રાજકોટઃ કોંગ્રેસમાં વોકઆઉટ જારી છે. ભૂતપૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી (આપ)માં જોડાઈ ગયા છે. જો કે છેલ્લા કેટલાય સમયથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ નિષ્ક્રિય હતા. તેઓ આપના નેતાઓના સંપર્કમાં હતા. તેમણે તાજેતરમાં જ ભાવનગરના પ્રભારી તરીકે રાજીનામુ આપ્યું હતું. ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઘણા સમયથી કોંગ્રેસની પ્રાદેશિક નેતાગીરીથી નારાજ હતા. ઇન્દ્રનીલની સાથે વશરામ સાગથિયા પણ જોડાયા હતા.
આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (આપ)ની રાજકીય વિચારધારા સાથે સંમત બધાનું પક્ષમાં સ્વાગત છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુની ગુજરાતમાં સૌથી ધનવાન કોંગ્રેસી આગેવાનોમાં ગણના થાય છે. તેમણે ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી વખતે 123.78 કરોડની સંપત્તિની જાહેરાત કરી હતી. રાજ્યગુરુ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સામેના ઉમેદવાર હતા. મુખ્યમંત્રી સામે ઉ્મેદવાર બનવાના લીધે તે સમયે તે પ્રકાશમાં આવ્યા હતા.
કોંગ્રેસના સર્વેસર્વા રાહુલ ગાંધીએ જ્યારે ગુજરાતમાં કોંગ્રેસનું નવુ માળખુ રચ્યુ ત્યારે તેમા યુવાઓને વધારે જવાબદારી સોંપી હતી. આ સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને તેમના સમર્થકોની અવગણના થતાં તેમણે હોબાળો મચાવ્યો હતો.
ગુજરાત કોંગ્રેસના મુખ્યમથકે પ્રદેશપ્રમુખ અમિત ચાવડા મીડિયાને સંબોધી રહ્યા હતા ત્યારે યુવા કાર્યકરોએ તેમા અવરોધ સર્જ્યો હતો. આ જ સમયે રાજકોટમાં કોંગ્રેસના 34 નગરસેવકોમાંથી 17 સેવકોએ રાજ્યગુરુને ખાસ મહત્વ ન અપાતા રાજીનામાની ધમકી આપી હતી, તેના પગલે કોંગ્રેસે તેમની સામે શિસ્તબંઘના પગલાં લેવાની ફરજ પડી હતી.
રાજકોટની ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે જીપીસીસી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાનું નામ જાહેર કરવામાં નિષ્ફળ ગઈ છે. ફક્ત વીસ કાઉન્સિલરોને એટલા માટે નોટિસ આપવામાં આવી કેમકે તેમણે છનું નામ આગળ મોકલ્યુ હતું અને તેમાથી એકની વિપક્ષના નેતા તરીકે પસંદગી કરવા કહ્યું હતું. શું આને ગેરશિસ્ત કહેવાય. તેમણે ઉમેર્યુ હતું કે પક્ષે ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા ઉઠાવાયેલી બાબતોને ધ્યાનમાં ન લેતા તેઓએ પક્ષ છોડવાની ધમકી આપી હતી.