બેગમ હઝરત મહેલની આગેવાનીમાં દલિત મહિલાઓની એક બટાલિયન બનાવી હતી.

સમાજ સુધારકોની વાત કીએ તો તે સાવિત્રીબાઈ ફૂલે હતા જેમણે દલિતોમાં શિક્ષણની જયોત જલાવી હતી. 1848માં માત્ર નવ છોકરીઓ સાથે શાળા શરૂ કરી હતી. 1851 સુધીમાં શાળાની સંખ્યા ત્રણ પર પહોંચી,જેમાં લગભગ 150 વિદ્યાર્થીનીઓ હતી. તેમણે 1849માં તેમની મિત્ર ફાતિમા શેખ સાથે પણ એક શાળા પણ શરૂ કરી હતી.મહિલા સેવા મંડળ સાથે 1852માં મહિલાઓના અધિકારો અને બાળહત્યા પ્રતિબંધ ગૃહ માટે જાગૃતિ લાવવા માટે એક શાળા શરૂ કરી હતી, જ્યાં વિધવાઓ અને બળાત્કારથી બચેલી મહિલાઓ તેમના બાળકોને જન્મ આપી શકતી હતી. 

કૈબર્તા જ્ઞાતિમાં જન્મેલી રાણી રશ્મોનીએ સતીપ્રથા, બાળવિવાહ અને નીચલી જાતિના લોકો પરનાં અત્યાચાર સામે સંઘર્ષ કર્યો હતો.તેમણે બહુપત્નીત્વ પ્રથા સામે કંપનીમાં અરજી પણ કરી હતી. મુવલુર રામમિર્થમ અમ્મૈયાર સ્ત્રીઓનાં શોષણ સમાન દેવદાસી પ્રથા સામે લડ્યા હતા. 1936માં તેમણે દેવદાસીઓ પર તમિલ નવલકથા પ્રકાશિત કરી હતી અને 1945માં કાલ્પનિક સિરીઝ દમયંતી લખી હતી.દક્ષાયણી વેલાયુધન 1946માં બંધારણ સભામાં ચૂંટાયેલી પ્રથમ અને એકમાત્ર દલિત મહિલા હતી. તેઓ 1946-1952 સુધી કામચલાઉ સંસદમાં પણ હતા. સવિનય કાનુન ભંગ અને સત્યાગ્રહમાં તેમનાં મહત્વનાં યોગદાન વિશે જાણવું જરુરી છે.દલિત મહિલાઓની બહાદુરી માત્ર તેમના કાર્યોમાં જ નહીં પરંતુ તેમણે લખેલા શબ્દોમાં પણ જોવા મળે છે. મહારાષ્ટ્રમાં શાંતાબાઈ કાંબલે, મલ્લિકા અમર શેખ અને કુમુદ પાવડે જેવી લેખિકાઓએ તેમની આત્મકથામાં દલિત નારીવાદ પર પ્રકાશ પાડ્યો હતો. 

તામિલનાડુમાં બામા અને પી.શિવકામી જેવા લેખકોએ લિંગ ભેદભાવને બેવડાં દમન સમાન ગણાવ્યું હતું. ઉર્મિલા પવાર અને મીનાક્ષી મૂન જેવી મરાઠી લેખિકાઓએ દલિત મહિલાઓને મહિલા ચળવળમાં જોડવાનું કામ કર્યું હતું અને તેમના સંશોધન દ્વારા દબાયેલા અને ગૂમ થયેલા અવાજની ભયાનક વાસ્તવિકતા બહાર લાવવાનું કામ કર્યું હતું. દુલારી દેવી અને માયાવતી જેવી દલિત મહિલાઓને પણ ભુલી શકાય નહીં. દઢ વિશ્વાસ અને સોશિયલ એન્જિનિયરીંગની કુનેહનાં કારણે માયાવતી ચાર વખત યુપીના મુખ્યમંત્રી બન્યા હતા. બિહારના મિથિલાનાં ચિત્રકાર દેવીએ તેમની કળાનાં માધ્યમથી જાતિ, લિંગ અને રાજકારણના વંશવેલાનાં માળખામાં અર્થ અને સત્તા વચ્ચેના આંતરવ્યવહારને ઉજાગર કર્યો હતો.

Your email address will not be published.