મિશનરીઝ ઑફ ચેરિટી કેસ: વડોદરા કોર્ટે 10 જાન્યુઆરી સુધી બે નનની ધરપકડ સામે રોક લગાવી

| Updated: January 6, 2022 5:00 pm

વડોદરાની સ્થાનિક અદાલતે બુધવારે શહેર પોલીસને ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજિયન એક્ટ, 2003નાં કેસમાં 10 જાન્યુઆરી સુધી મિશનરીઝ ઑફ ચેરિટીની બે સાધ્વી(નન)ની ધરપકડ નહીં કરવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે સાધ્વીઓની આગોતરા જામીન અરજીની સુનાવણી મુલતવી રાખી હતી.

મધર ટેરેસા દ્વારા સ્થપાયેલી કોલકાતા સ્થિત મિશનરીઝ ઑફ ચેરિટી (એમઓસી) દ્વારા ચલાવાતાં શેલ્ટર હોમમાં હિંદુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને યુવાન છોકરીઓને ખ્રિસ્તી બનાવવા માટે પ્રલોભન આપવા બદલ વડોદરામાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

સ્થાનિક કોર્ટ ગયા વર્ષે ઓગસ્ટમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે તે એક્ટની બે કલમોના ઉપયોગ અંગે સ્પષ્ટતાં કરતી શહેર પોલીસની એફિડેવિટની રાહ જોઈ રહી છે. બુધવારે, વડોદરા જિલ્લાના સરકારી વકીલ અનિલ દેસાઈએ કોર્ટને ચોથી વખત જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટના સરકારી વકીલની કચેરી તરફથી કાયદાની કલમ 3 અને 4નો ઉપયોગ કરવા અંગેની સૂચના મળે તેની રાહ જોવાઇ રહી છે.

એડિશનલ સેશન્સ જજ આર.ટી. પંચાલે મૌખિક નિર્દેશમાં પોલીસને 10 જાન્યુઆરીએ આગામી સુનાવણી સુધી કાર્યવાહી નહીં કરવા જણાવ્યું હતું. પોલીસ બે કલમોના ઉપયોગ અંગે સરકારી વકીલની સ્પષ્ટતા સાથે એફિડેવિટ દાખલ કરે તેવી શકયતા છે.

મિશનરીઝ ઑફ ચેરિટી તરફથી હાજર રહેલા એડવોકેટ જહાંગીર શેખે કોર્ટને આગોતરા જામીન અરજી પર નિર્ણય લેવા વિનંતી કરી હતી. કેમ કે કોર્ટનાં નિર્દેશ મુજબ પોલીસ એફિડેવિટ દાખલ કરી શકી ન હતી.

જહાંગીર શેખે જણાવ્યું હતું કે, પોલીસ મુદત માગીને કેસમાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે ઓગસ્ટમાં હાઈકોર્ટ દ્વારા બે કલમો પર સ્ટે આપવામાં આવ્યો છે. મારા અસીલ (એમઓસી) તપાસમાં સહકાર આપે છે. પોલીસ, જિલ્લા સામાજિક સંરક્ષણ વિભાગ કે બાળ કલ્યાણ અધિકારીઓએ પણ મારા અસીલ સાથે રહેતા બાળકોની કસ્ટડી લીધી નથી.

12 ડિસેમ્બરે મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (સીડબલ્યુસી)નાં પાંચ અધિકારીઓએ 9 ડિસેમ્બરે આશ્રય ગૃહની મુલાકાત લીધા પછી, તેના અહેવાલમાં આ સંસ્થાનો વિકલ્પ શોધવાની ભલામણ કરી હતી. .

