ગુજરાતના ૨૦ વર્ષના પુરુષાર્થને, ૨૦ વર્ષના વિશ્વાસને, ૨૦ વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી વાકેફ કરવા સમગ્ર ગુજરાતમાં ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’નું આયોજન કરાયું છે. ગાંધીનગર જિલ્લામાં તા. ૫ જુલાઈથી તા. ૧૯ જુલાઈ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બે વિકાસ રથ ગામેગામ ફરશે. રાજ્યના પ્રોટોકોલ, ઉદ્યોગ, સહકાર અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તા. ૫ મી જુલાઈએ સાંજે ૫.૦૦ વાગ્યે ચિલોડા (મોટા) ગામેથી ગાંધીનગર જિલ્લાની વંદે ગુજરાત વિકાસયાત્રાનો શુભારંભ કરાવશે.
ગુજરાતે ૨૦ વર્ષમાં વિકાસની હરણફાળ ભરી છે. અનેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળ્યું હતું ત્યારથી ગુજરાતે સિદ્ધિઓના નવા શિખરો સર કર્યા છે. ગુજરાતની આ વિકાસયાત્રાને ગામેગામ લઈ જવાની સાથો સાથ લોકોને મળતા લાભો ગામેગામ જઈને પહોંચાડવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં લોકહિતની વિવિધ યોજનાઓના ૫,૬૯૫ લાભાર્થીઓને રૂ. ૯.૫૦ કરોડથી વધુ રકમની સહાયના લાભો ઘર આંગણે જઈને અપાશે. એટલું જ નહીં, વંદે ગુજરાત વિકાસયાત્રાના ૧૫ દિવસ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં રૂ. ૪.૩૮ કરોડના ૨૨૬ કામોનું લોકાર્પણ કરાશે અને રૂ. ૨.૭૮ કરોડના ૧૧૭ નવા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાશે.
ગાંધીનગરના જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં બે રથ અને ગાંધીનગરના શહેરી વિસ્તાર તથા ગાંધીનગર શહેરમાં સમાવિષ્ટ વિસ્તારોમાં એક રથ પરિભ્રમણ કરશે. ગાંધીનગર જિલ્લાના ચિલોડાની સાથોસાથ કલોલ તાલુકાના ગોલથરા ગામેથી પણ વંદે ગુજરાત વિકાસયાત્રાનો આરંભ થશે. આ યાત્રા ડીંગુચા, કાંઠા, નવા અને પલીયડ ગામોને આવરી લેશે.
ગાંધીનગર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રા નાગરિકોને ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથાથી વાકેફ તો કરશે જ, સાથોસાથ ભાવિ વિકાસનો રાજમાર્ગ પણ કંડારશે.