વડોદરા બન્યું વાયોલન્ટઃ જૂથ અથડામણમાં પાંચને ઇજા અને 19ની ધરપકડ

| Updated: April 18, 2022 12:21 pm

વડોદરાઃ ગુજરાતના વડોદરામાં રવિવારે મોડી રાત્રે થયેલી જૂથ અથડામણમાં પાંચને ઇજા થઈ હતી. આ જૂથ અથડામણમાં પથ્થરમારો થયો હતો. અહેવાલો મુજબ ઇજાગ્રસ્તોમાં એકની હાલત ગંભીર છે. પોલીસે જણાવ્યું હતું કે બે જૂથો વચ્ચે અમુક મુદ્દાને લઈને સંઘર્ષ થતા આ જૂથ અથડામણ થઈ હતી. પોલીસે આ તોફાનના કારેલીબાગમાં નોંધાયેલા કેસમાં 19ની ધરપકડ કરી છે.

જૂથ અથડામણની હિંસાની માહિતી મળ્યા પછી તરત જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.  

વધુમાં હિંસાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવા દરમિયાન સત્તાવાળાઓએ નોંધ્યું હતું કે આ સંઘર્ષ દરમિયાન મંદિરની અંદરની મૂર્તિને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. તેના પગલે વાતાવરણમાં ઉગ્રતા વ્યાપી ગઈ હતી. પણ પોલીસે રાત સુધીમાં સ્થિતિ અંકુશ હેઠળ લાવવામાં સફળતા મેળવી હતી. વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તોફાનગ્રસ્ત વિસ્તારોમાં વધારાની પોલીસ કુમક ખડકી દેવામાં આવી છે.

રવિવારે રાત્રે સાડા અગિયાર વાગે રાવપુરા વિસ્તારમાં નજીક બે બાઇક અથડાતા બીચકેલો મામલો જૂથ અથડામણમાં પરિણમ્યો હતો. તેના પછી બંને કોમોના ટોળા સામસામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. રાવપુરા ટાવરથી લઈને જ્યુબિલી બાગ સુધી બંને કોમોના ટોળા એકબીજા સામે એકત્રિત થઈ જતાં વાતાવરણ એકદમ તંગદિલીભર્યુ બની ગયું હતું.

લોકોએ કોઠીપોળ નજીક સાઇબાબાની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હતું. દસથી વધુ વાહનોને અને લોરીઓને આગ ચાંપી દીધી હતી. આ અથડામણમાં પાંચને ઇજા થઈ હતી. 300થી 400 લોકોનું ટોળું રસ્તા પર ઉતરી આવતા વાતાવરણ સ્ફોટક બની ગયું હતું.

પોલીસે જણાવ્યું હતું કે તેણે વડોદરાના સંવેદનશી વિસ્તારોમાં સઘન બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે આ હિંસા અંગે 19 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. આ બધા આરોપીઓને રાતે જ પકડી લેવામાં આવ્યા હતા. પોલીસ કમિશ્નર ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે સંવેદનશીલ વિસ્તારમાં એસઆરપીની બે કંપની ગોઠવવામાં આવી છે.

કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં 19ની ધરપકડ કરાઈ છે. રાવપુરા અને કારેલીબાગ બંને પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. બાકીના આરોપીઓની ધરપકડ આજે થશે. પોલીસ હવે સમગ્ર ઘટનાક્રમની વિસ્તૃત તપાસ કરી રહી છે. પોલીસ કમિશ્નર ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે શહેરની શાંતિનો ભંગ કરનારા તત્વોને નહી છોડાય.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં હિંમતનગર અને ખંભાતમાં પણ કોમી છમકલા થયા હતા અને હવે વડોદરામાં તે જોવા મળ્યા છે.

Your email address will not be published.