કમિટીએ અભિપ્રાય આપ્યો હતો કે બાળકોને ધર્માંતરણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જો કે બાળકોને તેની ખબર ન હતી.પરંતુ આ સંસ્થાનો વિકલ્પ શોધવો જરૂરી છે. સમિતિએ સંસ્થાને બાળકોને ગળામાં પહેરાવેલો ક્રોસ દૂર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન શંકરલાલ ત્રિવેદી સહિત પાંચ અધિકારીઓની ટીમે 9 ડિસેમ્બરે આશ્રય ગૃહની મુલાકાત લીધી હતી અને 11 ડિસેમ્બરે જિલ્લા મેજિસ્ટ્રેટને અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં ગુજરાત જુવેનાઇલ જસ્ટિસ રૂલ્સ 2019ની જોગવાઈઓ અનુસાર એફઆઈઆર દાખલ કરવાની ભલામણ કરવામાં આવી હતી.

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર)ના પત્રને પગલે કમિટીની ટીમે ડિસેમ્બરમાં શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. જ્યારે તેના ચેરપર્સન પ્રિયંક કાનુન્ગોએ 29 ઓગસ્ટ, 2021ના રોજ સ્થળની મુલાકાત લીધી હતી.

એનસીપીસીઆરના ચેરપર્સને સુઓ મોટો કાર્યવાહી કરીને 10 સપ્ટેમ્બરે આશ્રય ગૃહમાં કલમ 28 (3) ના ઉલ્લંઘનને ટાંકીને જિલ્લા વહીવટીતંત્રને પત્ર લખ્યો હતો.

આ કલમ મુજબ રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં હાજરી આપતી અથવા રાજ્યના ભંડોળમાંથી સહાય પ્રાપ્ત કરતી કોઈપણ વ્યક્તિએ આવી સંસ્થામાં કોઈપણ ધાર્મિક પ્રવૃતિ કે પુજામાં ભાગ લેવો જરુરી નથી.જો આવી વ્યક્તિ સગીર હોય, તો તેના વાલીએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો માટે તેની સંમતિ આપી હોવી જરુરી છે.

એફઆઈઆરમાં મિશનરીઝ ઑફ ચેરિટીની દ્વારા પંજાબી મહિલાનાં ખ્રિસ્તી સાથે લગ્ન કરાવી બળજબરીથી ધર્માંતરણનો આરોપ મુકવામાં આવ્યો છે.

એફઆઈઆરનાં પગલે મકરપુરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરે 21 ડિસેમ્બરે શેલ્ટર હોમની પાંચ છોકરીઓને 23 ડિસેમ્બરે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવા જણાવ્યું હતું. 12 થી 15 વર્ષની વયની છોકરીઓને ચાઇલ્ડ વેલ્ફેર અધિકારીની કસ્ટડીમાં લેવાની હતી.

મિશનરીઝ ઑફ ચેરિટીએ 22 ડિસેમ્બરે, ચાઇલ્ડ વેલ્ફેર કમિટી, વડોદરાના ચેર પર્સનને  પત્ર લખીને બાળકોને એસ્કોર્ટ કરવા માટે અધિકારીની માંગણી કરી હતી ત્યારે ચેરપર્સને જણાવ્યું હતું કે, કોર્ટના આદેશ મુજબ છોકરીઓને કોર્ટમાં રજૂ કરવાની અને તેમને પાછી લઇ જવાની  જવાબદારી સંસ્થાની રહેશે.

જહાંગીર શેખે જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તનનો લગાવનાર સંગઠન બાળકોને તેમનું નિવેદન નોંધવા પણ લઈ ગયા હતા.તપાસથી બાળકો ડરી ગયા છે.

આ કેસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 28 ડિસેમ્બરે તપાસ શરુ કરી હતી. મદદનીશ પોલીસ કમિશનર (એસીપી), ક્રાઈમ, ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે  લગ્ન માટે ધર્મપરિવર્તન કરાવાયું છે તે પંજાબી મહિલાને પોલીસ સમક્ષ હાજર થવા માટે ત્રણ નોટિસ પાઠવી હતી.જોકે મહિલાએ તેનું નિવેદન નોંધાવ્યું નથી.

જોકે 27 ડિસેમ્બરના રોજ, મહિલાએ કોર્ટ સમક્ષ સોગંદનામું કરીને જણાવ્યું હતું કે તેના આંતરધર્મી લગ્ન તેની સંમતિ અને ઇચ્છાથી થયા હતા.

Your email address will not be published.