ગુજરાત મોડલ: અમદાવાદ એરપોર્ટ પર જયારે કોઈ મહાન હસ્તીનું આગમન થાય ત્યારે ગરીબો પડદા પાછળ

| Updated: April 21, 2022 2:49 pm

બ્રિટેના વડાપ્રધાન બોરિસ જોનસન આજે ગુજરાત પ્રવાસે આવવાના હોવાથી ફરી એકવાર તંત્રએ ગરીબોને સફેદ પડદા પાછળ ઢાંકી દીધા છે. જો કે સરકાર દ્વારા ફરી એકવાર ગરીબીની દિવાલ ઉભી કરવામાં આવી છે.

બોરિસ જોનસન આજે અમદાવાદ એરપોર્ટ પર સવારે આવી પહોંચ્યા હતા. તેઓ ત્યાથી સીધા મહાત્મા ગાંધી આશ્રમમાં પહોંચ્યા હતા. જો કે, એરપોર્ટ પાસેના રુટ પર ઘણા ગરીબ પરિવારો વસવાટ કરતા હોય છે. જેથી તેઓ પર બોરિસ જોનસનની નજર ન પડે તે માટે તંત્રે તેઓને એક સફેદ પડાદા પાછળ સંતાડી દીધા હતા.

ગુજરાતમાં જયારે પણ કોઈ મોટી હસ્તી પધારે છે તો સૌ પ્રથમ તંત્ર દ્વારા ગરીબોને સંતાડવામાં આવે છે કેમ? આ પહેલા જામનગરમાં રાષ્ટ્રપતિ આવવાના હોવાથી તંત્ર દ્વારા તેમના રસ્તામાં આવેલ તમામ ઝૂંપડપટ્ટીને સફેજ પડદાથી ઢાંકી દેવામાં આવ્યા હતા. જો કે, ગરીબોની ગરીબીને છુપાવવા માટે તંત્ર દ્વારા સફેદ પડદાઓ લગાવી તેઓને કેદ કરી દીધા હોય તેવું સાફ દેખાઈ રહ્યું હતું. તો આજે ફરી એકવાક અમદાવાદ એરપોર્ટ પર ડે રુટ પરથી બોરિસ પસાર થવાના હતા ત્યારે તે વિસ્તારમાં રહેતા તમામ ગરીબોને એક મોટા પડદા પાછળ સંતાડી દેવામાં આવ્યા હતા.

ગુજરાતની એક સમસ્યા એવી છે કે, તે પાછલા 30થી વધારે વર્ષથી સત્તામાં બેસેલ ભાજપ સરકાર દૂર કરી શકી નથી. આ સમસ્યા છે ‘ગરીબી.’ પાછલા 27થી પણ વધારે વર્ષથી ગુજરાતમાં સત્તા ભોગવી રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગરીબીમાં સતત વધારો થયો છે. તેવામાં ગુજરાત મોડલને દેશ-વિદેશમાં બતાવવા માટે ગુજરાત સરકાર ગરીબોની સ્થિતિ સુધારવાની જગ્યાએ તેમને છૂપાવી દેવાની નીતિ અપનાવી છે.

ગત ફેબ્રુઆરી 2020માં ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મહેમાન બન્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈ તંત્ર દ્વારા સોના જેવા રોડ કરી દીધા હતા. જે રોડનું કામકાજ છેલ્લા કેટલાક વર્ષોથી થયું ન હતું તેવા રોડ તંત્ર દ્વારા ફક્ત આઠ જ દિવસમાં તૈયાર કરી દેવામાં આવ્યા હતા.

ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત દેશની ગરીબીને જોઈ ના જાય તેથી એરપોર્ટ નજીક આવેલ સરણીયા વાસને છૂપાવવા માટે ઈન્દિરા બ્રીઝ સુધી એક કિલો લાંબી દિવાલ બનાવી દેવામાં આવી હતી. એક કિલોમીટર દિવાળ પાછળ આવેલી ઝૂપડપટ્ટીમાં પાંચ હજારથી વધારે ગરીબોને છૂપાવી દેવામાં આવ્યા હતા. આ દિવાળથી ગરીબી ભોગવી રહેલા લોકોના જીવનને વધારે મુંઝવણભર્યું બનાવી દેવામાં આવ્યું હતું.

આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને જાપાન વડાપ્રધાન શિંજો આંબે આવ્યા ત્યારે ગરીબોને છૂપાવવા માટે પડદા મારી દેવામાં આવ્યા હતા. જોકે, દરેક વખતે પડદાઓ થકી ગરીબીને છૂપાવવાની ઝંઝટને દૂર કરવા તે સમયે ગુજરાતની રૂપાણી સરકારે પરમેનેન્ટ સોલ્યુશન લાવવા માટે એક કિલોમીટર અને સાંત ઈંચ લાંબી દિવાલ જ ચણાવી નાખી હતી.

ગુજરાત મોડલમાં ગરીબીના આંકડા ચૌંકાવનારા

ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે 31 લાખ કરતાં વધારે પરિવાર ગરીબી રેખા હેઠળ જીવે છે. 31 લાખ પરિવાર એટલે દોઢ કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. અહીં તેવા દોઢ કરોડ લોકોની વાત થઈ રહી છે, જેમને વ્યવસ્થિત રીતે બે ટંકની રોટી પણ નસીબ થઈ રહી નથી. 2018માં વિધાસભામાં આપેલી માહિતી મુજબ છેલ્લા 2 વર્ષમાં 18,932 પરિવારો ગરીબી રેખા નીચે આવી ગયા છે.

રાજ્યમાં સૌથી વધુ ગરીબો ધરાવતા જિલ્લાઓમાં બનાસકાંઠા, દાહોદ, આણંદ, પંચમહાલ, વલસાડ અને સુરેન્દ્રનગર વગેરેનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા છેવાડાના વિસ્તારનો વિકાસ પણ થયો હોવાનું કહેવામાં આવે છે, પરંતુ છેવાડાના બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 2,31,449 કુટુંબો બીપીએલની યાદીમાં છે જે સૌથી વધુ છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં સૌથી વધુ ઔદ્યોગિક વસાહતો આવેલી છે છતાં અહીં 1,39,263 કુટુંબો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.

પીએમ મોદી માટે ગરીબી આડે આવતા દિવાલ બનાવાઈ હતી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી 2020ના દિવસે ગુજરાત આવ્યા હતા. ત્યારબાદ બાદ તેઓ 31મીએ રિવરફ્રન્ટ પર સી-પ્લેનનું ઉદ્ધાટન કર્યું હતું. તેના માટે વડાપ્રધાનને દેશની ખાસ કરીને ગુજરાતના ગરીબો અને ગરીબી દેખાય નહીં તે માટે રિવરફ્રન્ટ સામેની ખોડિયાર નગરની ઝુંપડપટ્ટીને ઢાંકવામાં આવી હતી.

Your email address will not be published.