સરકાર દસ મહિના ટટળાવ્યા પછી ફરી જતાં વીસીઇ ઓપરેટરોની આજથી હડતાળ

| Updated: May 11, 2022 1:06 pm

સુરતઃ ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર (VCE) ઓપરેટરો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. વીસીઇ ઓપરેટરોના સંઘનું કહેવું છે કે અમારી માંગને લઈને સરકારે અમને દસ મહિના સુધી ઠાલા આશ્વાસને આપ્યા અને પછી તે અમારી માંગ પૂરી કરવાના વચન પરથી ફરી ગઈ તેના લીધે અમારે હડતાળ પર ઉતરવાનો નિર્ણય લેવો પડ્યો છે.

અમે સરકાર સામે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાના છીએ. અમે ફક્ત હડતાળ કરીશું. સરકારને અમારી અરજ છે કે આ પ્રશ્ન ફક્ત એકાદ ગામડા પૂરતો સીમિત નથી, પણ 14000 ગામડામાં કામ કરતા વીસીઇના પરિવારોનો સવાલ છે. એટલે કે લગભગ પંદરેક હજાર પરિવાર આની સાથે જોડાયેલા છે. તેથી સરકારને અરજ છે કે તેઓ અમારી માંગો પર વિચાર કરે.

તેઓનું કહેવું છે કે અમારે તો આંદોલન કરવું જ નથી, સરકાર આજે અમારી માંગ સ્વીકારી લે તો અમારે હડતાળ પર ઉતરવાનું જ નથી. આ લડત રાજ્યની તમામ ગ્રુપ પંચાયતમાં ફરજ બજાવતા વગર પગારના વીસીઇની લડત છે. મોંઘવારીનો સમય હોઈ કમિશન પોસાઈ શકે તેમ ન હોઈ સરકાર પાસે પગારધોરણ માંગીએ છીએ. અમે અમારુ અને અમારા કુટુંબનું ભવિષ્ય સુધરે તે માટે સરકાર પાસે માંગ કરી છે. આ માટે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો અને માંગ કરવામાં આવી છે. આમ છતાં સરકારે આ દિશામાં કોઈપણ પગલાં લીધા નથી.

અમારે આ લડત માટે ઉતરવું પડ્યુ તે માટે સરકારનો પંચાયત વિભાગ જ જવાબદાર છે. રાજ્યમાં વસતા તમામ ગ્રામજનો અને અને કર્મચારી વર્ગ અમારી આ લડતને સહયોગ આપશે. જો કે આ હડતાળ કેટલા સમય સુધી ચાલશે તેના અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. છેલ્લા દસ મહિનાથી અમે આ સરકાર સમક્ષ રજૂઆતો કરી છે. અમે સીધો જ હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે તેવું નથી, અમે ઘણી રાહ જોઈ છે. અમારી વાજબી માંગળીઓ અંગે સરકારને કેટલીય વિનંતી કરી છે. પણ બધુ બહેરા કાને અથડાઈને પાછુ પડ્યુ છે.

સરકાર દ્વારા અમારી હડતાળને તોડી પાડવા તંત્ર દ્વારા ખૂબ જ દબાણ કરવામાં આવ્યું છે. વીસીઇ ઓપરેટરો ગાંધીનગર ન આવે તે માટે પોલીસનું પણ દબાણ છે. પોલીસને અમારો વીસીઇનો સાથ સહકાર મળ્યો છે અને મળશે. અમે અમારી લડત ગાંધીચીંધ્યા માર્ગે લડવાના છીએ અને કાયદાનું પાલન કરવાના છીએ.

Your email address will not be published.