રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ બે દિવસીય ભારતની મુલાકાતે હોય એ જ વખતે ભારતીય મૂળના અમેરિકન ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહે જણાવ્યું છે કે રશિયામાંથી ભારત દ્વારા ઉર્જા તેમ જ અન્ય કોમોડિટીઝની કરાતી એક સાથે ઉછાળો આવે તે અમેરિકાને રાસ આવે તેમ નથી. તેઓ રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ પર ઓઈલ ખરીદવાના ભારતના નિર્ણય અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.
નવી જીઓપોલિટિક્સ વાસ્તવિકતાઓ તરફ અમેરિકન પરિપેક્ષ્યથી ઈશારો કરતા, દલીપ સિંહે ભારતને એક પ્રકારે ચેતવણી પણ આપી કે ભવિષ્યમાં જો ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)નું ઉલ્લંઘન કરશે તો ભારત રશિયાને તેના બચાવ માટે આવવાની અપેક્ષા રાખે એ વધુ પડતું કહેવાશે કારણ કે મોસ્કો અને બેઈજીંગ વચ્ચે સંબંધો ” વિના કોઈ મર્યાદા” થી વિકસી રહ્યા છે.

તેમણે આડકતરી રીતે એવા દેશોને પણ ચેતવણી આપી હતી કે જેઓ મોસ્કો વિરુદ્ધ અમેરિકન પ્રતિબંધોને ” તોડી-મરોડીને કે પાછલા રસ્તે લાગુ ” કરવાનો સક્રિય પ્રયાસ કરે છે અને કહ્યું હતું કે આવા દેશો, આવી વર્તણુક માટે તેના પરિણામો જરૂર ભોગવશે. જોકે આ પરિણામો કેવા પ્રકારના રહેશે એ જાહેરમાં શેર કરવાનો એમણે ઇનકાર કર્યો હતો.
તેમણે એમ પણ કહ્યું હતું કે, યુએસ કોઈ પણ દેશને રશિયન સેન્ટ્રલ બેંક સાથે નાણાકીય વ્યવહારો કરે તે જોવાનું પસંદ કરશે નહીં. અમેરિકાના નાયબ રાષ્ટ્રીય એ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા સહિત ભારતીય અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી.
યુક્રેન પરના હુમલા અંગે રશિયાની ટીકા ન કરવા અંગે પશ્ચિમી સત્તાઓમાં ભારત પ્રત્યે ઉભા થયેલા અજંપાના પ્રકાશમાં આ ટિપ્પણીનું ખાસ મહત્વ છે.

શ્રી સિંહે કહ્યું કે સમગ્ર વિશ્વમાં શાંતિ અને સુરક્ષાના મુખ્ય સિદ્ધાંતોના પુતિન દ્વારા થતા ઉલ્લંઘનને કારણે યુએસ, યુક્રેનની સ્વતંત્રતા રહેવા માટેની જદ્દોજહદને સમર્થન આપી રહ્યું છે. દલીપ સિંહે જણાવ્યું કે જો વિશ્વ શાંતિના મૂળભૂત સિદ્ધાંતોને બચાવવા માટે બધા લોકશાહી દેશ એક સાથે ઊભા ન થાય, તો એનું નુકશાન સૌને ભારે પડશે.
દલીપ સિંહે જણાવ્યું હતું કે અનિયંત્રિત રશિયન આક્રમણની વિનાશક અસરના કારણે વિશ્વભરમાં અનિશ્ચિતતાઓ ફેલાઈ શકે છે અને આનાથી સમગ્ર વિશ્વના તમામ સરમુખત્યારોને એક સંદેશ જશે કે પડોશી દેશો પર જોરજુલમી કરી શકાય છે. કદાચ એવો પ્રસંગ ભારતના ઘરઆંગણે પણ આવી જાય એ શક્યતા ગેરવલ્લે નથી, એમણે ઉમેર્યું.