જીવ જોખમમાં મૂકીને રસ્તો કાપતા છોટાઉદેપુરના સાઢલીના ગામવાસીઓ

| Updated: July 30, 2022 11:02 am

રસ્તો કાપવા માટે પણ જીવ જોખમમાં મૂકવો પડે તેવું સાંભળીએ તો આપણને કદાચ એક્સપ્રેસ હાઇવે યાદ આવે. પણ છોટા ઉદેપુરના સાઢલીના ગામવાસીઓને તેમના કોતર યાદ આવે. ચોમાસામાં વરસાદ સારો પડે ત્યારે છોટા ઉદેપુરના સાઢલીના ગામવાસીઓ ચિંતાતુર થઈ જાય છે. તેનું કારણ છે કોતરના લીધે બે ભાગમાં વહેંચાયેલા સાઢલી ગામમાં ગમાન ફળિયાને જોડતું નાળુ દાયકા કરતાં પણ વધારે સમયથી તૂટેલી સ્થિતિમાં છે. આના લીધે ગામલોકોએ કોતર પાર કરવા માટે રીતસર જીવના જોખમે કોતરમાં ભરાયેલા પાણીની વચ્ચે થઈને જવું પડે છે. ફક્ત ગામ લોકો જ નહી બાળકોએ શાળાએ પણ આ રીતે જીવના જોખમે જવું પડે છે. તેમા પણ જો કોઈ સ્ત્રી સગર્ભા હોય તો તેની તકલીફોનો પાર નથી. તેને ખાટલામાં નાખીને ઉચકીને પાણીમાંથી પસાર થઈ જઈને લઈ જવી પડી છે.

સાઢલી ગામની આ સ્થિતિ કંઈ આજની જ નથી, પરંતુ વર્ષોની છે. આના લીધે પરેશાન થતાં ગામવાસીઓએ હવે સત્યાગ્રહ પર ઉતરવાની માનસિક તૈયારી કરી લીધી છે. પાવી જેતપુર તાલુકાના સાઢલી ગામમાં લગભગ 2,500 જેટલી વસ્તી આવેલી છે. ગામની વચ્ચેથી કોતર પસાર થયેલું હોવાથી ગામ બે ભાગમાં વહેંચાયેલું છે. આ કોતર પર વર્ષો પહેલા કોઝવે બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે બનાવ્યાના બેથી ત્રણ વર્ષમાં જ તૂટી ગયો હતો. બસ ત્યારથી સાઢલી ગામના ગમાન ફળિયાના લોકો માટે મુશ્કેલીનો પ્રારંભ થઈ ગયો છે. આ મુશ્કેલી લોકો એક પેઢી વીતી ગયા પછી પણ ભોગવી રહ્યા છે.

કોઝવે તૂટી ગયા બાદ લોકો શિયાળા અને ઉનાળામાં તો માટીનું પુરાણ કરીને કામ ચલવી લે છે, પરંતુ ચોમાસામાં ભારે વરસાદમાં તો આ કોઝવે ધોવાઈ જાય છે. તેના લીધે રસ્તો સદંતર બંધ થઈ જાય છે. ગમાન ફળિયાના લોકો ગામ અને દુનિયાથી વિખૂટી પડી જાય છે. તાજેતરના ચોમાસાના લીધે માટીનું પુરાણ ધોવાઈ જતાં ગામના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોએ મીઠા જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવી હોય તો પણ પાણીમાંથી ઉતરીને પસાર થઈને જવું પડે છે. ગામના વાલીઓ શિક્ષણ અંગે સભાન હોવાથી આ પ્રકારની સ્થિતિમાં પણ બાળકોને શિક્ષણ આપવા મોકલે છે. તેઓ જીવના જોખમે તેમને રસ્તો પાર કરાવે છે.

Your email address will not be published.