વૈષ્ણોદેવી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ, કાશ્મીરમાં 26 ગુજરાતી પ્રવાસીઓ ફસાયા

| Updated: January 8, 2022 7:03 pm

હિન્દુ શ્રદ્ધાળુઓની આસ્થાનું મોટું કેન્દ્ર એવા માતા વૈષ્ણોદેવીના ધામમાં શનિવારે સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. જમ્મુ-કાશ્મીરના રેઆસી જિલ્લામાં આવેલા વૈષ્ણોદેવી ધામમાં ઠેરઠેર બરફની ચાદર છવાઈ હતી. શનિવારે વહેલી પરોઢે વૈષ્ણોદેવીમાં ચાર ઇંચ બરફ વર્ષા થઈ હતી.

ભૈરો ઘાટી સહિતના ઊંચાણવાળા વિસ્તારો બરફથી છવાઈ ગયા હતા. વૈષ્ણોદેવી ધામની યાત્રા કોઇપણ અડચણ વિના ચાલી રહી છે પણ હેલિકોપ્ટર અને વાહનોની અવરજવરને અસર પહોંચી છે. છેલ્લા અહેવાલો મુજબ વૈષ્ણોદેવી ધામના બેઝ કેમ્પ એવા કટરા ખાતે પણ ભારે વરસાદ થયો છે.

દરમિયાન જમ્મુ-શ્રીનગર હાઇવે પર એકથી વધુ સ્થળે ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે સંખ્યાબંધ વાહનચાલકો રસ્તામાં ફસાયા હતા. અગાઉ શુક્રવારે રસ્તો ખાલી કરવામાં આવ્યો હતો અને અન્ય સ્થળે ભૂસ્ખલનને કારણે ફરી માર્ગ બંધ કરી દેવો પડ્યો હતો.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 300થી વધુ ટ્રકો અને સંખ્યાબંધ બસો ફસાઈ હતી. ફસાયેલા પ્રવાસીઓમાં ગુજરાતના 26 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ પ્રવાસીઓને રામબન સેક્ટરમાં આવેલા હોલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. 

Your email address will not be published.