યુએસ ફેડે વ્યાજદર વધારતા બજારમાં ફફડાટઃ બીએસઇ સેન્સેક્સમાં 1045 પોઇન્ટનો કડાકો

| Updated: June 16, 2022 4:32 pm

યુએસ ફેડ રિઝર્વએ વ્યાજદરમાં છેલ્લા ત્રણ દાયકાનો સૌથી મોટો વધારો કરતાં વિશ્વના શેરબજારો હચમચી ગયા છે અને તેની અસરમાંથી ભારતીય શેરબજાર પણ બાકાત નથી. ભારતીય શેરબજાર આજે 1045 ઘટીને 51495 પોઇન્ટ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 343 પોઇન્ટ ઘટીને 15,348 પોઇન્ટ પર બંધ થયો હતો. આમ નિફ્ટી 18 જુન 2021 પછી પહેલી વખત તે 15,500થી નીચે આવી છે.

યુએસ ફેડરલ રિઝર્વએ બુધવારે અમેરિકામાં ચાર દાયકાની ટોચે પહોંચેલી મોંઘવારીને ડામવા વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. જો કે ગઇકાલે અમેરિકન શેરબજાર તેજી સાથે બંધ થયા હતા. સ્થાનિક બજારમાં પણ તેજી સાથે પ્રારંભ થયો હતો અને એક સમયે સેન્સેક્સ 600 પોઇન્ટ વધી ગયો હતો. પણ બપોર થતાં સુધીમાં તો બજાર ઘટવા માંડ્યુ હતુ. આમ બજાર તેની ટોચથી 1,600 પોઇન્ટ તૂટ્યું હતું.

આમ બપોર સુધીમાં સેન્સેક્સની રિકવરી ધોવાઈ ગઈ હતી અને તેણે પછી તો રીતસરનો કડાકો બોલાવ્યો હતો. આમ આજના ઘટાડા સાથે સેન્સેક્સ અને નિફ્ટી ચાલુ વર્ષની નીચલી સપાટીએ આવી ગયા છે. જો કે દિવસના પ્રારંભમાં તો સેન્સેક્સ અને નિફ્ટી બંને અનુક્રમે 550 પોઇન્ટ અને 150 પોઇન્ટ વધેલા હતા. સેન્સેક્સ 53 હજાર પોઇન્ટે વટાવી ગયો હતો અને નિફ્ટીએ પણ 15,800ની સપાટી વટાવી દીધી હતી. પણ બપોર થવા સુધીમાં આ વધારો ધોવા લાગ્યો હતો અને તેણે ઘટાડાનો ટ્રેન્ડ પકડ્યો હતો. સેન્સેક્સ 700 પોઇન્ટ કરતાં પણ વધુ ઘટીને 51,800 પર આવી ગયો હતો જ્યારે નિફ્ટી લગભગ અઢીસો પોઇન્ટ ઘટીને 15440 પર આવી ગયો હતો. બજારની વર્તમાન સપાટી જુલાઈ 2021 પછીની અને ચાલુ વર્ષની બંનેની સૌથી નીચલી સપાટી છે.

અમેરિકામાં ફુગાવો આઠ ટકાના સ્તરને વટાવી ગયો તેને વટાવવા માટે ફેડરલ રિઝર્વ બેન્કે વ્યાજદરમાં 0.75 ટકાનો વિક્રમજનક વધારો જાહેર કર્યો હતો. છેલ્લા ત્રણ દાયકાના સૌથી મોટા વધારાના પગલે અમેરિકામાં વ્યાજદર વધીને 1.50-1.75 ટકા થઈ ગયા છે. હાલમાં અમેરિકામાં ફુગાવાનો દર 8.61 ટકા છે અને તે ચાર દાયકામાં સૌથી વધારે છે. ફેડરલ રિઝર્વ તેને બે દાયકાની રેન્જમાં લાવવા માંગે છે. આ કારણસર અર્થતંત્રમાં તરલતા ઘટાડવા અને માંગ પર લગામ લગાવવા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક રીતે વધારો કરી રહ્યું છે. પણ વ્યાજદરમાં આટલા વધારાના લીધે અર્થતંત્ર પર મંદીનું જોખમ પણ વધશે.

Your email address will not be published.