ગુજરાત માટે ટોચનું સ્થાન પાછું મેળવવા માટે વેક-અપ કોલ

| Updated: June 30, 2022 1:48 pm

દેશનાં અન્ય રાજ્યોની સરખામણીએ કુશળ કર્મચારીઓનો અભાવ,નબળી નીતિઓ અને કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં સતત ઘટાડો થવાને કારણે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ને ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનારા છ ટોચના રાજ્યોની યાદીમાં નીચલો ક્રમ મળ્યો છે. સિનિયર અધિકારીઓ દ્વારા કરાયેલા રાજ્યોના તુલનાત્મક અભ્યાસમાં ગુજરાત વિશેની ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. ગુજરાતે પોતાનું સ્થાન પાછું મેળવવા કડક પગલાં લેવાની જરૂર છે.

ગુજરાત રોજગારક્ષમતામાં 8માં અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (ઇઓડીબી)માં 10મા ક્રમે છે અને કોસ્ટ ઓફ ડુઇંગ બિઝનેસમાં પણ પાછળ છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં બિઝનેસ શરુ કરવા માટે અપાતા પ્રોત્સાહનો અન્ય રાજ્યોની તુલનામાં ખૂબ ઓછા છે, જે રોકાણને અસર કરે છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં જાહેર ખર્ચ જીએસડીપીના 10.3 ટકા ઓછો છે, જ્યારે આંધ્રપ્રદેશમાં તે 16 ટકા, હરિયાણામાં 13.6 ટકા, કર્ણાટકમાં 13.2 ટકા, કેરળમાં 13.9 ટકા અને મહારાષ્ટ્રમાં 12.4 ટકા છે.

રાજ્ય સરકાર સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન નીતિનો પ્રચાર કરતી હોવા છતાં, અંગ્રેજી કૌશલ્યની વાત કરવામાં આવે તો તે રાજ્યોની યાદીમાં છેલ્લું છે. જ્યારે અંગ્રેજી નિપુણતાની વાત આવે છે ત્યારે રાજ્ય ટોચના 10 રાજ્યોની સૂચિમાં નથી.

12 વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ અને કેટલીક ખાનગી એજન્સીઓ દ્વારા વિવિધ ક્ષેત્રો અંગે તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં આ તથ્યો અને સંબંધિત આંકડાઓનું સંકલન કરવામાં આવ્યું છે. અહેવાલમાં આગામી પાંચ વર્ષમાં રાજ્યને ટોચના પાંચમાં લાવવા રોડમેપ તૈયાર કરવા માટે મુખ્યમંત્રી સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં કૃષિ ક્ષેત્રનો તેમનો હિસ્સો છેલ્લા દાયકામાં 19.5 ટકાથી ઘટીને 15.1 ટકા થયો છે, જ્યારે ઉદ્યોગનો હિસ્સો 48.4 ટકાથી ઘટીને 43.8 ટકા થયો છે. સર્વિસ સેક્ટરનું યોગદાન 36.7 ટકા જેટલું જ રહ્યું છે. ઝડપી શહેરીકરણને કારણે ખેતીલાયક વિસ્તારમાં 2 ટકાનો ઘટાડો થયો છે.

ઇઓડીબી અને બિઝનેસનો ખર્ચ
મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવાં અન્ય રાજ્યોમાં ઇલેક્ટ્રોનિક્સ, ઇવી, ટેક્સટાઇલ્સ, એપેરલ્સ, બેઝિક મેટલ્સ, ફાર્મા, ફૂડ પ્રોસેસિંગ વગેરે જેવા સેકટર માટે ખાસ નીતિ છે.જ્યારે ગુજરાતમાં આવી એક પણ નીતિ નથી. એક સમીક્ષા મુજબ ગુજરાતમાં રોકાણ માટે અપાતાં પ્રોત્સાહનો અન્ય રાજ્યોની સરખામણીમાં આકર્ષક નથી.

દાખલા તરીકે, ગુજરાત કોઈ પણ ઓટોમોબાઈલ ક્ષેત્રના પ્રોજેક્ટ માટે વધુમાં વધુ 35 લાખ રૂપિયા સુધીની 10-25 ટકા સબસિડી આપે છે. જે કર્ણાટકમાં 35 ટકા અને કર્ણાટકમાં 1.10 કરોડ, તમિલનાડુમાં 1.5 કરોડ રૂપિયા અને હરિયાણામાં 50 લાખ રૂપિયા સુધી છે.

સર્વિસ સેકટર દેશના અર્થતંત્રનું અભિન્ન અંગ હોવા છતાં 5.2 યોગદાન સાથે ગુજરાત તેમાં સાતમા સ્થાને છે.રાજ્યમાં આઇટી કંપનીઓ ઓછી છે અને અહીં કોઈ પણ મોટી કંપનીનું હેડક્વાર્ટર નથી. રોજગાર અને નવીનતા સૂચકાંકમાં રાજ્ય 8મા ક્રમે છે.
બેંગ્લોરમાં 57, મુંબઈમાં 54 અને પુણેમાં 41 કંપનીઓની સરખામણીમાં રાજ્યમાં માત્ર 11 ટોચની આઇટી કંપનીઓ છે. ફિનટેક સ્ટાર્ટ અપ નંબરમાં ગુજરાત છેલ્લા ક્રમે છે. બેંગલુરુમાં 447, મુંબઈમાં 437, ગુરુગ્રામમાં 128 અને અમદાવાદમાં માત્ર 35 છે.
મુખ્ય આંતરરાષ્ટ્રીય શહેરો સાથે  ઓછી કનેક્ટિવિટી પણ એક મહત્વપૂર્ણ કારણ છે. યુરોપ અને યુ.એસ.એ.સાથે કોઈ સીધી કનેક્ટિવિટી નથી.

