ગુજરાતમાં જેનેરિક દવાઓના વેચાણમાં 50 ટકા સુધીનો વધારો

| Updated: April 25, 2022 2:18 pm

અમદાવાદઃ ગુજરાતમાં બ્રાન્ડેડ દવાઓના વિકલ્પ અંગે જબરજસ્ત જાગૃતિ આવી છે. લોકો વધુને વધુ પ્રમાણમાં આ પ્રકારની દવાઓ પર ધ્યાન આપી રહ્યા છે. તેના પગલે છેલ્લા બે વર્ષમાં આ પ્રકારની દવાના વેચાણમાં 50 ટકાનો વધારો નોંધાયો છે. તેમા પણ કોરોનાના રોગચાળાના પગલે તો તેમા નોંધપાત્ર જાગૃતિ આવી છે.

જેનેરિક મેડિસિન્સના રિટેલરોના જણાવ્યા મુજબ તેમનું મોટાભાગનું વેચાણ પાંચ કેટેગરીમાંથી આવે છે. એક ડાયાબિટીસ, બીજી કેન્સરની દવાઓ, ત્રીજી હૃદયરોગની દવાઓ, ચોથી પોષણની દવાઓ અને પાંચમી ચેપવિરોધી દવાઓ.

ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (એફડીસીએ)ના કમિશ્નર ડો. એચ.જી. કોશિયાના જણાવ્યા મુજબ રાજ્યમાં જેનેરિક દવાઓ અંગેની જાણકારી સતત વધી રહી છે. તેનું વેચાણ ગયા વર્ષની તુલનાએ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યું છે. લોકો જેનેરિક દવા તરફ શિફ્ટ થઈ રહ્યા છે. આના લીધે લોકો તે જ ગુણવત્તાવાળી દવા તેનાથી પણ અત્યંત નીચા ભાવમાં મેળવી રહ્યા છે.

કોશિયાએ ઉમેર્યુ હતું કે ખાનગી અને સરકારી જેનેરિક મેડિસિન સેગમેન્ટ પણ વ્યાપક પાયા પર જેનેરિક મેડિસિન ઓફર કરી રહ્યું છે. એફડીસીએના આંકડા દર્શાવે છે કે દેશમાં 2015-16માં જેનેરિક મેડિસિનનો હિસ્સો માંડ ત્રણ ટકા હતો જે આજે વધીને આઠ ટકાએ પહોંચી ગયો છે.

ઉદ્યોગના આંકડા મુજબ ગુજરાતમાં નાણાકીય વર્ષ 2020માં જેનેરિક દવાઓનું વેચાણ 25 કરોડ હતુ. તે 2022માં વધીને 60 કરોડ પહોંચી ગયું છે. આ જ દરે વધારો જારી રહ્યો તો 2024 સુધીમાં આ વેચાણ સો કરોડને પણ વટાવી શકે છે.

ઉદ્યોગના વર્તુળોએ જણાવ્યું હતું કે કોરોનાના સમયગાળામાં દવાઓની અછતના લીધે લોકો મોટા પ્રમાણમાં જેનેરિક મેડિસિન તરફ વળ્યા હતા. પ્રાઇવેટ જેનેરિક મેડિસિનના વિતરકે જણાવ્યું હતું કે અમારો ગ્રાહક આધાર છેલ્લા બે વર્ષમાં બમણો થઈ ગયો છે. કોરોનાના સમયમાં કેસ લોડ વધ્યા હતા ત્યારે દવાની અછત પ્રવર્તતી હતી. તેના લીધે લોકો મોટાપાયા પર જેનેરિક સ્ટોર્સ તરફ વળ્યા હતા. તેના લીધે દવાઓની માંગ વધી હતી અને તેઓના દવાઓના બિલમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. તેના લીધે છેલ્લા બે વર્ષમાં જેનેરિક બ્રાન્ડના દવાઓનું વેચાણ વોલ્યુમની રીતે લગભગ 50 ટકા જેટલું વધ્યું છે અને મૂલ્યના સંદર્ભમાં 65 ટકા જેટલું વધ્યું છે. નીચલા અને મધ્યમ આવક ધરાવતા જૂથમાં આ પ્રકારનું વેચાણ વધી રહ્યું છે.

Your email address will not be published.