અમદાવાદ ક્રાઈમબ્રાંચને મળી મોટી સફળતા : અનેક ગુનાઓમાં વોન્ટેડ મહંમદ ટેમ્પોની ધરપકડ

| Updated: October 2, 2021 5:16 pm

અમદાવાદ શહેર અને રાજયમાં 1990ના દાયકાથી અનેક જગ્યાએ ખૂન, અપહરણ, લૂંટ, ખંડણી, મારામારી અને ડ્રગ્સના વેપલા સાથે જોડાયેલો હિસ્ટ્રીશીટર મહંમદ ટેમ્પોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. પોલીસે તેના પાસેથી 8 પીસ્ટલ અને 62 જીવતા કારતુસ સાથે તેના સાગરીતની પણ ધરપકડ કરી હતી.

અમદાવાદના બહેરામપુરામાં રહેતો અને રાજ્યભરમાં હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી, લૂંટ જેવા ગંભીર ગુનાઓ સાથે જોડાયેલો મહંમદ ઉર્ફે ટેમ્પો અને તેનો સાગરીત સરફરાઝ ઉર્ફે શફીને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે હાથીજણથી ધરપકડ કરી હતી. ટેમ્પો સામે શહેર સહિત રાજ્યમાં અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.

ટેમ્પો સામે વર્ષ 1986માં પહેલી વખત હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ ટેમ્પો સામે અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. 1997માં આણંદમાં જીમખાનના માલિકની હત્યા કરી લૂંટ ચલાવી હતી. એક વર્ષ અગાઉ સુરત એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવેલા 70 કીલો એમડી ડ્રગ્સ કેસમાં પણ તેની સંડોવણી સામે આવી હતી. ગુનાઓનું મસમોટું લીસ્ટ ધરાવતો ટેમ્પો ઘણા સમયથી પોલીસ પકડથી દુર હતો.  

ટેમ્પોની ક્રાઇમ કુંડળી પર નજર કરીએ તો મહંમદ ટેમ્પો લતીફના એન્કાઉન્ટર બાદ ગુનાની દુનિયામાં પ્રવેશ્યો હતો. લતીફના એન્કાઉન્ટર બાદ તે અમદાવાદ સહિત રાજ્યમાં પૈસા લઈને ખૂન કરવું. વેપારીઓને ધમકી આપી અપહરણ કરી તેમની પાસેથી ખંડણી લેવાનું શરૂ કર્યું હતું. તે અનેક વખત પોલીસની પકડમાં આવી ચૂકયો હોવા છતાં તે આ ગુનાની દુનિયામાં જ રહેતો હતો. ગુનાની દુનિયામાં હોવાથી તેની દુશ્મની પણ વધવા લાગી હતી જેથી તે હંમેશા પોતાની સાથે હથિયાર કે પીસ્ટલ રાખતો હતો. આ વખતે પણ ક્રાઇમ બ્રાંચ દ્વારા તેને પીસ્ટલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *