ઉત્તરપ્રદેશ વિધાન પરિષદ ચૂંટણીઃ સપાને 36માંથી એક બેઠક પણ ન મળી, ભાજપ 33 પર વિજયી

| Updated: April 12, 2022 2:35 pm

લખનઉઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા પરિષદની ચૂંટણીના પરિણામે સપાની આંખની ઊંઘ ઉડાડી દીધી છે. વિધાનસભા પરિષદની 36 બેઠકોની ચૂંટણીમાંથી ભાજપને 33 બેઠકો મળતા તેના પર કેસરિયો લહેરાયો છે જ્યારે સમાજવાદી પાર્ટી (સપા)ને સમખાવા પૂરતી એક બેઠક પણ મળી નથી. આ સ્થિતિમાં તેની પાસેથી વિપક્ષનો દરજ્જો પણ છીનવાઈ શકે છે. વિપક્ષના દરજ્જા માટે કમસેકમ દસ બેઠકો હોવી જરૂરી છે, જ્યારે સપા પાસે હવે નવ જ બેઠક છે.

ભાજપની જે ત્રણેય બેઠક પર હાર થઈ તે ત્રણેય બેઠક પર ઉમેદવાર અપક્ષ છે. ત્રણેય ઠાકુર ઉમેદવાર છે. રાણસી-ચંદૌલી-ભદૌહી સીટ  પર ભાજપના ઉમેદવાર ડો.સુદામા પટેલે અપક્ષ ઉમેદવાર અન્નપૂર્ણા સિંહના હાથે હારનો સામનો કરવો પડ્યો. અન્નપૂર્ણા બૃજેશ સિંહની પત્ની છે.બીજી બાજુ પ્રતાપગઢ એમએલસી સીટ પર ભાજપના ઉમેદવાર હરિ પ્રતાપ સિંહે હારનો સામનો કરવો પડ્યો. અહીં કુંડાના વિધાયક રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાના નીકટના અક્ષય પ્રતાપ સિંહે જીત મેળવી છે.

જે રાજાભૈયાની જનસત્તા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.અક્ષય પ્રતાપ સિંહ બાહુબલી ગણાય છે અને પ્રતાપ ગઢ બેઠક પરથી સતત જીત મેળવે છે.આઝમગઢમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો.જ્યાં બીજેપી એમએલસી યશવંત સિંહે બળવો પોકારીને પુત્ર વિક્રાંત સિંહને અપક્ષ ચૂંટણી લડાવી હતી.જ્યારે ભાજપે આ બેઠક પરથી રમાકાંત યાદવના પુત્ર અરુણકાંત યાદવને ઉમેદવાર બનાવ્યા હતા.ભાજપે યશવંત સિંહને છ વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કર્યા હતા પરંતુ તેઓ પોતાના પુત્રને જીતાડવામાં સફળ રહ્યા.

વિધાન પરિષદમાં છીનવાશે વિપક્ષનો દરજ્જો

વિધાન પરિષદમાં સપાને મળેલી શૂન્ય બેઠકો બાદ હવે જુલાઈમાં સપાનો વિપક્ષનો સત્તાવાર પણ છીનવાઈ શકે છે. કારણ કે વિધાન પરિષદમાં વિપક્ષી દળ પાસે 10 બેઠકો હોવી જરૂરી છે અને તમામ ગણતરીઓ બાદ જુલાઈમાં સપા પાસે વિધાન પરિષદમાં વધુમાં વધુ 9 સીટો જ બચશે. જેથી એવું લાગે છે કે સપાનો ઓફિશિયલ વિપક્ષનો દરજ્જો જોખમાઈ રહ્યો છે.

અત્રે જણાવવાનું કે યુપીની 33 બેઠકો પર ભાજપના એમએલસી ચૂંટાઈ આવ્યા છે. જેમાંથી 9 સભ્યો તો પહેલેથી જ નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા છે. જ્યારે 24 ઉમેદવારોએ મંગળવારે જીત મેળવી છે. બહરાઈચ-શ્રાવસ્તીથી પ્રજ્ઞા ત્રિપાઠી, રાયબરેલીથી દિનેશ પ્રતાપ સિંહ, જૌનપુરથી બૃજેશ સિંહ પ્રિંશૂ, દેવરિયા-કુશીનગર બેઠકથી રતનપાલ, લખનઉ-ઉન્નાવ બેઠકથી રામચંદ્ર પ્રધાન, બારાબંકીથી અંગતકુમાર સિંહ, આગરા-ફિરોઝાબાદથી વિજય શિવહરે, બલિયાથી રવિશંકર સિંહ પપ્પુ, પ્રયાગરાજથી ડો. કેપી શ્રીવાસ્તવ, મેરઠથી ધર્મેન્દ્ર ભારદ્વાજ, સીતાપુરથી પવન સિંહ ચૌહાણ, ગાઝીપુરથી વિશાલ સિંહ ચંચલ, મુરાદાબાદથી સતપાલ સૈની, ગોરખપુરથી સીપી ચંદ, સુલ્તાનપુરથી શૈલેન્દ્ર પ્રતાપ સિંહ, બસ્તીથી સુભાષ યદુવંશ, ફર્રુખાબાદથી પ્રાંશુ દત્ત, ઝાંસીથી રમા નિરંજન, ગૌંડાથી અવધેશકુમાર સિંહ, અયોધ્યાથી હરિઓમ પાંડે, ફતેહપુરથી અવિનાથ સિંહ ચૌહાણ, અને બરેલી મહારાજ સિંહે જીત મેળવી છે.

Your email address will not be published.