ગિફ્ટ સિટી
ગુજરાત પાસે ગિફ્ટ સિટી છે જે દેશનું ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ગેટવે બની શકે છે, તેમ છતાં અહીં કોઇ ઇન્ટરનેશનલ મર્ચન્ટ કે ઇન્વેસ્ટમેન્ટ બેન્કની ઓફિસ નથી.

સામાન્ય રીતે ગિફ્ટ સિટીમાં બિઝનેસ શરૂ કરવા માટે મંજૂરી માટે 90-120 દિવસનો સમય લાગે છે, જેમાં સેઝ ઓથોરિટી, આઇએફએસસી, જીએસટી વગેરેમાં રજિસ્ટ્રેશનનો સમાવેશ થાય છે. બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે સિંગલ વિંડો ક્લિયરન્સ સિસ્ટમની જરૂર છે. વિદેશી રોકાણકારો માટે કડક કેવાયસી ધોરણો હળવા કરવાની જરૂર છે.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ગુજરાત 10માં ક્રમે છે, ત્યારે સ્પર્ધાત્મકતામાં છ રાજ્યોમાં સૌથી નીચો ક્રમ ધરાવે છે. ગુજરાત પાસે ફિનટેક પોલિસી નથી જ્યારે સર્વિસ માટે પ્રતિષ્ઠાનો અભાવ છે, તેમઅહેવાલમાં જણાવાયું છે.

આ ક્ષેત્રના વિકાસ માટે જરૂરી બીજી ભાષા તરીકે અંગ્રેજી સહિત કૌશલ્યોમાં ગુજરાત ટોચના 10માં સ્થાન ધરાવતું નથી. નીતિ આયોગ મુજબ શાળા શિક્ષણ ગુણવત્તા સૂચકાંક અન્ય રાજ્યોની તુલનામાં ઓછો છે.

હેલ્થકેર
રાજ્યના બજેટનો માત્ર ૫ ટકા હિસ્સો આરોગ્યસંભાળ માટે ફાળવવામાં આવે છે જે 8 ટકા હોવો જોઈએ. 1,000 દીઠ માત્ર 0.9 પથારીઓ છે જે 2 હોવી જોઈએ. પીપીપી મોડ પર વધુ હોસ્પિટલો ઊભી કરવી જોઈએ અને આરોગ્ય ભરતી બોર્ડની રચના કરવી જોઈએ, એમ અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે.

બંદરો
દેશના તમામ કાર્ગોનો 40  ટકા હિસ્સો ગુજરાત સંભાળે છે પરંતુ તેના બંદરો 2025 સુધીમાં સંતૃપ્ત થઈ જશે. નવા ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ બંદરો વિકસાવવાની જરૂર છે. સૌથી લાંબો દરિયાકિનારો હોવા છતાં તેના વિકાસનો અભાવ છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં રોડ અને રેલનું સારું નેટવર્ક છે.
એર કનેક્ટિવિટી એક મુદ્દો છે અને અમદાવાદ અને સુરત સિવાય અન્ય તમામ 11 પ્રાદેશિક એરપોર્ટને ટ્રાફિક મળતો નથી.

રિયલ એસ્ટેટ
ઓર્ગેનાઇઝ્ડ રિયર એસ્ટેટ માર્કેટમાં ભારતના સાત શહેરોનું વર્ચસ્વ છે અને તેમાં ગુજરાતનું કોઇ શહેર ટોચના 10માં નથી. સરકારે તેની નીતિઓમાં ફેરફાર કરવાની જરૂર છે અને સુધારેલા માસ્ટરપ્લાન, ચોક્કસ  ક્લસ્ટરોમાં એફએસઆઈમાં છૂટછાટ, સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જમાં છૂટ ,પીપીપી મોડેલ સહિતનાં ઘણાં પગલાં લેવાની જરૂર છે. સાબરમતી અને તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ્સને પુનર્જીવિત કરવાથી પીપીપી અને આંતરરાષ્ટ્રીય ડેવલપર્સને શ્રેષ્ઠ માળખાગત સુવિધા ઊભી થઇ શકે છે, જે ફૂડ એન્ડ બેવરેજીસ હબ, રિવર સાઇડ હોસ્પિટાલિટી વગેરેને આકર્ષી શકે છે.

શિક્ષણ
રાજ્યમાં કુલ નોંધણીનો રેશિયો એલિમેન્ટ્રી(ધોરણ 1-8) માં 93.8 ટકા, સેકન્ડરી માટે 77.4 (ધોરણ 5-8) અને હાયર સેકન્ડરી માટે 43.4 છે, જેને સુધારવાની જરૂર છે.

પ્રવાસન
જે રાજ્ય પોતાને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ  કરે છે તે બીજા રાજ્યોથી પાછળ છે. દેશ-વિદેશનાં પ્રવાસીઓના મામલે 9માં અને 12માં ક્રમે છે. એર કનેક્ટિવિટી અને પ્રવાસીઓના રોકાણનો ટૂંકો સમયગાળો  મુખ્ય કારણો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની તર્જ પર રાજ્યમાં વધુ સ્થળો વિકસાવવાની જરૂર છે. ઓછામાં ઓછા પાંચ મુખ્ય પર્યટન સ્થળોમાં સીધી અને સરળ કનેક્ટિવિટી જરુરી છે.
અહેવાલમાં જણાવાયું છે કે, સિંગલ વિન્ડો ક્લિયરન્સ અને હોસ્પિટાલિટી ઉદ્યોગનો વિકાસ કરીને ગુણવત્તા સુધારવાની જરુર છે.  

Your email address will not be published.