કોરોનામાં મોતને ભેટનાર માતાની દીકરીના લગ્ન કરાવશે વાવના ધારાસભ્ય ગેનીબેન

| Updated: April 7, 2022 1:43 pm

વાવ વિધાનસભા બેઠક પરથી ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શંકર ચૌધરીને હરાવી ગુજરાત વિધાનસભામાં પહોંચેલ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર(Geniben Thakor) નો જનતા પર એટલો પ્રભાવ છે કે જે કામ ગુજરાત પોલીસે કરવાનું હોય એવી દારૂની હેરાફેરી પર જનતા રેડ કામ કરવાનું, કે ઇન્ટરનેશનલ બોર્ડર ધરાવતા વિસ્તારના વિકાસ માટે વિધાનસભામાં વારંવાર રજૂઆત કરવાનું અને ઠાકોર સમાજના સામાજિક મુદ્દે ઉત્કર્ષના પ્રયત્નો કરવાનું કામ હમેશાં ગેનીબેન કરતાં હોય છે, ત્યારે હવે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આગામી 23મી એપ્રિલના રોજ પોતાની માતાને કોરોનામાં ગુમાવી દેનાર દીકરીના લગ્ન કરાવશે. 

કોરોનામાં સમગ્ર દેશ અને દુનિયામાં તબાહી થઈ હતી. લાખો લોકો મૃત્યુ પામ્યા, કેટલાય પરિવાર વિહોણા બન્યા અને કેટલાય બાળકો અનાથ બની ગયા. ગુજરાતમાં પણ સ્થિતિ વકરી હતી, ગુજરાતમાં 27,674  જેટલા બાળકો માં-બાપ વિહોણા બન્યા અને એમાંય કેટલાયના માં-બાપ અને પૂરો પરિવાર કોરોનામાં હોમાય ગયો હતો.

આવા જ એક કિસ્સામાં કોરોનાની બીજી લહેરમાં ઑક્સીજનના બાટલાની વ્યવસ્થા કરતાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાથે વાત કરતા કરતાં એક મહિલાએ પોતાનો જીવ છોડ્યો હતો અને તે વખતે ધારાસભ્યએ વચન આપ્યું હતું કે તમારી દીકરીના લગ્નની જવાબદારી મારી, હું તેના લગ્ન કરાવીશ.

ઠાકરસિંહ રબારી, બનાસકાંઠા જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેનએ જણાવ્યું હતું કે, કોરોના વખતે ભાભર હોસ્પિટલમાં ધારાસભ્ય ગેનીબેન તેમની માટે ઑક્સીજનની બોટલની વ્યવસ્થા કરતાં હતા ત્યારે મહિલા હંસાબેને કહ્યું કે મારે એક દીકરી છે, દીકરો નથી, તેના લગ્ન થઈ જાય ત્યાં સુધી જીવવું છે, મને મરવાની ચિંતા નથી પણ દીકરીના લગ્નની ચિંતા છે. આ જ સમયે ગેનીબેને તેમને વચન આપ્યું હતું કે તમે ચિંતા ન કરો, તમારી દીકરીનું લગન હું કરાવીશ, અને એ જ સમયે બહેન હંસાને તેમણે વચન આપ્યું અને એ બહેને જીવ છોડ્યો હતો.

કોરોનાની મહામારીમાં મૃત્યુ પામનાર સ્વ હંસાબેનની પુત્રી સંગીતાના લગ્ન આગામી 23મી એપ્રિલના રોજ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન કરાવશે અને આમંત્રિત મહેમાનોને લગનમાં પધારવા રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ લગ્નમાં આવનાર મહેમાનો દ્વારા આપવામાં આવેલ રકમનો ઉપયોગ સ્વ. હંસાબેન ઠાકોરના નામે લાયબ્રેરી બનાવવામાં આવશે અને સંગીતાના નામે બેન્કમાં ફિક્સ ડિપોઝિટ મૂકવામાં આવશે.

Your email address will not be published.