ચારધામ યાત્રામાં અસંખ્ય શ્રદ્ધાળુઓ જોડાઈ શકશે: ઉત્તરાખંડ હાઈકોર્ટે આપી મંજૂરી

| Updated: October 6, 2021 7:56 am

ચારધામ યાત્રામાં પ્રતિ દિવસ માટે યાત્રિકોની નિર્ધારિત સંખ્યાંને પ્રવેશ આપવાના ઉત્તરાખંડ હાઈકોર્ટના ચુકાદામાં ઉત્તરાખંડ સરકારના સંબોધન બાદ હવે કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં યાત્રિકોની સંખ્યા વધારવામાં આવી છે. કોર્ટે કહ્યું કે હવે કોઈ પણ શ્રદ્ધાળુ તીર્થ યાત્રા પર જઈ શકે છે અને યાત્રિકોની સંખ્યા અમર્યાદિત કરવાનો આદેશ આપ્યો છે. જોકે, કોર્ટે આ આદેશ આપતા ઉત્તરાખંડ સરકારને કહ્યું છે કે તમામ યાત્રિકો માટે મેડિકલ સંબંધી તમામ વ્યવસ્થા પર્યાપ્ત અને ત્વરિત થવી જોઈએ. ચાર ધામોમાં મેડિકલ સુવિધા માટે હેલિકોપ્ટર તૈયાર રાખવાના નિર્દેશ પણ હાઈકોર્ટે આપ્યા છે.

આશરે ત્રણ સપ્તાહ પહેલા ઉત્તરાખંડ હાઈકોર્ટે ચારધામ યાત્રાની શરતી મંજૂરી આપતાં કેદારનાથ ધામમાં 800, બદ્રીનાથ ધામમાં 1000, ગંગોત્રી ધામમાં 600 અને યમુનોત્રી ધામમાં 400 શ્રદ્ધાળુઓને જ એક દિવસમાં દર્શન કરવાની મંજૂરી આપી હતી. જેથી દર્શનાતુર લોકો મોટી સંખ્યામાં ધામો પર પહોંચી રહ્યા હતા અને પ્રશાસનને અનેક શ્રદ્ધાળુઓને રોકવા કે પરત ફરવા માટે કહેવું પડતું હતું. આ સમસ્યા તેમજ શ્રદ્ધાળુઓની માંગ બાદ ઉત્તરાખંડ સરકારે ગત ગુરૂવારે સોગંધનામું દાખલ કરી યાત્રિકોની સંખ્યા વધારવાની અરજી કરી હતી.

ઉત્તરાખંડ સરકારે પોતાના સોગંધનામામાં તિરુપતિ અને સોમનાથ મંદિરનો હવાલો આપ્યો હતો. સરકારે કહ્યું હતું કે આ મંદિરોમાં એક દિવસમાં 2800થી વધુ યાત્રિકોની મંજૂરી છે, પરંતુ ચારધામમાં યાત્રિકોની નિર્ધારિત સંખ્યા ઓછી છે. બીજી તરફ, કેદારનાથના ધારાસભ્ય મનોજ રાવતે પણ કોર્ટમાં પ્રાર્થના પત્ર દાખલ કરી કહ્યું હતું કે તેઓ જનતાનું પ્રતિનિધિત્વ કરે છે, જેથી જનતાને જે તકલીફો પડી રહી છે તેથી તેમનો પક્ષ સાંભળવામાં આવે. કોર્ટ 10 નવેમ્બરે હવે મામલાની સુનાવણી કરશે.

ચાર ધામ યાત્રા દરમિયાન યાત્રિકો માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું ફરજિયાત છે. ગાઇડલાઇન મુજબ, જે લોકોએ વેક્સીનના બંને ડોઝ લગાવ્યા છે અને તેનું પ્રમાણપત્ર છે, તેમને કોવિડ તપાસનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો ફરજીયાત નથી. જો કે સોમવારે ગાઇડલાઇન્સમાં કેટલાક ફેરફાર કરતા કહેવામાં આવ્યું છે કે કેરળ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશથી આવતા તીર્થયાત્રિકોને ફુલ વેક્સીનેશનનું સર્ટિફિકેટ હોવા છતાંય 72 કલાક પહેલા સુધીનો માન્ય નેગેટિવ રિપોર્ટ દર્શાવવો ફરજિયાત રહેશે.

Your email address will not be published. Required fields are marked *